શેખ હસીનાને રશિયાએ ચેતવ્યાં હતાં કે તમારું સિંહાસન ખતરામાં છે
- ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ
ભારતીય સ્વાતંત્ર્ય દિનની ઊજવણીને માત્ર ૪૮ કલાક બાકી છે ત્યારે ભારતીય સરહદ પર લાખ્ખો બાંગ્લાદેશી હિન્દુઓ રાજ્યાશ્રય માટે વલખતાં ઊભાં છે. અનામત આંદોલનના અંચળા હેઠળ વિદેશી સત્તાઓએ બાંગ્લાદેશમાં રક્તપાત સર્જ્યો અને શેખ હસીનાએ જાન બચાવવા ભાગવું પડયું. હજુ તો હસીના ભારતમાં આવીને નિરાંતનો શ્વાસ લે ત્યાં સમાચાર આવ્યા કે અમેરિકાએ એમના વીઝા રદ કર્યા છે અને બ્રિટને તેમને પોતાને ત્યાં આવવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી.
ખુદ બાંગ્લાદેશના વરિષ્ઠ સમીક્ષકો કહે છે કે હસીનાએ પોતાની જાતે પોતાના પગ પર કુહાડો માર્યો હતો. છેલ્લાં સોળ-સત્તર વર્ષથી એ બાંગ્લાદેશ પર રાજ કરી રહ્યાં હતાં. ધીમે ધીમે એ સરમુખત્યાર બની રહ્યાં હતાં. ૨૦૦૮માં યુવા શક્તિના જોરે એ ચૂંટાઇ આવ્યાં ત્યારે યુવાનોને એવી આશા જાગી હતી કે હવે અમને જીવનના દરેક ક્ષેત્રમાં સારી તકો મળશે, પરંતુ જેમ જેમ સમય વીતતો ચાલ્યો તેમ તેમ યુવાનોનો ભ્રમ ભાંગતો ચાલ્યો. હસીનાએ ચૂપચાપ પોતાના વિરોધીઓને ખતમ કરવા માંડયા. એટલેથી અટક્યાં નહીં. ૨૦૧૩માં તેમણે મદ્રેસા જેવી કેટલીક મજહબી સંસ્થાઓનાં વિદ્યાર્થીઓની હત્યા સામે આંખ આડા કાન કર્યા.
આમ છતાં બાંગ્લાદેશની પ્રજાએ તેમના પર વિશ્વાસ મૂક્યો. હસીના જરૂર લોકકલ્યાણનાં કાર્યો કરશે એવી પ્રજાની ધારણા હતી, પરંતુ હસીના તો પોતાનું સ્થાન કાયમી અને દ્રઢ થાય એવાં પગલાં લઇ રહ્યાં હતાં. એક અહેવાલ મુજબ ૨૦૨૩ના ડિસેમ્બરમાં હસીનાને રશિયાએ એક ગુપ્ત સંદેશો મોકલ્યો હતો. એનો સાર એટલો જ હતો કે અમેરિકા અને ચીન બંને ટાંપીને બેઠાં છે. ગમે ત્યારે તમારે ત્યાં અસંતોષની આગ ફાટી નીકળશે અને એ બહાને તમને ખતમ કરી નાખવામાં આવશે. અત્રે યાદ રહે કે દેશ આઝાદ થયાના માત્ર ચાર વર્ષમાં ૧૯૭૫માં હસીનાના પિતા બંગબંધુ શેખ મુજીબુર રહેમાનની ઠંડે કલેજે હત્યા કરવામાં આવી હતી.
કાં તો હસીનાએ આ સંદેશાને ગંભીરતાથી લીધો નહીં અથવા આત્મવિશ્વાસના અતિરેકમાં બેસી રહ્યાં. કહેવાતા અનામત આંદોલનના નેજા હેઠળ એકસોથી વધુ યુવાનો ઠાર થયા ત્યારે પણ હસીનાના પેટનું પાણી હાલ્યું નહીં. જ્યારે પોતાના પગ નીચે રેલો આવ્યો ત્યારે પોતાનો જાન બચાવવા દેશ છોડીને ભાગ્યાં. એક અહેવાલ મુજબ આ કહેવાતા અનામત આંદોલનમાં સ્થાનિક યુવાનો કરતાં બહારથી આવેલા અનિષ્ટ તત્ત્વો (પાકિસ્તાની આતંકવાદીઓ એમ વાંચો)એ પરિસ્થિતિ વણસે એવા સંજોગો સર્જી દીધા હતા. અમેરિકાના પગલે ચાલીને ચીને પાકિસ્તાનના સક્રિય સહકારથી બાંગ્લાદેશમાં અરાજકતા સર્જી દીધી.
બહાનું અનામત આંદોલનનું હતું, પરંતુ હેતુ લઘુમતી હિન્દુઓને ભગાડવાનું અને હિન્દુ ધર્મસ્થાનોને નષ્ટ કરવાનું હતું. તોફાનીઓએ હસીનાના અવામી લીગના ત્રીસેક નેતાઓને ઠંડે કલેજે ઢાળી દીધા. એમના મૃતદેહો જોનારા લોકોના કહેવા મુજબ આ નેતાઓ પર ખૂબ રાક્ષસી અત્યાચારો કરાયા હોવા જોઇએ. હસીનાએ પોતાનો જીવ ભલે બચાવ્યો, દેશને હિંસાની હોળીમાં હોમી દીધો. આ લખાતું હતું ત્યાં સુધી તો કોઇ દેશે એમને રાજ્યાશ્રય આપવાની તૈયારી દાખવી નહોતી.
ભારત પૂરતી વાત કરીએ તો અત્યારે એક કરોડથી વધુ નિરાશ્રિત હિન્દુ નાગરિકોને આશ્રય આપવાની આપણી ત્રેવડ છે ખરી? આ એક યક્ષપ્રશ્ન છે. આશ્રય ન આપો તો દુનિયાભરમાં બદનામી મળે અને આશ્રય આપો તો એમને વસાવવાથી માંડીને એમને ખાધાખોરાકી અને કામધંધાની જોગવાઇ કરવી પડે, ૧૯૭૧માં ત્યારનાં વડાપ્રધાન ઇંદિરા ગાંધીએ બાંગ્લાદેશને આઝાદ કરાવ્યા પછી તમને યાદ હોય તો વરસો સુધી એક પ્રકારનો ટેક્સ ભારતીય નાગરિકો પાસેથી વસૂલ કર્યો હતો. આજે નરેન્દ્ર મોદી સરકાર એવું આકરું પગલું ભરવા ધારે તો એમના લોહીના તરસ્યા વિરોક્ષ પક્ષો ટાંપીને બેઠાં છે. હજુ તો ગયા સપ્તાહે પીઢ કોંગ્રેસી નેતા સલમાન ખુર્શીદે પત્રકારો સમક્ષ કહ્યું હતું કે ભારતમાં પણ બાંગ્લાદેશનું પુનરાવર્તન થઇ શકે છે. આ ગર્ભિત ચેતવણીનો અર્થ સમજી લેવા જેવો છે.