Get The App

સ્થૂળતા, ડાયાબિટિસ અને હાર્ટ પ્રોબ્લેમ વચ્ચે કોઇ સમાનતા ખરી કે?

Updated: Dec 10th, 2024


Google NewsGoogle News
સ્થૂળતા, ડાયાબિટિસ અને હાર્ટ પ્રોબ્લેમ વચ્ચે કોઇ સમાનતા ખરી કે? 1 - image


- ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ

મથાળામાં પૂછેલા સવાલનો જવાબ વિચારવાની આજે તાતી જરૂર છે. ડાયાબિટિસ, હાર્ટ પ્રોબ્લેમ અને સ્થૂળતાના કેસ વધતા જાય છે. અકાળે હાર્ટ અટેકથી થતાં મૃત્યુ લગભગ રોજના થયાં છે. આવા સમયે આ સવાલનો જવાબ જરૂરી છે. કોઇ કહેશે કે સ્થૂળતા વારસાગત છે તો કોઇ ડાયાબિટિસને વારસાગત જણાવશે. કોઇ ફાસ્ટ ફૂડને દોષ દેશે તો કોઇ અનિયમિત રહેણીકરણીને જવાબદાર ઠરાવશે. તુંડે તુંડે મતિભન્નઃ (કપાળે કપાળે જુદી જુદી મતિ), પરંતુ આપણને કોઇ એમ કહે કે આ અને આવી બીજી કેટલીક તકલીફો માટે ઘઉં જવાબદાર છે તો ચોંકી જવાય ને? ઘઉં તો આપણા રોજિંદા આહારનો એક જરૂરી હિસ્સો છે. ઘઉંની રોટલી, મેંદાની બિસ્કીટ, રવાનો શીરો, બ્રેડ-ટોસ્ટ. ઘઉંના લોટ વિના કામ શી રીતે ચાલે, ભૈ?

પણ આ લેખ વાંચ્યા પછી કદાચ તમારો વિચાર બદલાઇ જાય તો નવાઇ નહીં. એક વિખ્યાત અમેરિકી કાર્ડિયોલોજિસ્ટ (હૃદયરોગ નિષ્ણાત) ડોક્ટર વિલિયમ ડેવિસ પોતાના જાતઅનુભવ પછી આ તારણ પર આવ્યા છે. તેમણે સ્વાનુભવ પછી લખેલું પુસ્તક 'વ્હીટ બેલી' (સરળ શબ્દોમાં કહીએ તો ઘઉં અને ફાંદ) બેસ્ટસેલર નીવડયું છે. 'ધ ન્યૂયોર્ક ટાઇમ્સ' સહિતનાં અખબારોએ એના છૂટ્ટા મોઢે વખાણ કર્યા છે. ડોક્ટર ડેવિસે એક પર્યટનમાં ગયા પછી થોડા સમય બાદ પોતાના એ પ્રવાસના ફોટોગ્રાફ જોયા ત્યારે એમને લાગ્યું કે હું આટલો બધો જાડિયો ક્યારે થઇ ગયો?

આ પહેલો કિસ્સો. બીજા કિસ્સામાં ડોક્ટર ડેવિસની માતાને હાર્ટ અટેક આવ્યો ત્યારે એમની સારવારમાં પુત્રે કોઇ કચાશ રાખી નહોતી. માતાને શ્રેષ્ઠ સારવાર આપવા છતાં માતાને બચાવી શક્યા નહીં ત્યારે ડોક્ટર ડેવિસે પોતાની જાતને સવાલ પૂછયો કે હું જે દાક્તરી વિદ્યા ભણ્યો એ યોગ્ય છે ખરી?

આ ડોક્ટરે પોતાના દર્દીઓની રહેણીકરણીનો અભ્યાસ આદર્યો. સાથોસાથ એક પ્રતિષ્ઠિત સંસ્થા દ્વારા સર્વે કરાવ્યો. તેમણે જોયું કે વીસ કરોડ અમેરિકી લોકો ઘઉંનો બહોળો ઉપયોગ કરે છે એમાંના દસ કરોડ કાં તો મેદસ્વી છે અથવા ફાંદાળા છે કે પછી તેમને એક યા બીજા પ્રકારની અન્ય બીમારી છે. તેમણે પોતાના કેટલાક દર્દીઓને સૂચન કર્યું કે તમે એકાદ-બે મહિના માટે ઘઉંની વાનગી લેવાનું બંધ કરી દો. તેમના આ પ્રયોગનું ચમત્કારી પરિણામ આવ્યું. કેટલાક મેદસ્વી દર્દીઓનું વજન આપોઆપ ઘટી ગયું તો કેટલાકનું ડાયાબિટિસ કાબુમાં આવી ગયું. થોડાકની અનિદ્રાની તકલીફ દૂર થઇ ગઇ તો કોઇને અલ્સરની સમસ્યા હતી એ અલોપ થઇ ગઇ. કેટલાકનો અસ્થમા કાબુમાં આવ્યો અને ઇન્હેલર વાપરવાની જરૂર ઘટી ગઇ તો કોઇની આધાશીશી (માઇગ્રેન) મટી ગયું. બીજા કેટલાકને પગના સાંધાના દુઃખાવામાં રાહત થઇ.

આવું શી રીતે બન્યું એની તપાસ કરતાં ડોક્ટર ડેવિસે કેટલાક એક્સપર્ટ ન્યુટ્રીશિયન્સ પાસે ઘઉંના લોટનું પૃથક્કરણ કરાવ્યું. એમને જાણવા મળ્યું કે ઘઉંના લોટમાં આપણે જેને સ્ટાર્ચ તરીકે ઓળખીએ છીએ એ રસાયણ છે એ જોખમી છે રાસાયણિક પરિભાષામાં એને એમિલોકેપ્ટીન કહે છે. એ એક પ્રકારનું ગ્લુકોઝ છે. માવાની મીઠાઇનો એક ટુકડો  ખાનારના શરીરમાં વધારે એટલી સાકર ફક્ત બે ફૂલકાં કે બે રોટલી આપણા શરીરમાં વધારે છે. પરિણામે આપણી જાણ બહાર શરીરમાં શર્કરાની વધઘટ થયા કરે છે. સાથોસાથ વજન વધે છે. કોલેસ્ટોરેલ વધે છે, સુસ્તી ચડે છે. સૌથી વધુ મહત્ત્વની વાત તો એ કે જો તમે નિયમિત શારીરિક શ્રમ ન કરતા હો તો ફાંદ પણ વધે છે.

ભારત એક ગરમ પ્રદેશ છે. ડોક્ટર ડેવિસની વાત સાથે સંમત થવું કે ન થવું એ જુદી વાત છે. આમ છતાં આપણે જોઇએ તો મહારાષ્ટ્રમાં પરિશ્રમી પ્રજા રાગી, નાચણી, જુવાર કે જવની રોટલી ખાય છે. દક્ષિણ ભારતીયો અને બંગાળી લોકો ભાત વધુ ખાય છે. પંજાબીઓ મકાઇની રોટલી ખાય છે. કેટલાક અનુભવી વૈદ્યો પોતાના દર્દીઓને કાયમ કહે છે કે ઘઉંની રોટલી ઓછી ખાઓ. એમાંય જો ડાયાબિટિસની શરૂઆત હોય તો ઘઉં બંધ કરાવીને જુવાર કે જવની રોટલી ખાવાની સલાહ આપે છે. 'વ્હીટ બેલી' પુસ્તકમાં આ જ વાત ડોક્ટરે પંદર વર્ષના સંશોધન પછી કરી છે. નક્કી તો આપણે જાતે કરવાનું છે કે એકાદ બે મહિના ઘઉંની રોટલી જતી કરીએ. પછી આપણા આરોગ્યમાં કેટલા અને કેવા પોઝિટિવ ફેરફાર થયા છે એ તપાસીએ. હાલ ડોક્ટરના જેટલાં બિલ ભરો છો એ કદાચ ઘટી જશે. 


Google NewsGoogle News