ક્લેરવોયન્સ, ઓરા, અંતઃસ્ફૂરણા, સુપરનેચરલ - આ બધાંને ડીએનએ સાથે શો સંબંધ?

Updated: Jun 11th, 2024


Google NewsGoogle News
ક્લેરવોયન્સ, ઓરા, અંતઃસ્ફૂરણા, સુપરનેચરલ - આ બધાંને ડીએનએ સાથે શો સંબંધ? 1 - image


- ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ

દેશની રાજકીય આઝાદી કઇ તારીખે અને કઇ સાલમાં આવશે એ પોંડિચેરીમાં બેઠેલા મહષ અરવિંદે અગાઉથી ભાખ્યું હતું એવું ઇતિહાસમાં નોંધાયું છે. હાલની કેટલીક ઘટનાઓ વિશે ફ્રેન્ચ વિદ્વાન નોસ્ટ્રેડેમસે પાંચસો વર્ષ પહેલાં ભવિષ્યવાણી કરી હતી એમ પણ કહેવાય છે. કેટલાક લોકો બાબા ડેંગા અને અન્ય ભવિષ્યદ્રષ્ટાઓને ટાંકીને અમુક તમુક સમીક્ષા કરે છે. દિવ્યદર્શન (ક્લેરવોયન્સ), વ્યક્તિ ફરતેની આભા (ઓરા), અંતઃસ્ફૂરણા (ઇન્ટયુશન) અને સુપરનેચરલ કે પેરાનોર્મલ તરીકે વર્ણવાતી વાતોને આમ આદમી (લેમેન) સહેલાઇથી સમજી શકતો નથી. ટેરો કાર્ડ દ્વારા ભવિષ્ય ભાખતા વિદ્વાનો કહે છે કે કાર્ડનું અર્થઘટન કરવા માટે તમારામાં કેટલીક અંતઃસ્ફૂરણા અને કેટલેક અંશે દિવ્ય પ્રેરણા હોવી જરૂરી છે. 

આ તમામ બાબતોને ડીએનએ સાથે કશો સંબંધ ખરો? સવાલ ખરેખર રસપ્રદ છે. એનો જવાબ શોધવા માટે વિજ્ઞાનીઓ છેલ્લાં ઘણાં વરસોથી મથી રહ્યા હતા. જોકે હજુ આ સવાલનો સોએ સો ટકા પ્રતીતિજનક જવાબ મળ્યો નથી. પરંતુ ટનલના સામા છેડે પ્રકાશનું એક કિરણ નજરે પડયું હોય એવું જાણવા મળ્યું હતું. ડીએનએ એટલે સાવ સરળ ભાષામાં કહીએ તો દરેક જીવંત વ્યક્તિના શરીરમાં રહેલું એક રસાયણ. એને ડીઓઓક્સિરિબોન્યુક્લીક એસિડ કહે છે. આ રસાયણ શરીરમાં રહેલા દરેક કોષની રચના અને એના હેતુને નિયંત્રિત કરે છે. પ્રજનન દરમિયાન આ રસાયણ આનુવંશિક માહિતીનું વહન કરે છે. આ એસિડ વારસાગત પેઢી દર પેઢી ઊતરે છે.

અત્યાર અગાઉ પુરોપિયન વિજ્ઞાનીઓએ ડીએનએ વિશે કરેલા સંશોધનનો સાર એટલો હતો કે એ શરીરમાં વિવિધ પ્રકારના પ્રોટીન્સ સર્જે છે જે રોજબરોજના જીવનમાં વ્યક્તિ માટે જરૂરી હોય છે. આધુનિક વિજ્ઞાનીઓ એનાથી પણ થોડાક આગળ વધ્યા છે. લેટેસ્ટ સંશોધન મુજબ પ્રોટીન્સ સર્જનની પ્રક્રિયાની વાતો ડીએનએમાં રહેલા રહસ્યનો માત્ર દસ ટકા જેટલો ખુલાસો કરે છે. ૯૦ ટકા જેટલું રહસ્ય હજુ શોધવાનું બાકી છે. 

પીઓત્ર ગેરીયેવ નામના રશિયન બાયોફિઝિસ્ટ અને મોલેક્યુલર બાયોલોજિસ્ટ તથા તેમની ટુકડીએ આ ક્ષેત્રમાં નવું સંશોધન કર્યાનો દાવો કર્યો છે. માનવ ડીએનએ પર શબ્દો અને આંદોલન (વાઇબ્રેશન)ની કેવી અસર થાય છે એ સમજવાનો આ વિજ્ઞાનીઓએ પ્રયાસ કર્યો. આ લોકો કહે છે કે કમ્પ્યુટરની જેમ ડીએનએમાં પણ માહિતી સંગ્રહ કરવાની ક્ષમતા હોય છે. માનવીય ભાષા અને વ્યાકરણના નિયમોની જેમ જેનેટિક કોડ્સ પણ વ્યાકરણના નિયમોનું પાલન કરે છે. બોલાતા શબ્દો અને વાક્યપ્રયોગોને પગલે ડીએનએમાં પણ ફેરફારો થાય છે.

સૌથી મહત્ત્વની વાત એ છે કે બોલાતા શબ્દો અને વાક્યપ્રયોગો દ્વારા ડીએનએની રચનામાં ફેરફાર કરી શકાય છે. જોકે એ માટે નિશ્ચિત ધ્વનિતરંગોનો ઉપયોગ જરૂરી બની રહે છે. મનોરોગીને સાજો કરવા મનોચિકિત્સકો ઘણીવાર હિપ્નોટિઝમનો સહારો લે છે. એ જાણીતી વાત છે. હિપ્નોટિઝમ શી રીતે માણસના મગજમાં રહેલા કોષો પર વિધાયક (પોઝિટિવ) અસર કરે છે એ પણ આ સંશોધન દ્વારા જાણી શકાયું છે એવો દાવો પણ રશિયન સંશોધકો કરે છે. તેઓ કહે છે કે, 'એક ડીએનએમાં રહેલી માહિતી બીજા ડીએનએમાં મોકલી શકાય છે એવું પણ અમે અમારા સંશોધન દ્વારા સમજી શક્યા છીએ. આ સંશોધનના પગલે ક્લેરવોયન્સ, ઓરા, ઇન્ટયુશન, સુપરનેચરલ એલિમેન્ટ વગેરે બાબતોને ડીએનએની મદદથી સમજવાનો અમે હાલ પ્રયાસ કરી રહ્યા છીએ. નજીકના ભવિષ્યમાં માનવજાતને ઉપયોગી એવાં કેટલાક રહસ્યો અમે જગત સમક્ષ મૂકીશું. 

અધ્યાત્મના સાધકો કઇ રીતે પોતાનામાં રહેલી ઊર્જાનો સકારાત્મક ઉપયોગ કરે છે એ પણ હવે સમજી શકાશે. અત્યારે અધ્યાત્મ સાધના આમ આદમી માટે ખૂબજ દુષ્કર અને દુર્ગમ પથ ગણાય છે. ડીએનએમાં રહેલું રહસ્ય અમે પામી લઇએ ત્યારબાદ આમ આદમી જેને ચમત્કાર ગણે છે એ શું છે તે સમજાવી શકાશે. ડીએનએ દરેક વ્યક્તિમાં હોય છે. એ કઇ રીતે વ્યક્તિને સુપરનેચરલ શક્તિ બક્ષી શકે એ પણ સમજી શકાશે.' 

ટૂંકમાં, થોભો અને પ્રતીક્ષા કરો એમ આ વિજ્ઞાનીઓ કહે છે.


Google NewsGoogle News