સંગીત, વિજ્ઞાન અને અધ્યાત્મનો ત્રિવેણી સંગમ માણવા જેવો ખરો

Updated: Jul 9th, 2024


Google NewsGoogle News
સંગીત, વિજ્ઞાન અને અધ્યાત્મનો ત્રિવેણી સંગમ માણવા જેવો ખરો 1 - image


- ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ

સંગીત, અધ્યાત્મ અને વિજ્ઞાન વચ્ચે કોઇ સંબંધ હશે ખરો? જરૂર હશે. આપણા અવકાશવિજ્ઞાની રાષ્ટ્રપતિ ડોક્ટર અબ્દુલ કલામે એક મુલાકાતમાં કહેલું કે તમારા બાળકને ગણિત અને વિજ્ઞાન જેવા વિષયોમાં હોંશિયાર કરવું હોય તો એને સંગીત શીખવો. ડોક્ટર કલામ પોતે અચ્છા વીણાવાદક હતા. અંગત જીવનમાં અધ્યાત્મના ઊંડા ઉપાસક હતા. આપણા અણુશક્તિ પંચના વડા સદ્ગત ડોક્ટર રાજા રામન્ના પાશ્ચાત્ય શાસ્ત્રીય સંગીતના ઊંડા અભ્યાસી અને નિપુણ પિયાનોવાદક હતા. મુંબઇના નરીમાન પોઇન્ટ પર આવેલા એનસીપીએ હોલમાં અવારનવાર એમના પિયાનોવાદનના કાર્યક્રમ થતા. એ ભારે શ્રદ્ધાપૂર્વક ભગવદ્ ગીતાનો અભ્યાસ કરતા.

ઔર એક ગરવા ગુજરાતીની વાત છે. અમદાવાદની ભવન્સ કોલેજમાં ભૌતિકવિજ્ઞાન જેવા ગંભીર વિષયના વિદ્યાર્થીપ્રિય અધ્યાપક અને પ્રખર સંગીતજ્ઞાની વાત છે. સંગીતજ્ઞા એટલે કેવા? અષાઢી મેહુલા જેવો ઘનગંભીર કંઠ અને સંનિષ્ઠ સ્વરસાધક. સતત પ્રયોગશીલ સ્વરસાધક. એ કહેતા, શાસ્ત્રીય સંગીતમાં રાગરાગિણીનું ચોક્કસ બંધારણ હોય એટલે એની મર્યાદામાં રહીને ગાઇ શકાય. એ રીતે વિચારતાં સુગમ સંગીત ખરેખર અઘરું-દુર્ગમ છે. સુગમ સંગીતનો વ્યાપ આકાશ જેટલો સર્વવ્યાપી છે. યસ, આ વાત ગાયક-સંગીતકાર રાસબિહારી દેસાઇ ઉર્ફે પ્રોફેસર આર. આર. દેસાઇની છે. ભીતરના ઝળહળાટને પામી ગયેલો કંઠ, સાંભળનારના હૈયા સોંસરવું ઊતરી જાય એવું સ્વરાંકન અને ગાનાર પોતે સ્વરસમાધિમાં ગરક થઇ જાય એવું ગાયન. 

ડોક્ટર માર્ગી હાથી અને વિભા દેસાઇ લિખિત એક દળદાર ગ્રંથ 'સૂરીલો કંઠ, સૂરીલું જીવન - રાસબિહારી દેસાઇ' અનાયાસે હાથમાં આવ્યો. સંગીતમાં રસ ન હોય એમણે પણ અચૂક વાંચવા જેવો છે.  અધ્યાત્મના સાધકો આકરી તપશ્ચર્યા પછી જે ભાવસમાધિને વરે છે એ ભીતરનો ઉજાસ આ કલાકારે ભૌતિકવિજ્ઞાનના એક પ્રયોગ દરમિયાન આત્મસાત કર્યો. એ પ્રકાશે એમના અહંને વિલીન કરી નાખ્યો. આ એમની વાતોમાં ક્યારેય હું-મેં-મારું એવા શબ્દપ્રયોગો આવતા નહોતા. કેટલીકવાર સામેની વ્યક્તિના મનની વાત કળી જતા, જાણે અંતર્યામી ન હોય!

રાસભાઇએ જે પ્રયોગો કર્યા એની વિગતો લેખકોએ કોઇ અતિશયોક્તિ વિના તટસ્થભાવે અહીં રજૂ કરી છે. અભિનેત્રી-ક્લાસિકલ ડાન્સર વૈજયંતીમાલા, બાંસુરી સમ્રાટ પંડિત હરિપ્રસાદ ચૌરસિયા, ભજનસમ્રાટ પંડિત હરિ ઓમ શરણ કે સંગીતકાર સલિલ ચૌધરી એમના સ્વરાંકનોથી પ્રભાવિત હતા.

 કબીરકથાથી જાણીતા થયેલા શેખર સેન એમના ચાહક હતા. સુગમ સંગીતના અસંખ્ય કાર્યક્રમો દેશવિદેશમાં કર્યા, પણ પોતે પ્રશંસા કે ટીકાથી કાયમ પર. ઊગતી પેઢીનાં પ્રતિભાવંત બાળકોને તૈયાર કરવા માટે સંગીતના શિબિરો યોજ્યા. ગાયક બનવા ઉત્સુક હોય વિદ્યાર્થીએ રિયાઝ શી રીતે કરવો એ સમજાવવા એક વિશિષ્ટ કાર્ય કર્યું. પ્રતિષ્ઠિત મરાઠી ગાયક-સંગીતકાર યશવંત દેવની એક પુસ્તિકા 'રિયાઝા ચા કાનમંત્ર'નો ગુજરાતી ભાવાનુવાદ તૈયાર કરાવીને ગુજરાતને ભેટ આપ્યો. ટોચના સંગીતકાર હોવા ઉપરાંત સ્વયંપાકી (ભાખરી) તો અદ્ભુત બનાવે અને ચા? ભલભલા રસોઇયાને શરમાવે એવી ચા બનાવે, પ્રેમથી પીવડાવે અને ખુશ થાય.

મુંબઇમાં ભારતીય વિદ્યા ભવનમાં 'આ માસનાં ગીતો' નામે જે કાર્યક્રમો સુગમ સંગીતના થયા એવા કાર્યક્રમો અમદાવાદના ભારતીય વિદ્યા ભવનમાં યોજ્યા. શ્રુતિ નામે એક સરસ ગાયકવૃન્દ તૈયાર કર્યું. એકલગાન (સોલો), યુગલગાન (ડયુએટ) અને સમૂહગાન (કોરસ)ના ઉત્તમોત્તમ અને સફળ પ્રયોગો કર્યા. પોતે સદા પરદા પાછળ રહે. અન્યને આગળ કરે અને યશ અપાવીને રાજીપો અનુભવે. વાંચનના જબરા રસિયા, પત્રલેખનમાં પાવરધા, સ્વભાવે અત્યંત મૃદુ-સંવેદનશીલ. માનવતાવાદી, અનોખા ગુરુ અને અનોખા માનવી એવા રાસભાઇને આ દળદાર પુસ્તકમાં મળીએ ત્યારે એમના વ્યક્તિત્વના વિવિધ પાસાં જે રીતે ઊઘડયા છે એ રાસભાઇને નિકટથી ઓળખનારા લોકો માટે પણ વિસ્મયજનક નીવડે એવાં છે. 


Google NewsGoogle News