Get The App

સ્ત્રી શિક્ષણની પ્રખર હિમાયતી મહારાષ્ટ્રીયન રાજરાણીની એવરગ્રીન પ્રેરક કથા...

Updated: Jun 15th, 2021


Google NewsGoogle News
સ્ત્રી શિક્ષણની પ્રખર હિમાયતી મહારાષ્ટ્રીયન રાજરાણીની એવરગ્રીન પ્રેરક કથા... 1 - image


- ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ

- હજારો વર્ષ પહેલાં જ્યારે સ્ત્રી આટલી હદે શિક્ષિત હતી તો પછીના સમયગાળામાં એવું તે શું બન્યું કે સ્ત્રીઓને શિક્ષણથી વંચિત રાખવામાં આવી ?

- નળ રાજા, યુધિષ્ઠિર, સીતામાતા અને ભગવાન કૃષ્ણ - આ ચાર પુણ્યશ્લોક ગણાય છે

'હું મનથી તમને વરી ચૂકી છું. મારાં સ્વજનો મને બળજબરીથી અન્યત્ર પરણાવી દેવાની તૈયારી કરે છે, મને હરી જાઓ...'

ભગવાન શ્રી કૃષ્ણને આવો પત્ર લખનારી રુક્ષ્મણી જરૂર શિક્ષિત હોવી જોઇએ. કથાકારો રુક્ષ્મણીના આ પત્રને વિશ્વનો સૌ પ્રથમ પ્રેમ પત્ર ગણાવે છે. 'મારા પતિઓ પહેલાં પોતે હાર્યા છે કે પહેલાં મને હાર્યા છે' એવો સવાલ કૌરવોની ભરી સભામાં કરનારી પાંચાલી જરૂર ન્યાયશાસ્ત્ર ભણી હશે. શાસ્ત્રચર્ચા કરીને જગ જીતવા નીકળેલા શંકરાચાર્યને શાસ્ત્રચર્ચામાં પરાજિત કરનારી ગાર્ગી અને મૈત્રેયી જરૂર શાસ્ત્રવિદ્ હશે.

હજારો વર્ષ પહેલાં જ્યારે સ્ત્રી આટલી હદે શિક્ષિત હતી તો પછીના સમયગાળામાં એવું તે શું બન્યું કે સ્ત્રીઓને શિક્ષણથી વંચિત રાખવામાં આવી ? સ્ત્રીઓને શિક્ષણનો અધિકાર નથી એવી પસંપરા શી રીતે શરૂ થઇ ? પુરુષ પ્રધાન સમાજનો અહં સ્ત્રી તેજને કારણે ઘવાયો હશે ? કે પછી સંત તુલસીદાસના નામે ચડેલી પેલી પંક્તિ 'ઢોર ગંવાર શુદ્ર અરુ નારી, યે સબ તાડન કે અધિકારી...' ન્યાયે પુરુષો સ્ત્રીને પગની જૂતી સમાન રાખવા ઇચ્છતા હશે ? કોણ જાણે.

છેલ્લાં થોડાં સપ્તાહથી એક ટીવી ચેનલ પર મહારાષ્ટ્રના હોલકર રાજપરિવારની એક પ્રતાપી મહિલાની કથા ટીવી સિરિયલ રૂપે રજૂ થઇ રહી છે. એ મહિલા એટલે પુણ્યશ્લોક અહિલ્યા. આપણે એક અન્ય અહિલ્યાથી પરિચિત છીએ. ગૌતમ ઋષિની પત્ની જેની કોઇ ભૂલ નહોતી છતાં ગૌતમના શાપથી શલ્યા બની ગઇ. ભગવાન રામના ચરણ સ્પર્ષથી ફરી અહિલ્યા બની. 

અહીં એક આડવાત. પ્રાચીન ગ્રંથોમાં એક શ્લોક છે- 'પુણ્યશ્લોકો નલો રાજા, પુણ્યશ્લોકો યુધિષ્ઠિરઃ, પુણ્યશ્લોકા ચ વૈદેહી, પુણ્યશ્લોક જનાર્દનઃ.....' નળ રાજા, યુધિષ્ઠિર, સીતામાતા અને ભગવાન કૃષ્ણ- આ ચાર પુણ્યશ્લોક ગણાય છે.

સરદાર વલ્લભભાઇ પટેલે અખંડ હિન્દુસ્તાનની રચના કરવા છસોથી વધુ રાજરજવાડાં નાબૂદ કર્યાં. દેશના એક પણ રાજ્યના રાજપરિવારની એક પણ વ્યક્તિ પુણ્યશ્લોક તરીકે બિરદાવાઇ નથી. માત્ર મહારાષ્ટ્રના હોલકર પરિવારની રાણી અહિલ્યા પુણ્યશ્લોક કહેવાઇ છે.

એવું શી રીતે બન્યું હશે એ સમજવા માટે પણ કાં તો ઇતિહાસનાં એ પૃષ્ઠો વાંચવા પડે અથવા હાલ રજૂ થઇ રહેલી ટીવી સિરિયલ જોવી પડે. જો કે ફિલ્મો કે સિરિયલમાં કેટલીક હકીકત છૂટ લેવાતી હોય છે. એક નાનકડા ગામડાના ખેડૂત પરિવારની દીકરી માત્ર નવ વર્ષની વયે માળવાના રાજપરિવારની પુત્રવધૂ બનીને આવે છે. એને ભણવાની ઉત્કટ ઇચ્છા છે, રાજ્યગુરુ પોતે એની પ્રતિભાને બિરદાવી ચૂક્યા છે. છતાં એને ભણતી અટકાવવા કેવાં કેવાં કાવાદાવા અને કાવતરાં થાય છે એ જોવા જેવું છે. આ પાત્ર ભજવનાર બાળ કલાકારે ખરેખર સરસ રીતે આ પાત્રને ઉપસાવ્યું છે.

ઇતિહાસ વાંચીએ ત્યારે ખબર પડે કે મહારાણી અહિલ્યા સ્ત્રી શિક્ષણના કેવા જબરાં હિમાયતી હતાં. પોતાના શાસનકાળ દરમિયાન પતિ ગુમાવ્યો, પુત્ર ગુમાવ્યો, જમાઇ ગુમાવ્યો છતાં હિંમત હાર્યા વિના સુચારુ વહીવટ આપવા ઉપરાંત દેશના ખૂણે ખૂણે સેંકડો પ્રાચીન મંદિરોનેા જિર્ણોદ્ધાર કરાવ્યો અને સેંકડો મંદિરો નવાં બનાવ્યાં. પ્રજાહિતનાં નક્કર કાર્યો કર્યાં અને પ્રજાનો પ્રેમ પ્રાપ્ત કર્યો. એમનાં સત્કાર્યોને કારણે જ આખા દેશમાં આ એકમાત્ર રાજરાણી પુણ્યશ્લોક તરીકે બિરદાવવામાં આવી. સ્ત્રી સશક્તિકરણનો આવો દાખલો બીજો શોધ્યો જડે એમ નથી.


Google NewsGoogle News