ગરીબો અને મધ્યમવર્ગની તુલનાએ ધનિકો વધુ તફડંચી કરે છે?

Updated: Jul 16th, 2024


Google NewsGoogle News
ગરીબો અને મધ્યમવર્ગની તુલનાએ ધનિકો વધુ તફડંચી કરે છે? 1 - image


- ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ

દેશનાં અન્ય રાજ્યોની તુલનાએ ગુજરાતની પ્રજા પાપભીરુ, સરળ, વેપારી મિજાજની અને શ્રદ્ધાળુ ગણાય છે. પંજાબીઓ અને મરાઠીઓ કદાચ, યસ કદાચ એટલે જ ગુજરાતીઓ માટે મજાકમાં 'દાળ-ભાતખાઉ' જેવા શબ્દપ્રયોગો કરે છે. ગુજરાતી ભાષા માટે પણ 'શું શા પૈસા ચાર' અને 'ગાંડી ગુજરાત આગુ સે બાત ઔર પીછુ સે લાત' જેવાં વાક્યો સાંભળવા મળે છે. ગુજરાતી પ્રજા ખાવાપીવાની, સારાં વસ્ત્રો પહેરવાની અને પરવડે એવા વિદેશ પ્રવાસો કરવાની શોખીન છે.

આમ છતાં ક્યારેક એવી વાતો જાણવા-સાંભળવા મળે છે જે સમજુ અને શિક્ષિત ગુજરાતીને ચોંકાવી દે. તાજેતરમાં ભારતીય રેલવેએ એવી થોડીક વિગતો જાહેર કરી. અમદાવાદથી દેશનાં વિવિધ સ્થળોએ આશરે સવાસો ટ્રેન દોડે છે. એકલા અમદાવાદ અને મુંબઇ વચ્ચે રોજ સોળેક ટ્રેનની અવરજવર હોય છે. ૨૦૨૩ના એપ્રિલથી ૨૦૨૪ના માર્ચ એટલે કે એક નાણાંકીય વર્ષ દરમિયાન અમદાવાદથી ઉપડતી ટ્રેનોમાંથી એક લાખ કરતાં વધુ નેપકીન્સ, ૪૬ હજારથી વધુ બેડશીટ્સ અને ઓશિકાંનાં ૩૧ હજારથી વધુ ગલેફની ચોરી થઇ. વિગત પર ફરી એક નજર કરી લો. આ તો માત્ર એક નાણાંકીય વર્ષમાં થયેલી ચોરીની વાત છે. આવું તો કેટલાંય વરસથી ચાલી રહ્યું હશે.

હવે વિચારો. ટ્રેનોમાં ખાસ કરીને ટુ ટાયર એસી, થ્રી ટાયર એસી અને ફર્સ્ટ ક્લાસમાં - ખાસ કરીને રાત્રિ પ્રવાસમાં ઉતારુને બેડિંગ આપવામાં આવે છે. એમાં પાથરવાની સફેદ ચાદર, એક ગરમ બ્લેન્કેટ, તકિયો અને તકિયાનું ગલેફ એટલી બાબતો હોય છે. સાથોસાથ હાથમોઢું ધોયા પછી ચહેરો સાફ કરવા માટે એક નેપકીન અને લાંબા અંતરની મુસાફરીમાં નાહ્યા પછી ડિલ લૂછવા ટુવાલ ઉતારુઓની સગવડ માટે પૂરી પડાય છે. પ્રવાસ પૂરો થાય ત્યારે ઉતારુએ પોતાની બર્થ પર આ સામાન રહેવા દેવાનો હોય. કમ્પાર્ટમેન્ટનો એટેન્ડન્ટ બધંુ ભેગું કરીને સ્ટેશન પર જમા કરાવી દે.

સાદા સેકંડ ક્લાસના પ્રવાસીને આવી કોઇ સગવડ મળતી નથી. હવે આ ઉપલા વર્ગમાં મુસાફરી કરનારા લોકો સામાન્ય રીતે હાયર મિડલ ક્લાસ કે ધનિક પરિવારના હોય એ તો સમજી શકાય એવી વાત છે.એમને પાંચ પંદર રૂપિયાના નેપકીન તફડાવી લેવાની લાલચ કેમ થતી હશે એ સમજાતું નથી.

રેલવેના કર્મચારીઓ પોતે આવી ચીજો તફડાવીને અર્ધી કિંમતે વેચી નહીં દેતા હોય એની શી ખાતરી? તર્ક કરવા ખાતર આ સવાલ સારો છે, પરંતુ એ હકીકત નથી. રેલવેના નિયમ મુજબ જેટલાં નેપકીન્સ કે તકિયાના ગલેફ ખૂટે એની કિંમત જે-તે કોચના કોન્ટ્રેક્ટર પાસેથી વસૂલ કરાય છે. કોન્ટ્રેક્ટર આ રકમ સંબંધિત કર્મચારીના પગારમાંથી કાપી લે છે. એટલે રેલવે કર્મચારી આવી તફડંચી પરવડે નહીં.

આ લેખ વાંચીને કોઇએ બંધબેસતી પાઘડી પહેરી લેવી નહીં, પરંતુ સમાજના કહેવાતા ઉચ્ચ વર્ગના લોકો કે ધનિકોની માનસિકતા આપણે અગાઉ જોઇ છે. વિજય માલ્યા, નીરવ મોદી, અમી મોદી, નિશલ મોદી, મેહુલ ચોક્સી, લલિત મોદી અને પૂર્વી મહેતા જેવા અતિ ધનાઢય લોકો અબજો રૂપિયાની ગોલમાલ કરીને વિદેશોમાં નાસી ગયાં છે. કદાચ આ હકીકત ધ્યાનમાં રાખીને જ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ એકવાર 'મોદી અટક ધરાવનારા ગુજરાતીઓ ચોર છે' એવું વિધાન કરેલું. એ વાત જુદી છે કે એમણે કોર્ટમાં માફી માગી કે બધા મોદી કે બધા ચોક્સી એવા નથી. ઓક્કે, બધા એવા નથી. પરંતુ રેલવેના જે કોચમાં આવી ચોરીઓ થાય છે એ કોચમાં કોઇ ગરીબ ઉતારુતો પ્રવાસ કરતો હોતો નથી. એ હકીકત તો સ્વીકારવી પડેને?

છેલ્લા અઢી-ત્રણ મહિનાનાં છાપાં જોઇ જાઓ. વિદેશોમાં પણ હવે જ્યારે જ્યાં તક મળે ત્યાં ગુજરાતીઓ આડાઅવળા ધંધા કરતા ઝડપાયા છે. ગુજરાતીઓની માનસિકતા આવી કેમ થઇ ગઇ હશે એ સંશોધનનો વિષય છે. અગાઉ આવું ભાગ્યે બનતું. હવે જાણે નિયમ બની ગયો છે. 'જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદા થાય ગોલમાલ' એવું સૂત્ર નજીકના ભવિષ્યમાં લોકબોલીમાં વપરાતું થઇ જાય તો નવાઇ નહીં પામતા.


Google NewsGoogle News