દ્રઢ મનોબળથી તમે સાજાસારા રહી શકો
- ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ
- માનવમનની શક્તિ અગાધ છે. માત્ર એને પિછાણવાની અને એનો લાભ લેવાની તાલીમ જાતને આપવાની જરૂર છે.
લગભગ ૨૦૧૪-૧૫માં બનેલી ઘટના છે. બીબીસીએ એક સ્ટોરી પ્રગટ કરી હતી. એલન ઇરવિન નામની મહિલાને ગંભીર કહેવાય એવું કેન્સર હતું. હોસ્પિટલમાં લાવવામાં આવી ત્યારે ડોક્ટરો મૂંઝાયા કારણ કે મહિલાની ઉંમર સેવન્ટી પ્લસ હતી. એને કીમોથેરપીના હેવી ડોઝ કેવી રીતે આપવા. એના પર સર્જરી પણ કરી શકાય એમ નહોતું. એ દર રવિવારે જ્યાં પ્રાર્થના કરવા જતી એ ચર્ચના એક પાદરી મળવા આવ્યા. એમણે કહ્યું કે મનમાંથી ખોટો ભય કાઢી નાખો. સતત તમારા મનને કહો કે હું સાજી સારી છું. રોજ સવારે તમારી જાતને કહો કે મને કોઇ બીમારી નથી. માત્ર અવસ્થાને કારણે માંદગીનો અહેસાસ થાય છે.
તમે માનશો, કોઇ સારવાર વિના એલન જીવી ગઇ. કેન્સરને હંફાવ્યું. ૨૦૨૦માં કોરોનાના પગલે એનું અવસાન થયું.
સહેલાઇથી માનવામાં ન આવે પરંતુ હવે મેડિકલ સાયન્સ પણ સ્વીકારે છે કે પચાસ ટકાથી વધુ બીમારી માનસિક હોય છે. છેક ૧૯૬૦ના દાયકાથી તબીબી જગતમાં સંશોધન ચાલી રહ્યું હતું. એક રશિયન વૈજ્ઞાાનિક કામેનીએવ અને એના સાથી અમેરિકી વિજ્ઞાાની ડોક્ટર રુડોલ્ફ કીરે એક પ્રયોગ હાથ ધર્યો હતો. મન અને માંદગી, અથવા કહો કે વિચાર અને વ્યાધિ વચ્ચે શો સંબંધ છે એની તપાસ આ બંને વિજ્ઞાાનીઓ કરી રહ્યા હતા.
બે વ્યક્તિને પસંદ કરી. તેમને એક એક મટકી આપવામાં આવી. એ મટકીમાં પાણી ભરેલું હતું. એક વ્યક્તિએ રોજ સવારે પાણી ભરેલી મટકી હાથમાં લઇને પોઝિટિવ વિચાર કરવાના હતા, પછી પ્રાર્થના કરવાની હતી કે સમગ્ર સૃષ્ટિનું કલ્યાણ થાઓ.
બીજી વ્યક્તિએ પોતે જેને નફરત કરતી હોય એને રોજ સવારે ગાળ આપવાની હતી અને પોતાની પ્રગતિના માર્ગમાં આડે આવતી જણાય એવી વ્યક્તિ માટે હિંસક વિચારો કરવાના હતા. આ બંને વ્યક્તિની મટકીનું પાણી પહેલાં વિવિધ છોડ પર પછી દૂધાળા ઢોર પર અને છેલ્લે હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા લોકો પર અજમાવવામાં આવ્યું. પોઝિટિવ વિચારવાળી વ્યક્તિના પાણીથી છોડ સરસ વૃદ્ધિ પામ્યા, એના પર સુંદર ફૂલો આવ્યાં. દૂધાળા ઢોરે સારું દૂધ આપ્યું. દર્દીઓની સ્થિતિમાં સુધારો અનુભવાયો. માત્ર વિચારોથી પાણીના ગુણધર્મ બદલાઇ ગયા હતા, બોલો !
નવાઇ નહીં પામતા. આપણી ભગવદ્ ગીતામાં આ વાત સદીઓ પહેલાં કહેવાઇ છે. 'મનઃ એવમ્ મનુષ્યાણામ્ કારણમ્ બંધમોક્ષયોઃ..' એક શાયરે કહ્યું છે, 'કદમ અસ્થિર હોયે તો કદી મારગ નથી મળતો, અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો...' જો કે એનો વધુ સચોટ શેર આ છે 'તમારા મનને જીતો તો હું માનું કે સિકંદર છો. નહીં તો દિગ્વિજય ઉચ્ચારવામાં શ્રમ નથી પડતો... ' સરળ ભાષામાં કહે છે ડર ગયા વો મર ગયા. બીમારીનું નામ સાંભળીને ઢગલો થઇ જનાર વ્યક્તિનાં મરણની શક્યતા વધી જાય છે.
બ્રહ્માકુમારી શિવાનીજી પણ અવારનવાર કહે છે કે રોજ સવારે ઊઠતાંની સાથે તમારી જાતને કહો કે તમે તંદુરસ્ત છો. તમને કોઇ તકલીફ નથી. તમારો દિવસ આનંદમય વીતવાનો છે.... આટલું કરો તો તમારું ભવિષ્ય તમે જાતે ઘડી રહ્યા છો એની ખાતરી રાખજો. દ્રઢ મનોબળ અને વિધાયક (પોઝિટિવ) વિચારો ક્રાન્તિકારી પરિવર્તન સર્જી શકે છે.
માનવમનની શક્તિ અગાધ છે. માત્ર એને પિછાણવાની અને એનો લાભ લેવાની તાલીમ જાતને આપવાની જરૂર છે. પોઝિટિવ વિચારોથી આપોઆપ એ તાલીમ મળે છે. આ એક અનુભવસિદ્ધ વાત છે. એને કોઇ પુરાવાની જરૂર નથી. ઘણાને રોજ સવારે ઊઠીને છાપામાં આવેલા દૈનિક ભવિષ્ય વાંચવાની ટેવ હોય છે. એમાં જે દિવસે અશુભ થવાની આગાહી હોય તે દિવસે સવારથી આવી વ્યક્તિ સતત ભયભીત રહે છે. પરિણામે કામધંધામાં ન થવી જોઇએ એવી ભૂલો થાય છે અને માણસ હેરાન થાય છે. સારા અને વિધાયક વિચારોથી લાભ થતો હોય તો દૈનિક ભવિષ્યવાણી વાંચવાની છોડીને સવારે પોતાની જાતનો આત્મવિશ્વાસ વધારતા વિચારો કરવા બહેતર છે.