ઉપવાસનો સાચો અર્થ સમજાય તો વગર દવાએ કેન્સર દૂર કરી શકાય છે- વૈજ્ઞાાનિક સંશોધન કહે છે
- ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ
- પેટ સાવ ખાલી હોય ત્યારે શરીર એવા કોષો નષ્ટ કરવા માંડે છે જે કેન્સરને વિકસાવે છે
કેન્સર અને કોરોના બંનેની રાશિ એક જ છે. કોરોનાને હંફાવવાના માનવ જાતના પ્રયોગો હજુ ચાલુ છે. કેન્સરને હંફાવવામાં ઘણે અંશે સફળતા મળી છે. અભ્યાસીઓ કહે છે કે તમાકુ, માંસાહાર અને શરાબનું વ્યસન ન હોય એવા તદ્દન નિર્વ્યસનીને પણ કેન્સર તો થઇ શકે. એની સામે એક નવું સંશોધન મહત્ત્વની વાત કરે છે. ૨૦૧૮માં મેડિસિનનું નોબેલ પારિતોષિક બે વિજ્ઞાાનીઓ વચ્ચે વહેંચાઇ ગયું હતું. એક વિજ્ઞાાની જાપાનના હતા. એમનું નામ તાસુકુ હોંજો. એ જાપાનની કિયોટો યુનિવર્સિટી સાથે સંકળાયેલા છે. બીજા વિજ્ઞાાની અમેરિકાના ઇમ્યુનોલોજિસ્ટ જેમ્સ એલીસન હતા. એ ટેક્સાસ યુનિવર્સિટીના વિજ્ઞાાની છે. આ બંનેએ કેન્સરને હંફાવવા એક સાવ સરળ સૂચન કર્યું હતું. વરસમાં ફક્ત વીસ દિવસ સરેરાશ દસ કલાક ખરા અર્થમાં ઉપવાસ કરો. ઉપવાસ સંસ્કૃત શબ્દ છે. ઉપ એેટલે પાસે, નજીક અને વાસ એટલે વાયુભક્ષણ. માત્ર હવા અર્થાત્ પ્રાણવાયુ પર રહેવું. ઉપવાસનો સાચો અર્થ આ છે. દુનિયાના દરેક ધર્મમાં ઉપવાસનો મહિમા સ્વીકારાયો છે. માત્ર દરેકની ઉપવાસ કરવાની પદ્ધતિ જુદી છે.
હાલ ભાગ્યે જ કોઇ આ અર્થમાં ઉપવાસ કરે છે. અત્યારે વસંત તુ ચાલે છે. માર્ચની પંદરમીથી મેની પંદરમી સુધી આયુર્વેદની દ્રષ્ટિએ વસંત તુ છે. આ તુ કફ પ્રધાન છે. વધુ પડતા તળેલા કે ગળ્યા પદાર્થો ઓછા ખાવા જોઇએ અને બપોરની વામકુક્ષી ટાળવી જોઇએ એવું આયુર્વેદના ઉપાસકો કહે છે.
હવે વાત કરીએ ઉપવાસની. આધુનિક વિજ્ઞાાન પણ હવે ઉપવાસનું મહત્ત્વ સ્વીકારે છે. સૌથી શ્રે ઉપવાસ જૈન ધર્મના અનુયાયીઓ કરે છે. પહેલા દિવસના સૂર્યોદયથી બીજા દિવસના સૂર્યોદય સુધી એટલે કે ચોવીસ કલાક સુધી ભૂખ્યા રહેવાનનું. બહુ તો ગરમ પાણી લઇ શકાય. ગરમ પાણી સિવાય કશું લેવાનું નહીં. ફરાળી વાનગીના નામે માલમલીદા ઝાપટવાના નહીં.
અત્યારે તો ફરાળના નામે જાતજાતની સ્વાદિષ્ટ વાનગી ઝાપટવાની ફેશન થઇ પડી છે. ફરાળી પીઝા અને ફરાળી ભેળ પણ છૂટથી ખવાય છે. ગુજરાતમાં ક્યાંક ક્યાંક ફરાળી આઇસક્રીમ પણ ખવાય છે. મૂળ શબ્દ ફલાહાર હતો. ફળો લઇ શકાય. ફલાહાર શબ્દ ઘસાઇ ઘસાઇને ફરાળ થઇ ગયો. તળેલી અને ગળી (મીઠ્ઠી) વાનગીઓને ફરાળના નામે ઠાંસીને ખાવી એ ઉપવાસ નથી. ઉપવાસ એટલે કમ સે કમ ચોવીસ કલાક ભૂખ્યા અને બની શકે તો તરસ્યા રહેવાનું.
પોતાની આત્મકથા 'મારા સત્યના પ્રયોગો'માં ગાંધીજીએ તેમના માતુશ્રી જે ઉપવાસ કરતા એની વાત કરી છે. ખાસ કરીને હિન્દુ પંચાંગ પ્રમાણે જેઠ માસમાં નિર્જળા એકાદશી આવે છે. ભીષણ તાપ હોય. પાણી વિના ગળું સુકાય. કાચાપોચાને ચક્કર આવી જાય. પરંતુ ગાંધીજીના માતુશ્રી પૂતળીબાઇ એવા નિર્જળા ઉપવાસ કરતા એમ ગાંધીજીએ લખ્યું છે. પોતાની ઉત્તરાવસ્થામાં ખુદ ગાંધીજી ઉપવાસ કરતા.
નોબેલ પારિતોષિત વિજેતા આ બંને વિજ્ઞાાનીઓએ પોતાનો ઉપવાસ પાછળનો તર્ક આ રીતે સમજાવ્યો હતો- તેમણે કહ્યું, 'પેટ સાવ ખાલી હોય ત્યારે શરીર એવા કોષો નષ્ટ કરવા માંડે છે જે કેન્સરને વિકસાવે છે. કેન્સર એટલે અમુક કોષોની અતિવૃદ્ધિ- ઓવરગ્રોથ ઓફ સર્ટન સેલ્સ. સાચા અર્થમાં ઉપવાસ કરવામાં આવે ત્યારે બિનજરૂરી જણાય એવા કોષોને શરીર પોતે નષ્ટ કરવા માંડે છે. વરસમાં ઓછામાં ઓછા વીસ દિવસ સરેરાશ દસ કલાક નિર્જળા ઉપવાસ કરવો જોઇએ....'
આ બંને વિજ્ઞાાનીઓને તબીબી ચિકિત્સા વિભાગનું નોબેલ સહિયારું વહેંચવામાં આવ્યું હતું. વિચાર આપણે સૌએ કરવાનો છે. વરસો પહેલાં મુંબઇની કેઇએમ હોસ્પિટલ સાથે સંકળાયેલા ડોક્ટર મનુ કોઠારી (નામમાં સરતચૂક હોય તો ક્ષમસ્વ મે...) એ ઊંડો અભ્યાસ કરીને 'કેન્સર એટલે કેન્સલ નહીં નામે' પુસ્તક લખ્યું હતું. હવે નોબેલ પારિતોષિત વિજ્ઞાાનીઓ સાચા અર્થમાં ઉપવાસ કરવાની સલાહ આપે છે. બની શકે તો જૈન પદ્ધતિના ઉપવાસ પણ કરી શકાય. ગરમ પાણી શરીરની ભીતર રહેલા કચરાને સાફ કરી નાખે છે. શરીર નરવું બની રહે છે. બોલો, કેન્સરની હંફાવવાની એક પણ પૈસો ખર્ચ્યા વિનાની આ સારવાર પદ્ધતિ અજમાવવા જેવી ખરી કે નહીં ?