Get The App

વગર બહુમતીએ 370મી કલમનો મુદ્દો ઊછાળવાની ઓમરની ગુસ્તાખી

Updated: Nov 12th, 2024


Google NewsGoogle News
વગર બહુમતીએ 370મી કલમનો મુદ્દો ઊછાળવાની ઓમરની ગુસ્તાખી 1 - image


- ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ

બરાબર બે દિવસ પછી એટલે કે ૧૪ નવેમ્બરે દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુની જન્મજયંતી ઊજવાશે. પ્રખર વિદ્વાન અને અનોખી બુદ્ધિ પ્રતિભા ધરાવતા હોવા છતાં માત્ર પોતાના અહંની તુષ્ટિ ખાતર પંડિત નહેરુએ દેશને કેટલું નુક્સાન કર્યું છે એ હવે સમજાય છે. તાજેતરમાં થયેલી જમ્મુ-કશ્મીર વિધાનસભાની ચૂંટણીમાં નેશનલ કોન્ફરન્સને સ્પષ્ટ બહુમતી મળી નથી. અન્યોના ટેકાથી ઓમર અબ્દુલ્લાએ સરકાર રચી છે. કોંગ્રેસે બહારથી ટેકો આપ્યો છે. આમ છતાં ઓમર અબ્દુલ્લાના ટેકેદારોએ રાજ્યને ખાસ દરજ્જો આપતી બંધારણની ૩૭૦મી કલમ પુનઃ જીવિત કરવાની દરખાસ્ત મૂકી છે.

બાબાસાહેબ આંબેડકર જેવા જાગૃત સાંસદોએ દેશની પહેલી સરકાર સમક્ષ જમ્મુ કશ્મીરને ખાસ દરજ્જો આપતી કલમ વિશે વિરોધ વ્યક્ત કર્યો ત્યારે પંડિત નહેરુએ એવી હૈયાધારણ આપી હતી કે આ કલમ કામચલાઉ છે, કાયમી નથી. તે પછી પણ નહેરુએ એ કલમ રદ કરવાની ઇચ્છા સુદ્ધાં વ્યક્ત કરી નહીં. સરદાર વલ્લભભાઇ પટેલ અને બાબાસાહેબ આંબેડકર જેવા વરિષ્ઠ નેતાઓની ચિરવિદાય પછી આ કલમ પોતાના સ્વાર્થ ખાતર કોંગ્રેસી સરકારોએ ચાલુ રાખી. આમ પહેલેથી એટલે કે ૧૯૪૭થી આ પાપ કોંગ્રેસ કરતી આવી છે.

શા માટે જમ્મુ કશ્મીરને ખાસ દરજ્જો આપવો એ પાયાનો પ્રશ્ન છે. અત્યાર અગાઉ મારા-તમારા જેવા પ્રમાણિક કરદાતાઓના અબજો, ખર્વો-નિખર્વો, શંકુ-નિશંકુ એટલે કે ગણ્યા ગણાય નહીં એટલા નાણાં આ સરહદી રાજ્યના વિકાસ પાછળ ખર્ચાયા. છતાં આ રાજ્યે ક્યારેય પોતે ભારતનો એક અખંડિત હિસ્સો છે એવી ભાવના દેખાડી નથી. વિકાસ માટે અપાયેલાં નાણાં ક્યાં ગયાં એનો હિસાબ સુદ્ધાં મળ્યો નથી. ઊલટું અબ્દુલ્લા પરિવાર અને મુફ્તી પરિવાર જેવા નિતાંત સ્વાર્થી પોલિટિશિયનોએ દેશની તિજોરીમાંથી અપાયેલા રૂપિયાનો દુરુપયોગ કર્યો. આજે ફારુખ અબ્દુલ્લા પાસે પાંચસો કરોડથી વધુની સંપત્તિ છે. ક્યાંથી આવી આ સંપત્તિ? લગભગ એટલી જ સંપત્તિ મહેબૂબા મુફ્તી પાસે છે. ત્યાંથી આવ્યા આ નાણાં? કઇ કમાણી કરતા હતા આ બંને પરિવારો?

ફારુખની નીચતાનો પુરાવો પણ તાજેતરમાં મળી ગયો. જમ્મુ-કશ્મીરમાં શાંતિપૂર્ણ ચૂંટણી થઇ ગઇ તેથી રઘવાયા થયેલા પાકિસ્તાને (સ્થાનિક ગદ્દારોની સહાયથી) નવેસર આતંકવાદી હુમલા શરૂ કર્યા. ભારતીય લશ્કરના જવાનો આતંકવાદનો બહાદૂરીપૂર્વક સામનો કરી રહ્યા છે, શહીદી વહોરી રહ્યા છે ત્યારે ફારુખ બોલ્યા કે જ્યારે ત્યારે પાકિસ્તાન આતંકવાદી હુમલા કરે છે એમ કેમ કહેવાય? એકાદ આતંકવાદીને જીવતો પકડો અને એની ઊલટતપાસ કરો. કેટલીક એજન્સીઓ (ભારતીય લશ્કર એમ વાંચો) મારા દીકરા ઓમર અબ્દુલ્લાની સરકારને અસ્થિર કરવા માટે મેલી રમત રમે છે. લો, કરો વાત. આ માણસ ભારતીય લશ્કર પર શંકા કરે છે. ભારત સરકારે ફારુખને જડબાતોડ જવાબ આપવો જોઇએ. આ અને જમ્મુ-કશ્મીરના બીજા વિભાજનવાદી પક્ષો તથા નેતાઓ દેશ સાથે ગદ્દારી કરી રહ્યા છે.

તમને કદાચ યાદ નહીં. ફારુખનાં નાનીમાની કેટલીક જમીન લાહોરમાં હતી. અત્યારે ત્યાં એક ફાઇવ સ્ટાર હોટલ ઊભી છે. અબ્દુલ્લા પરિવારે આ જમીન પાછી મેળવવા લાહોર હાઇકોર્ટમાં કેસ કરેલો. એ સમયે આ ફારુખે કોર્ટમાં એવી એફિડેવિટ કરેલી કે હું વિવાદગ્રસ્ત કશ્મીર સ્ટેટનો નાગરિક છુ, ભારતનો નાગરિક નથી. મને મારા પૂર્વજોની જમીન પાછી મળે એવી આ નામદાર અદાલતને મારી વિનંતિ છે. હકીકતમાં આ કેસની સુનાવણી થઇ રહી હતી ત્યારે આ ફારુખ અબ્દુલ્લા કેન્દ્ર સરકારના પ્રધાન હતા. હું ભારતનો નાગરિક નથી એવું લાહોર હાઇકોર્ટમાં એમણે કહ્યું છતાં ત્યારની કોંગ્રેસ સરકારે ફારુખને પ્રધાનપદેથી બરતરફ કર્યા નહીં. ફારુખ પાસે એમના આવા બેવડાં વર્તન માટે કોઇ ખુલાસો માગવામાં આવ્યો નહીં. આવા ફારુખ અબ્દુલ્લાને ભારતીય લશ્કર માટે અનાપશનાપ બોલવાનો અધિકાર કોણે આપ્યો? પંડિત નહેરુએ શેખ અબ્દુલ્લાને જેલમાં નાખ્યા હતા એ જ રીતે ભારતીય લશ્કર સામે શંકાની આંગળી ચીંધવા બદલ કેન્દ્ર સરકારે ફારુખને જેલભેગા કરી દેવા જોઇએ એમ નથી લાગતું?


Google NewsGoogle News