શ્રદ્ધા કે અંધશ્રદ્ધા, બેવકૂફી કે બાલિશતા, કયું પરિબળ લાખોને અહીં ખેંચી લાવે છે?
- ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ
આજે ચૌદમી જાન્યુઆરી. હિન્દુ પંચાંગ મુજબ મકર સંક્રાન્તિ. મહાભારતના મહામાનવ ભીષ્મ પિતામહે આજે સ્વૈચ્છિક દેહત્યાગ કરેલો. દેશ અને દુનિયામાં જ્યાં જ્યાં ગુજરાતીઓ વસેલા છે ત્યાં આજે અનેકરંગી પતંગો ઊડાડવાનો ઉત્સવ ઉજવાઇ રહ્યો હશે. સબ્જીસમ્રાટ ઊંધિયા સાથે જલેબીની મિજબાની થઇ રહી હશે. આ એક અનેરી પરંપરા છે. ઊંધિયા સાથે જલેબીની જોડી બીજે ક્યાંય જોવા ન મળે. પ્રયાગરાજ કે ઇલાહાબાદની વાત કરો તો અહીં પ્રચંડ માનવ મહેરામણ ઉમટયો છે. માનવ મહેરામણ શબ્દનો ખરો અર્થ સમજવો હોય તો તમારે આ લખનારની સાથે પ્રયાગરાજમાં હાજર રહેવું પડે.
પ્રાચીન કાળથી પૂજાતી આવેલી અને પતિતપાવન મનાતી લોકમાતા ગંગા, યમુના અને (ગુપ્ત મનાતી) સરસ્વતીનો અહીં ત્રિવેણીસંગમ થાય છે. આજના પવિત્ર દિવસે અહીં દેશના ખૂણે ખૂણેથી વિવિધભાષી, વિવિધ પોષાક પરંપરા અને વિવિધ ખોરાક પરંપરા માણતી પ્રજા અહીં ઉમટી પડી છે. ટ્રેનમાં, બસમાં, ખાનગી વાહનમાં, ટ્રકમાં અને પગપાળા લોકો આવ્યે જાય છે. અખંડ ભારતના પ્રતીક સમાન વિવિધતામાં એકતા અહીં જોઇ શકાય છે. રાતવાસો કરવાની સગવડ હોય કે ન હોય, મનવાંછિત ભોજન મળે કે ન મળે, ચારે દિશામાંથી લોકો આવ્યે જાય છે.
સોમવાર, તેરમી જાન્યુઆરીની મોડી રાતથી ગ્રામપ્રજા ત્રિવેણી સંગમ તરફ જવાના માર્ગની બંને બાજુએ ગોઠવાઇ ગઇ છે. હાડ થીજી જાય એવી કાતિલ ઠંડી છે. છતાં લોકમાનસમાં એક પ્રકારનો ઉત્સાહ અને તરવરાટ છે. કોઇની આંખમાં ઊંઘ દેખાતી નથી. કારણ, બાર વર્ષે એકવાર હિમાલયની હિમાચ્છાદિત પર્વતમાળા પરથી નાગા સાધુઓ કુંભ મેળામાં ઊતરી આવે છે. મકર સંક્રાન્તના બ્રાહ્મ મુહૂર્તે એટલે કે નાગા બાવાના સમય મુજબ રાત્રે ત્રણ સાડાત્રણ વાગ્યાની આસપાસ નાગા બાવાની શાહી સવારી શરૂ થાય છે. ત્રિવેણી સંગમના આંગળી બોળતાંય ડર લાગે એવા અત્યંત ઠંડા પાણીમાં આ નાગા બાવા હર હર મહાદેવની ગર્જના કરતાં પાંચસો-સાતસોની સંખ્યામાં એક સાથે ઝંપલાવી દે છે. એક સાથે આટલા બધા લોકોના કૂદકાથી લોકમાતાનું પાણી ધબાકા સાથે ઊછળે છે. હવે નાગા બાવાની સાથે પ્રચંડ જનમેદની પણ હર હર મહાદેવની ગગનગામી ગર્જના કરે છે.
આપણા જેવા શહેરીજનોને એક દ્રશ્ય ન ગમે. સાધુઓની સવારી આગળ નીકળી જાય એટલે બંને બાજુ બેઠેલા ગ્રામજનો તરત ઊભા થઇને સાધુવાળા માર્ગ પરથી ચપટી ધૂળ લઇને પ્રસાદની જેમ મોંમાં મૂકી દે અથવા માથે ચડાવે. આજે પણ દૂર દૂરનાં ગામડાંની પ્રજાને સાધુ સંતો માટે ખાસ્સો અહોભાવ છે. ભગવા વેશમાં ભલે આશારામો, કેશવાનંદો કે નિત્યાનંદોએ કુકર્મો કર્યાં હોય, ગ્રામ પ્રજાનો સાધુસંતો માટેનો ભક્તિભાવ અખંડ છે. કદાચ એટલે જ દેશના ખૂણે ખૂણેથી લોકો કુંભ મેળામાં ઊમટી પડે છે.
રાજ્ય સરકાર ગમે તેટલી સગવડો ગોઠવે, જનમેદની એટલી મોટી સંખ્યામાં ચારે દિશામાંથી આવી પડે છે કે ભલભલા વહીવટકર્તા ધ્રૂજી ઊઠે. એક વાત ચકિત કરી દે છે કે પોલીસ દળ, સ્થાનિક વહીવટી તંત્ર આંખમાં તેલ આંજીને રાતદિવસ સતત કામ કરે છે. ક્યાંય કોઇના ચહેરા પર કંટાળો કે અણગમો નથી. કુંભ મેળાની આ જ ખૂબી છે. એક પ્રકારની ઊર્જા સતત અનુભવાય છે. એને દિવ્ય કહો કે લૌકિક કહો, આ ઊર્જા અખંડપણે વહી રહી છે. અલબત્ત, અત્ર તત્ર થોડીક અવ્યવસ્થા કે ગંદકી જોવા મળે, કારણ કે ગ્રામપ્રજાએ સ્વચ્છતાના પાઠ હજુ પૂરેપૂરા પચાવ્યા નથી. અસહ્ય ઠંડીના કારણે કોઇ ગ્રામવાસી ગમે ત્યાં લઘુશંકા કરતો દેખાય તો તરત પોલીસ કે સ્વયંસેવક એને યોગ્ય સ્થળ ચીંધે છે. તો કોઇ કોન્સ્ટેબલ એકાદ ડંડો પણ ચખાડી દે છે. ચોવીસે કલાક ફરજ બજાવતો કોન્સ્ટેબલ થોડો ગુસ્સે થાય એ સ્વાભાવિક ગણાય.
સ્થાનિક વહીવટકર્તા અધિકારી કહે છે કે આજ કે દિન કરીબ પચીસ તીસ લાખ લોગ યહાં સ્નાન કરેંગે ઔર અપને આપ કો સાર્થક સમજેંગે. દુનિયાભરના મીડિયામેન અને અધ્યાત્મ પિપાસુ વિદેશી સાધકો અહીં આવ્યા છે. સૌને યથાશક્તિ આનંદ મળે છે. સિદ્ધપુરુષો અને હઠયોગીથી માંડીને વેશધારી બાવાઓના અહીં ડેરામુકામ છે.