માત્ર દસ દિવસના મોંઘેરા મહેમાન પણ માણસની શ્રદ્ધાને અખંડ રાખે છે
- ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ
'વમળોની વચ્ચે નૈયા મુજ હાલકડોલક થાજો, શ્રદ્ધા કેરો દીપક મારો ના કદી યે ઓલવાજો.....' પ્રખર ગાંધીવાદી કવિ કરસનદાસ માણેકના એક કાવ્યની આ પંક્તિ છે. ભારતનો નાગરિક અત્યારે કેટલાં બધાં વમળોની વચ્ચે જીવી રહ્યો છે એ વિચારી જુઓ. રાજકીય, સામાજિક, આપરાધિક, સાંસ્કૃતિક, ધાર્મિક, શૈક્ષણિક... આ બધાં ઉપરાંત વિદેશી પરિબળો દ્વારા દેશને અસ્થિર કરવાના થઇ રહેલા પ્રયાસો. આ બધાંની વચ્ચે પણ આપણી શ્રદ્ધા અખંડ રહી છે એ એક ચમત્કારથી જરાય ઓછું ન ગણી શકીએ. આજના વિજ્ઞાાન યુગમાં પણ ચમત્કારો બને છે ખરા.
ઔર એક વાતનું પણ આ લખનારને વિસ્મય છે. આમ તો દેશમાં સાધકો અને સિદ્ધ પુરુષો દ્વારા પ્રાણ પ્રતિા થઇ હોય એવાં અસંખ્ય મંદિરો, દહેરાંસરો અને ગુરુદ્વારો છે. એ દરેક સ્થળનું આગવું સત્ છે. આગવો મહિમા છે. એના આગવા અનુયાયીઓ છે. એકાદ દાખલો લઇએ તો બોટાદ નજીક સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજી. કહે છે કે સ્વામીનારાયણ સંત ગોપાલાનંદજીએ પ્રભુની આજ્ઞાા સ્વીકારીને આ કષ્ટભંજન હનુમાનજીની પ્રાણ પ્રતિા કરી ત્યારે મૂર્તિ સ્વરૂપે બિરાજતા હનુમાનજી ખડખડાટ હસ્યા. મૂર્તિ કહો કે પ્રતિમા કહો, એમાં પ્રાણ પ્રગટયા એેનો આ જીવંત પુરાવો હતો. ભગવાને ગોપાલાનંદજીને ત્યાં જ અટકી જવા કહ્યું.
આ હનુમાનજી ખડખડ હસ્યા એ એમના પ્રતીક સમી પ્રતિમામાં જોઇ શકાય છે. મૂર્તિના મોં પર હાસ્યના પુરાવા સમી બત્રીસી દેખાય છે. ત્યાર બાદ જ્યાં જ્યાં કષ્ટભંજન હનુમાનની પ્રતિમા સ્થાપિત થઇ ત્યાં દરેક પ્રતિમાને આ રીતે ખડખડાટ હસતી દેખાડાય છે.
આ તો જાણે ઐતિહાસિક-પૌરાણિક સ્થળોની વાત થઇ. અત્યારે ગણેશોત્સવ ચાલી રહ્યો છે. ભાદરવા સુદ ચતુર્થીએ પધારતા વિઘ્નહર્તા ભાદરવા સુદ ચૌદસે અર્થાત્ અનંત ચતુર્દશીએ વિદાય લેશે. માત્ર દસ દિવસના આ મોંઘેરા મહેમાન છે. છતાં આ અતિથિ માણસની શ્રદ્ધાને કેવી અખંડ રાખે છે એની નોંધ લેવા જેવી છે. મુંબઇના મજૂર વિસ્તાર લાલબાગના, પૂણેના દગડુ હલવાઇના, નાગપુરના મોટા માર્કેટના - આમ કેટલાક સ્થળે બિરાજતા ગણપતિ બાપાની આખડી-બાધા-માનતા રાખનારો એક બહુ મોટો વર્ગ છે. દસ દિવસ માટે આવેલા ગણપતિ બાપાની બાધા માનતા?
હા, દસ દિવસ માટે પધારેલા ગણેશજીની પ્રતિમાની બાધા-માનતા. આ બાધા-માનતા સો ટકા ફળી હોવાના અનુભવો ભક્તોના મોઢે અખબારોમાં ઇન્ટરવ્યુ રૂપે પ્રગટ થતા રહ્યા છે. આ, અલબત્ત, વ્યક્તિગત શ્રદ્ધાની વાત છે.
ક્યાંથી આવી આ શ્રદ્ધા? આ શ્રદ્ધા સેંકડો વરસોના અનુભવ પરથી પ્રગટી છે. લગભગ દર વરસે આ રીતે ગણોશોત્સવ દરમિયાન લોકો પોતાના અટકેલાં અધૂરાં રહેલાં કાર્યો પોતાની જ સુષુપ્ત શ્રદ્ધા જાગૃત કરીને પૂરાં કરે છે. આજના ઇન્ટરનેટના જમાનામાં ઘણાને આ વાતની નવાઇ પણ લાગતી હશે. દસ દિવસ માટે આવેલી મૂત સમક્ષ બાધા લેવાની? એ તો કેવું વાહિયાત, એમ બોલનારો વર્ગ પણ છે. બાધા રાખનાર અને એની ટીકા કરનાર બંને એક સમાજમાં જીવે છે. બંને લાલબાગ કે દગડુ હલવાઇના ગણપતિનાં દર્શન કરવા આવે છે. બંનેની શ્રદ્ધાની વ્યાખ્યા જુદી છે.
પ્રખર ભાગવતકાર પૂજ્ય ડોંગરેજી મહારાજ એક સરસ દ્રષ્ટાંત આપતા. એ કહેતા, બગીચામાં પ્રવેશતાંની સાથે અઢી-ત્રણ વર્ષનું બાળક એની માતાની આંગળી છોડાવીને આગળ દોડવા માંડે છે, પણ દોડતાં દોડતાં થોડી થોડી વારે પાછળ જોઇ લે છે, મારી મા આવે છે તો ખરી ને પાછળ! જો માતા રમૂજ ખાતર કોઇ ઝાડની પાછળ સંતાઇ જાય તો આખો બગીચો ગાજે એટલા મોટા સાદે બાળક રુદન કરે છે. બાળક માટે એની માતા વિશ્વની સૌથી શક્તિવાન રક્ષણદાતા છે.
બાળક જેવી આ શ્રદ્ધા માણસને ગમે તેવા વિકટ સંજોગોમાં પણ જીવવાની શક્તિ આપે છે. અત્યારે વિવિધ વમળો વચ્ચે જીવી રહેલો ભારતીય નાગરિક એવી જ કોઇ શ્રદ્ધાથી ટકી રહ્યો છે એમ કહીએ તો ચાલે.