ભારતીય સંગીતની એક અજોડ યાદગાર ઘટના આ ઘરાના સાથે સંકળાયેલી છે
- ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ
ભારતીય શાસ્ત્રીય સંગીત પર બે વિષ્ણુનો હિમાલય જેવડો ઉપકાર છે. વિષ્ણુ દિગંબર પળુસ્કર અને વિષ્ણુ નારાયણ ભાતખંડે. પળુસ્કરજી ગ્વાલિયર ઘરાનાના સ્વર ઉપાસક અને ભાતખંડેજી આગ્રા ઘરાનાના સાધક. આ બન્નેએ બડે બડે ઉસ્તાદોને ભાઇબાપા કરીને જુદા જુદા રાગ-રાગિણીની હજારો પ્રાચીન બંદિશો મેળવી. એને લિપિબદ્ધ કરીને ગ્રંથસ્થ કરી. એ પુસ્તકોની મદદથી આજે કરોડો બાળકો સહેલાઇથી સંગીત શીખી શકે છે. ભાતખંડેજી રામપુરમાં હતા ત્યારનો આ પ્રસંગ છે.
સવાસો-દોઢસો વરસ પહેલાં બડા બડા ઉસ્તાદો પાસે ઔપચારિક શિક્ષણ નહોતું, પરંતુ સંગીત ગુરુમુખ વિદ્યા છે એટલે દરેક ઉસ્તાદને સેંકડો બંદિશો કંઠસ્થ રહેતી. એમાં કેટલાક ઉસ્તાદો પોતાના પોતાના નિકટનાં સ્વજનો સિવાય કોઇને પોતાની વિદ્યા આપતા નહોતા. ભાતખંડેજી રામપુરના નવાબને પોતાનો દ્રષ્ટિકોણ ગળે ઉતારી શક્યા કે ભવિષ્યની અનેક પેઢીઓના લાભાર્થે હું આ કામ કરી રહ્યો છું, પરંતુ નવાબના કહેવા છતાં તેમના રાજગાયક ઉસ્તાદ ઇનાયત ખાન ભાતખંડેજીને પોતાની બંદિશો આપવા તૈયાર ન થયા.
ભાતખંડેજીએ અનેરી કોઠાસૂઝ વાપરી. તેમણે નવાબને વિનંતી કરી કે તમારા સિંહાસન પાછળ એક પરદો છે. એ પરદા પાછળ મને બેસવાની રજા આપો. નવાબે હા પાડી. ભાતખંડેજી પોતાની નોટબુક અને પેન લઇને પરદા પાછળ બેસી ગયા. બીજે દિવસે ઉસ્તાદજી દરબારમાં ગાઇ રહ્યા હતા એ બંદિશ ધ્યાનથી સાંભળીને ભાતખંડેજીએ ફટાફટ એનું નોટેશન (સ્વરલિપિ) નોંધી લીધું. એમની ગ્રહણશક્તિ અદ્ભુત હતી અને કુદરતે એમને ફોટોજેનિક મેમરી (યાદશક્તિ) આપી હતી એટલે એ આ અશક્ય લાગે એવું આ કામ કરી શક્યા.
પછીના દિવસે એમણે ઉસ્તાદજીની હાજરીમાં પોતે લખેલું ગાઇ સંભળાવ્યું. ઉસ્તાદજીને ઊંડો આઘાત લાગ્યો કે આ માણસે અમારું સંગીત ચોરી લીધું. ભાતખંડેજીએ ધીરજભેર એમને સમજાવ્યું કે આપને સેંકડો બંદિશો મોઢે છે. આવતી કાલે કદાચ આપ ન હો અને આપના વારસદારોને કોઇ બંદિશની જરૂર પડી તો કોણ આપશે? હું તમારું સંગીત પુસ્તક રૂપે પ્રગટ કરીશ. હજારો બાળકો એનો લાભ લઇ શકશે. મેં આ રીતે ગ્વાલિયર ઘરાના, કિરાના ઘરાના જયપુર ઘરાના વગેરેની બંદિશો પણ મેળવી છે. આપ સાંભળો. એટલે આપને ખ્યાલ આવશે એમ કહીને ભાતખંડેજીએ અન્યત્રથી મેળવેલી બે ચાર બંદિશો સંભળાવી. ઉસ્તાદજી આ સાંભળીને છક થઇ ગયા.પછી તો એમણે પોતાના ઘરાનાની તમામ બંદિશો ભાતખંડેજીને હોંશે હોંશે આપી. ભાતખંડેજીએ ત્યારબાદ પુસ્તકો પ્રગટ કર્યા. છ ભાગમાં સેંકડો રાગોની જુદા જુદા ઘરાનાની બંદિશો નોટેશન સાથે આપી.
ગયા સપ્તાહે રામપુર સહસવાન ઘરાનાના ઉસ્તાદ રાશિદ ખાનનું અકાળે અવસાન થયું ત્યારે આ ઘટના યાદ આવી. મૂળ રામુપુર સહસવાન ઘરાનાના સ્થાપક ઉસ્તાદ મહેબૂબ ખાન અચ્છા ગાયક હોવા ઉપરાંત અચ્છા સિતારવાદક હતા. એ લોકો ઉત્તર પ્રદેશના બદાયું જિલ્લાના સહસવાન વિસ્તારના રહેવાસી. એ પોતે લખનઉના નવાબ વાજિદ અલી શાહના દરબારી ગાયક હતા. એમના પુત્ર ઇનાયત ખાન અગાઉ ગ્વાલિયર, નેપાળ અને હૈદરાબાદના નિઝામના રાજગાયક રહી ચૂક્યા હતા. ત્યારબાદ વરસો સુધી રામપુર નવાબને ત્યાં રહ્યા એટલે આ ઘરાના રામપુર સહસવાન ઘરાના તરીકે ઓળખાયું. રાશિદ ખાનની પહેલાં એમના કાકા ઉસ્તાદ ગુલામ મુસ્તફા ખાન આ ઘરાનાના પ્રસિદ્ધ કલાકાર હતા. ફિલ્મ સંગીત સાથે સંકળાયેલા સોનુ નિગમ, શાન અને ઓસ્કાર વિજેતા સંગીતકાર એ આર રહેમાન ઉસ્તાદ ગુલામ મુસ્તફા ખાનના શાગિર્દ હતા.
યોગાનુયોગે ઔર એક ઇનાયત ખાન થઇ ગયા જે સિતાર અને સૂરબહારના વાદક હતા. એમણે તો સિતાર બનાવવાની પ્રક્રિયામાં ઘણા ફેરફારો કરાવેલા. પ્રસિદ્ધ સિતારવાદક ઉસ્તાદ વિલાયત ખાન (શુજાત ખાનના પિતા)આ ઇનાયત ખાનના પુત્ર થાય. ત્રીજા એક ઇનાયતખાન રહેમત ખાન હતા જે સરસ્વતી વીણાના નિપુણવાદક અને ગાયક હતા. પાછલી વયે એ પીર તરીકે પૂજાયા. તેમણે પશ્ચિમના દેશોમાં સૂફીવાદ અને સૂફી સંગીતનો પ્રચાર કર્યો. ભારતીય સંગીતમાં આવા ઘણા ચમત્કારો નોંધાયા છે.