મંગળવારે બેસતો ચૈત્ર માસ અમંગળ સર્જે એવી માન્યતા
- ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ
- આ માસમાં નમક જેટલું ઓછું ખાઓ એટલું સારું. વધુમાં લીમડાની ગળો કે લીમડાના પાનનો ઉકાળો અમૃત સમાન ગણાય
- જાતને સુરક્ષિત રાખવા માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સીંગ અનિવાર્ય છે ઉપચાર કરતાં અગમચેતી સારી
ખરું-ખોટું તો રામ જાણે. મંગળવારે નવો હિન્દુ માસ બેસે એ બહુ ભારે કહેવાય એવી એક માન્યતા સેંકડો વરસોથી લોકમાનસમાં ઘર કરી ગઇ છે. આજે મંગળવાર અને બેસતો મહિનો છે. આમ તો ચૈત્ર માસ એટલે બબ્બે પ્રજાસમૂહના ઉત્સવનો માસ. મરાઠી પ્રજા ગુડી પડવો ઊજવે અને સિઁધી સમાજ ચેટી ચાંદ ઊજવે.
એટલે ચૈત્ર માસનો આરંભ તો બહુ સરસ થઇ રહ્યો છે. પુરાણોની વાત માનીએ તો આ માસ ઓખાહરણ આખ્યાનનો માસ છે. પાર્વતીજી નહાવા બેઠાં હતાં અને ગણેશ ચોકી કરતા હતા ત્યારે શિવજી આવી જતાં પિતા-પુત્ર વચ્ચે સંઘર્ષ થયો ત્યારે ડરની મારી ઉષા નમકની ગુણીમાં સંતાઇ ગઇ હતી.
સદ્યસ્નાતા પાર્વતીજી બહાર આવ્યાં ત્યારે ઉષા પર ગુસ્સે થયા અને એને શાપ આપ્યો એવી પુરાણકથા છે. ઓખાહરણમાં ઉષાનો નવો જન્મ વર્ણવાયો છે. બાણાસુરે પુત્રીને એકદંડિયા મહેલમાં પૂરી દીધી હતી. એની સખી ચિત્રલેખા એને જુદા જુદા દેવપુત્રોની તસવીરો બનાવીને દેખાડે છે.
એમાં યદુવંશના પ્રદ્યુમ્ન પર ઉષા પસંદગી ઢોળે છે. ચિત્રલેખા આકાશ માર્ગે ઉષાના પ્રિયતમને લાવી દે છે એવી આ કથા છે. કોઇ પણ મસાલા ફિલ્મને ટક્કર મારે એવો એનો પ્લોટ છે. અગાઉ ચૈત્ર માસમાં ખાસ કરીને ગ્રામ વિસ્તારમાં મહિલાઓ ગોળાકારે બેસીને ઓખાહરણ વાંચતી.
આજે પણ કેટલાંક ગામડાંમાં ઓખાહરણ વંચાતું હશે. કદાચ કોરોનાના કારણે ઓખાહરણ ન વંચાય એવું બને. શહેરી વિસ્તારોમાં તો કિટ્ટી પાર્ટી કે ટીવી પ્રોગ્રામ્સનો મોટો મહિમા છે. કોરોના કાળમાં સૌથી વધુ મહત્ત્વ આરોગ્ય જાળવવાનું છે. આધુનિક તબીબી વિજ્ઞાાન તો ખાંડ અને નમક બંનેનો ત્યાગ કરવાની સલાહ આપે છે.
આ માસમાં નમક જેટલું ઓછું ખાઓ એટલું સારું. વધુમાં લીમડાની ગળો કે લીમડાના પાનનો ઉકાળો અમૃત સમાન ગણાય. રોજ સવારે નરણા કોઠે અર્ધો કપ લીમડાનો રસ પીઓ તો બારે માસ નરવા રહી શકાય એવું આયુર્વેદના ઉપાસકો કહે છે.
સૌથી મોટી વાત કોરોના સામે હેલ્થ વર્કર્સે આપેલી સલાહનો અમલ કરવાની છે. હવે નેતાજીઓ કે સરકારના ભરોસે બેસી રહેવા જેવું નથી. પહેલું સુખ તે જાતે નર્યા... આપણું ધ્યાન આપણે પોતે રાખવાનું છે. પોલીસના દંડના ડરથી નહીં પણ જાતને સુરક્ષિત રાખવા માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સીંગ અનિવાર્ય છે.
દરેક વ્યક્તિએ પોતાના આરોગ્યનું ધ્યાન પેાતે રાખવું જરૂરી છે. ઉપચાર કરતાં અગમચેતી સારી એવું આપણા વડીલો અમસ્તા નથી કહી ગયા. બીમાર પડીને રીબાઇ રીબાઇને જીવવા કરતાં સાવચેત રહીને સાજાસારા રહેવું વધુ યોગ્ય છે એ ધ્યાનમાં રાખીએ તો કોરોના જખ મારે છે.
બાકી લોકડાઉન કે કર્ફ્યૂ એ તો ઘોડા નાસી ગયા પછી તબેલાને તાળાં મારવા જેવાં સરકારી પગલાં છે. ચૂંટણી પ્રચારમાં હજારો લોકોની ભીડ ભેગી કરતી વખતે નેતાજીઓ પોતાની જવાબદારી ભૂલી જાય છે. પછી અદાલતોએ સરકારનો કાન આમળવો પડે છે.
ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારની અને સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી પરંતુ નેતાઓના પેટનું પાણી હાલતું નથી. કોરોનાથી કોઇ ટોચના નેતા સ્વર્ગવાસી થયા હોય એવા સમાચાર હજુ તો વાંચવા મળ્યા નથી. સાવ નિર્દોષ નાગરિકો જ માર્યા જાય છે. કોરોનાએ અત્યારે આતંકવાદીઓને પણ હંફાવ્યા હોય એવી છાપ પડે છે. સ્મશાનો ઓછાં પડે છે એટલી ઝડપે કોરોના ભોગ લઇ રહ્યો છે ત્યારે સાવચેતીથી ઘરની ચાર દિવાલ વચ્ચે સાજાસારા રહેવામાં જ સાર છે. જીવતો નર ભદ્રા પામે.