વિદેશમાં ગેરકાયદે ઘુસણખોરી, અપેક્ષિત કામ ન મળતાં અપરાધખોરી
- ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ
અખબારો વાંચવાની ટેવ હોય તો છેલ્લા એકાદ મહિનાના અખબારોમાં તમે જરૂર વાંચ્યું હશે. લગભગ દર સપ્તાહે એકાદ ગુજરાતી અમેરિકા કે ઇંગ્લેંડમાં અપરાધ કરતાં ઝડપાઇ ગયાના સમાચાર પ્રગટ થયા હતા. એ વાંચીને આશ્ચર્ય નહીં થવું જોઇએ. કારણ, તાજેતરમાં ફ્રાન્સના વેટ્રી એરપોર્ટ પર એક વિમાનને અટકાવવામાં આવેલું. એમાં તમામ પ્રવાસીઓ અમેરિકામાં ગેરકાયદે ઘુસવા ઇચ્છતા ગુજરાતીઓ હતા. બધા વીલા મોઢે ઘેર પાછા ફર્યા. એવા હજારો લોકો દર વરસે અમેરિકામાં ઘુસી જાનનું જોખમ ખેડે છે. જેમને ઘુસવા મળે એ બધા શરૂમાં પોતાને દુનિયાના સૌથી વધુ નસીબદાર સમજે છે, પરંતુ થોડા સમયમાં વાસ્તવિકતા સમજાઇ જાય છે.
આવા ગેરકાયદે વસાહતીઓને બે બાજુથી સહેવાનું આવે છે. એક તરફ સિક્યોરિટી દળો પકડી ન પાડે તે અને બીજી બાજુ, એ ગેરકાયદે આવ્યા છે એ જાણીને આપણા જ ભારતીયો એમને સાવ પાણીના ભાવે કામ પર રાખે છે. આ રીતે કામ પર રાખનાર પોતે પણ ડરતો હોય છે, કારણ કે કદાચ ગેરકાયદે વસાહતી પકડાઇ જાય ત્યારે એને કામ પર રાખનાર વ્યક્તિ કે સંસ્થા સામે પણ કાયદેસર કામ ચાલે છે. અમેરિકાના કાયદા આપણા જેવા ઢીલાપોચા નથી. ગેરકાયદે ઘુસણખોરની જે વલે ત્યાં થાય છે એ તો જેણે અનુભવી હોય તેને જ સમજાય. એકલા ૨૦૨૩માં ૯૬ હજારથી વધુ ભારતીયો અમેરિકામાં ગેરકાયદે ઘુસતા પકડાયા હોવાના અહેવાલ કેટલાક અમેરિકી અખબારોએ પ્રગટ કર્યા હતા.
યુવાનો તો સંઘર્ષેય કરે અને નસીબનો સાથ મળે તો સ્થાયી થઇ જાય, પરંતુ બાળકો અને પ્રૌઢો શું કરે એ સમજાય એવું નથી. વસાહતીઓ અંગેના નિષ્ણાતો કહે છે કે ગેરકાયદે ઘુસણખોરી કર્યા પછી ધાયાંર્ પાર ન ઊતરે ત્યારે માણસ કાં તો ડ્રગના રવાડે ચડી જાય, ડિપ્રેશનમાં સરકી જાય અથવા અપરાધખોરી તરફ વળી જાય. એનું કારણ પણ સમજી શકાય એવું છે. ઘર ગીરવે મૂકીને કે ખેતર વેચીને કે મા-બહેનના દાગીના વેચીને લોકો ગેરકાયદે અમેરિકામાં ઘુસાડતા એજન્ટને પંચોતેરથી એંસી લાખ રૂપિયા ચૂકવ્યા હોય. એકવાર અમેરિકા પહોંચી જઇએ એટલે સ્વર્ગનું સુખ મળી જશે એવાં સપનાં સેવતા લોકોને ત્યાં પહોંચ્યા પછી વાસ્તવિકતાથી ડઘાઇ જાય છે. તાજેતરમાં રિલીઝ થયેલી શાહરૂખ ખાનની 'ડંકી' ફિલ્મનો આ જ વિષય છે.
જે હોય તે, પણ છેલ્લાં થોડાં વરસથી વિદેશોમાં વસતા ગુજરાતીઓ પણ અપરાધખોરીમાં સંડોવાયા હોય એવી ઘટનાઓ
છાશવારે વાંચવા મળે છે. અપેક્ષા મુજબનું કામ ન મળે કે આવકનાં બીજાં સાધન હાથવગાં ન હોય ત્યારે માણસ એક નબળી પળે ખોટું કામ કરવા કે ખોટી રીતે પૈસા કમાવવા લલચાઇ જાય. એકાદ વાર ફાવી જાય એટલે એનો ડર નીકળી જાય. એ ખોટાં કામ અર્થાત્ અપરાધખોરી તરફ વળી જાય. એક ગુજરાતી ડોક્ટર પેશન્ટની છેડછાડ માટે પકડાયા તો અન્ય એક યુવાન છેતરપીંડી માટે ઝડપાયો. ૨૩ વર્ષના એક યુવાને સગ્ગાં દાદા દાદીની હત્યા કરી નાખી તો એક કોલેજના બે-ત્રણ દોસ્તોએ પોતાના સહાધ્યાયી પતાવી દીધો. ગુનાખોરીના અભ્યાસીઓ ભલે એમ કહેતા હોય કે ક્ષણિક આવેશમાં આવું બની જતું હોય છે, પરંતુ દરેક કિસ્સામાં આવું હોતું નથી. ક્યારેક યોગ્ય આયોજન કર્યા બાદ અપરાધ આચરવામાં આવતો હોય છે.
આવું વાંચીએ ત્યારે એવો વિચાર આવી જાય કે આ રીતે લાખો રૂપિયા એજન્ટને આપીને જાનના જોખમે ગેરકાયદે ઘુસણખોરી કરવા કરતાં ઘરઆંગણે થોડી વધુ મહેનત કરીને દાળ-રોટલી ખાવા સારા કે નહીં? એક પરિવારનો કોઇ સભ્ય ગેરકાયદે ઘુસવા જતો હોય ત્યારે પાછળ રહેલા કુટુંબીજનોનું ટેન્શન કેટલું બધું વધી જતું હશે. મેક્સિકોની સરહદે કે અન્ય સ્થળે જે તે દેશનાં સિક્યોરિટી દળો દ્વારા કરાતા ગોળીબારમાં માર્યા જતા લોકો તો મોટે ભાગે લાવારિસ લાશ તરીકે રઝળતાં રહે છે. પાછળ રહેલા પરિવારને એની ક્યારેક જાણ પણ ન થાય.
ઔર એક વાત. યોગાનુયોગે હાલ દેશના વડા પ્રધાન અને ગૃહ પ્રધાન બંને ગુજરાતી છે. અમેરિકા કે યુરોપના કોઇ દેશમાં ગુનો કરતાં કોઇ ગુજરાતી પકડાઇ જાય ત્યારે માત્ર ગુજરાત રાજ્ય નહીં, સમગ્ર દેશ બદનામ થાય છે. એ દિશામાં ક્યારેય કોઇ ઘુસણખોર વિચારે છે ખરો? કોણ જાણે.