For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

એક કરતાં વધુ રાજ્યોમાં શેખ શાહજહાં જેવા ડોનનું રાજ ચાલે છે

Updated: Mar 12th, 2024

એક કરતાં વધુ રાજ્યોમાં શેખ શાહજહાં જેવા ડોનનું રાજ ચાલે છે

- ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ

ટીવી પર ન્યૂઝ જોવાની ટેવ હોય તો તમે આ દ્રશ્ય જરૂર જોયું હશે. કસાયેલો કુસ્તીબાજ પહેલવાન રીંગ તરફ જઇ રહ્યો હોય એમ છાતી કાઢીને તુમાખીથી શેખ શાહજહાં જઇ રહ્યો હતો. પશ્ચિમ બંગાળના સંદેશખાલી વિસ્તારના આ ખૂંખાર દાદાના ચહેરા પર કાયદાનો જરાય ખોફ નહોતો. એના અંગરક્ષક હોય એમ પોલીસ જવાનો એની પાછળ ચાલી રહ્યા હતા. એની બંને બાજુ ઊભેલા પોલીસ જવાનો એને માટે માર્ગ મોકળો કરી રહ્યા હતા.

ભારતીય રાજકારણનું કેટલી હદે પતન થયું છે એનો આ એક દાખલો હતો. સૌથી વધુ આઘાતજનક વાત એ કે પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજી નામનાં મહિલા મુખ્ય પ્રધાન છે. સંખ્યાબંધ બહુમતી મહિલાઓની લાજ લૂંટાઇ છતાં મમતાના પેટનું પાણી હાલ્યું નહોતું. સીબીઆઇ શેખનો કબજો ન લે એ માટે મમતાએ કેટલા બધા ધમપછાડા કર્યાં. ભલું થજો કોર્ટનું કે મમતાનું ધાર્યું થયું નહીં. વિપક્ષી નેતા તો ઠીક, રાષ્ટ્રીય મહિલા પંચના અધ્યક્ષને પણ મમતાની પોલીસે સંદેશખાલી જવા ન દીધાં. તમે કલ્પના કરો કે મમતા શેખ શાહજહાનાં કેટલાં ઓશિયાળાં હશે.

ઔર એક વાત. મોટાભાગના ઇલેક્ટ્રોનિક મીડિયાએ એવા અહેવાલ વહેતા કર્યા કે શેખની ધરપકડ થઇ છે. અપવાદ રૂપે એક વીજાણુ મીડિયા પોતાની વાતને મક્કમપણે વળગી રહ્યું. આ મીડિયાએ પોતાની વાત પકડી રાખી કે શેખની ધરપકડ થઇ નથી. એ પોતાની શરતોએ સરેન્ડર થયો છે. વાત એટલી વધી ગયેલી કે શેખ સરેન્ડર ન થાય તો કદાચ એનું ઠંડે કલેજે એન્કાઉન્ટર થઇ જાય. શિર સલામત તો પઘડિયાં બહુત ન્યાયે શેખે સરન્ડર કરી લીધું. 

આ આખાય નાટક પરથી અગાઉ ભજવાઇ ગયેલી આવી એક સ્ક્રિપ્ટ યાદ આવી ગઇ. ત્રણેક દાયકા અગાઉ દાઉદ ઇબ્રાહિમે કરાચીથી કોંગ્રેસની કેન્દ્ર સરકારના કેટલાક પ્રધાનોને ફોન કરેલા કે મારે સરન્ડર થવું છે. દાઉદની વાત સાંભળીને કેન્દ્રીય પ્રધાનો ચોંકી ઊઠયા હતા, કારણ કે એક યા બીજી રીતે દાઉદનાં પરાક્રમોમાં કોંગ્રેસના સંખ્યાબંધ પોલિટિશિયનો સંડોવાયેલા હતા. સાવ સાદો દાખલો લો. દેશના આર્થિક પાટનગર સમા  મહાનગર મુંબઇમાં એક સાથે બાર-તેર સ્થળે બોંબબ્લાસ્ટ થયા પછી એ કાવતરામાં સંડોવાયેલા માફિયાઓ પોલિટિશિયનો અને સ્થાનિક પોલીસની મદદ વિના દેશની બહાર નાસી જઇ શકે ખરા? એક તો મહારાષ્ટ્રના દિગ્ગજ નેતા ગણાય. પાછળથી આ નેતાએ  કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી સામે બળવો કરીને નવો ચોકો કર્યો હતો. અત્યારે એ ચોકો પણ ખંડિત થઇ ચૂક્યો છે.

દાઉદની વાત પૂરી કરીએ. એક સમયે એના મિત્રો ગણાતા નેતાઓએ એને સાથ આપવાની ના પાડી ત્યારે છેલ્લા પ્રયાસ રૂપે દાઉદે માથાભારે કાયદાવિદ્ રામ જેઠમલાનીને ફોન કર્યો. એની સરન્ડર થવાની એકમાત્ર શરત એ  હતી કે એને મોતની સજા ન થવી જોઇએ. જેઠમલાનીએ ત્યારે ફરી એકવાર કોંગ્રેેસી નેતાઓ જોડે વાટાઘાટો કરી. એમના પ્રયાસો પણ નિષ્ફળ નીવડયા.

 એ સમજી ગયા કે દાઉદ પાછો ન આવે, એવું કોંગ્રેેસના નેતાઓ શા માટે ઇચ્છે છે. ખુદ જેઠમલાનીએ એક ટીવી ઇન્ટરવ્યૂમાં આ વાત કરેલી. કેન્દ્ર સરકાર કે કોંગ્રેસની નેતાગીરીએ જેઠમલાનીના ઇન્ટરવ્યુ વિશે પ્રત્યાઘાત આપવાનો ઇનકાર કર્યો હતો. તેમની પાસે એક જવાબ હતો- નો કોમેન્ટસ.હવે આશા રાખીએ કે સંદેશખાલીની મહિલાઓને ન્યાય મળશે. શેખ શાહજહાંને સખતમાં સખત સજા થશે.

હવે જોકે પરિસ્થિતિ થો..ડી..ક બદલાઇ છે. યોગી આદિત્યનાથે થાય તેવા થઇએ તો ગામ વચ્ચે રહીએ લોકોક્તિ અનુસાર ઉત્તરપ્રદેશના માફિયાઓના એન્કાઉન્ટર કરાવીને કાયદાની ધાક બેસાડી છે. અલબત્ત, આ પગલાને પણ કોર્ટમાં પડકારવામાં આવ્યું છે. કોર્ટ અને કાયદો જે કહે તે, આમ આદમી યોગીના પગલાંથી ખુશ છે. દેશના દરેક રાજ્યમાં એકાદ યોગી હોવો જોઇએ, તો જ શેખ શાહજહાં જેવા લફંગાઓ સીધા ચાલે.

Gujarat