પ્રખર ઉદ્યોગપતિ રતન તાતાને ભારતીય સંગીત માટે પણ ખૂબ પ્રેમ હતો
- ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ
રાષ્ટ્રપતિ ભવનમાં પદ્મ એવોર્ડ વિતરણ સમારોહ હતો. એક પ્રખર ઉદ્યોગપતિને પદ્મભૂષણ મળવાનો હતો. એક કલાકારને પદ્મવિભૂષણ એનાયત થવાનો હતો. કલાકાર અને ઉદ્યોગપતિ બંને એકમેકને પિછાણતા હતા. એવોર્ડ સમારોહ પૂરો થયો ત્યારબાદ બંનેએ એકમેકને વધાઇ આપી. કલાકારે થોડા સંકોચ સાથે ઉદ્યોગપતિને કહ્યું કે મારે આપની સાથે થોડી વાત કરવી છે. ચાલો મારી સાથે, ઉદ્યોગપતિએ ઓફર કરી, મારી હોટલમાં બેસીને વાત કરીએ.
યોગાનુયોગે બંને એક જ હોટલમાં ઊતર્યા હતા. ચા અને બિસ્કીટની મોજ માણતાં માણતાં વાતો ચાલી.
કલાકારે પોતાની મૂંઝવણ રજૂ કરી.
વાત જાણે એવી હતી કે ૧૯૮૮માં ત્યારના વડાપ્રધાન રાજીવ ગાંધી સાથે જપાન ગયા હતા. ત્યાં કલાકારના કાર્યક્રમને જબરદસ્ત સફળતા મળી હતી. પાછાં ફર્યા બાદ રાજીવ ગાંધીએ સહજપણે કલાકારને કહ્યું કે મારે લાયક કોઇ કામ હોય તો જરૂર કહેજો. કલાકારે તક ઝડપી લેતાં કહ્યું કે મારે સંગીતનું એક ગુરુકુળ ખોલવું છે. એ માટે મુંબઇમાં જમીનનો ટુકડો મળી જાય તો સારું. રાજીવ ગાંધીએ તરત ફોન ઉપાડયો અને કોઇની સાથે વાત કરી. પછી કહ્યું કે તમે મુંબઇ પહોંચો એટલે રાજ્ય સરકાર તમને થોડા પ્લોટ દેખાડશે. તમને ગમે એ પસંદ કરી લેજો.
મુંબઇમાં રાજ્ય સરકારે થોડા પ્લોટ દેખાડયા. કલાકારે અંધેરી ઉપનગરમાં વરસોવા બીચ પાસે આઠસો ચોરસ વારનો એક પ્લોટ પસંદ કર્યો. માત્ર એક રૂપિયાના ભાડે નવાણું વર્ષ માટે આ પ્લોટ કલાકારને મળી ગયો, પરંતુ આટલા મોટા પ્લોટ પર બાંધકામ કરવા માટે તો કોથળા ભરી ભરીને રૂપિયા જોઇએ. પંડિત જસરાજ અને ઉસ્તાદ અમજદ અલી ખાને કાર્યક્રમો કરીને થોડી મદદ કરી. એવામાં એકવાર તાજ ગુ્રપના ચેરમેન અને શાીય ગાયિકા કેસરબાઇ કેરકરના વારસ અજિત કેરકર સાથે મુલાકાત થઇ. અજિતે ગુરુકુળ બાંધવાની તૈયારી દાખવી, પરંતુ એમની શરત એવી હતી કે બેઝમેન્ટ અને ગ્રાઉન્ડ ફ્લોર પર તાજ ગુ્રપની પ્રણાલિ મુજબ દુકાનો બને. એની ઉપર ગુરુકુળ. મને-કમને કલાકારે આ ઓફર સ્વીકારી અને આ બાબતના કરાર કર્યા, પરંતુ બાંધકામ શરૂ થાય એ પહેલાં કોઇ કારણસર અજિત કેરકરે તાજ ગુ્રપ છોડી દીધું.
દરમિયાન, રાજ્ય સરકારની ઇન્ક્વાયરી આવી. નિયમ મુજબ કોઇને પ્લોટ આપવામાં આવે એના ત્રણ વર્ષમાં બાંધકામ ચાલુ થઇ ગયું હોવું જોઇએ. અહીં તો વાત અટકી પડી હતી. આમ પણ ગુરુકુળમાં નીચે બ્યૂટી સલૂન, ફેશન સ્ટુડિયો, ગિફ્ટ આટકલ્સની દુકાન વગેરે હોય એ કલાકારને સ્વીકાર્ય નહોતું. યોગાનુયોગે પદ્મ એવોર્ડ સમારોહમાં કલાપ્રેમી ઉદ્યોગપતિ રતન તાતાની મુલાકાત થઇ. રતન તાતાએ કલાકારને કહ્યું કે આપણે મુંબઇ પહોંચીએ એટલે તમારા સ્વપ્ન મુજબના ગુરુકુળનો નકશો મને મોકલજો. રતન તાતાએ મુંબઇમાં કેટલાક ઓડિટોરિયમ બનાવ્યા છે, જેમ કે નેશનલ સેન્ટર ફોર ધ પર્ફોેમગ આર્ટ્સ, ભાભા ઓડિટોરિયમ વગેરે. એ સભાગારના ઉદ્ધાટન પ્રસંગે કલાકારે કાર્યક્રમ કર્યા હતા. મુંબઇ પહોંચીને કલાકારે એક આકટેક્ટ દોસ્તની મદદથી પોતાના સ્વપ્નના ગુરુકુળનો નક્શો રતન તાતાને મોકલ્યો.
તરત રતન તાતા કામે લાગ્યા. એમણે ગુરુકુળનું કામ શરૂ કરાવ્યું અને લો, એ ગુરુકુળ બની ગયું. તમને કદાચ ખ્યાલ આવી ગયો હશે. વિશ્વવિખ્યાત બાંસુરીવાદક પંડિત હરિપ્રસાદના વૃન્દાવન ગુરુકુળની આ વાત છે. બેઝમેન્ટમાં સાઉન્ડપ્રુફ રેકોડગ સ્ટુડિયો, ગ્રાઉન્ડ ફ્લોર પર બંસીધર ભગવાન કૃષ્ણનું એક રમણીય મંદિર, પહેલે મજલે ગુરુકુળનું કાર્યાલય, વિદ્યાર્થીઓને રહેવાની વ્યવસ્થા અને પંડિત હરિપ્રસાદ ચૌરસિયાનો શયનખંડ અને ઉપલ મજલા પર સંગીતના વર્ગો. વૃન્દાવન ખરેખર ગુરુકુળ છે. પંડિતજી અને અન્ય શિક્ષકોની પ્રવેશ પરીક્ષામાં સફળ થાય એ વિદ્યાર્થીને રહેવા-ખાવા પીવાની અને સંગીત શીખવાની સંપૂર્ણપણે નિઃશુલ્ક વ્યવસ્થા. ફી ન ભરી શકવાને કારણે કોઇ યોગ્ય વિદ્યાર્થી સંગીત ન શીખી શકે એ પંડિત હરિપ્રસાદજીને સ્વીકાર્ય નથી. રતન તાતાની ચિરવિદાયથી પંડિતજીને અસહ્ય આઘાત લાગ્યો. કોઇ દંભ આડંબર કે ખોટા દેખાડા વિના રતન તાતાએ એમના સપનાને સાકાર કરી આપ્યું છે.