અંતિમ વિજય કોનો થાય છે એ મહત્ત્વનું નથી, જાનહાનિ અને અબજોના નુકસાનનું શું?
- ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ
પેલેસ્ટાઇન અને ઇઝરાયેલના યુદ્ધને બરાબર એક વર્ષ પૂરું થયું. ૨૦૨૩ના ઓક્ટોબરની સાતમીએ હમાસ (આખું નામ હરકત અલ-મુકાવામા અલ-ઇસ્લામિયા)ના આતંકવાદીઓએ કોઇ પૂર્વ ઉશ્કેરણી વિના ઇઝરાયેલ પર હુમલો કરીને સંખ્યાબંધ ઇઝરાયેલીઓની ઠંડે કલેજે હત્યા કરી નાખી હતી. એ વખતે દુનિયામાં કોઇનેય કલ્પના નહોતી કે પારાવાર આર્થિક નુકસાની સહન કરીનેય ઇઝરાયેલ પેલેસ્ટાઇન પર પ્રચંડ હુમલો કરશે. આતંકવાદીઓએ તો સ્કૂલો, હોસ્પિટલો અને ધર્મસ્થાનોના પેટમાં કેટલાય ફૂટ ઊંડે બંકર્સ બનાવીને એમાં હથિયારોનો ભંડાર ભરી રાખ્યો હતો. બીજા શબ્દોમાં એમ કહીએ કે ઇઝરાયેલ સાથે લાંબો સમય ચાલી શકે એવા યુદ્ધની હમાસે આગોતરી તૈયારી કરી રાખી હતી. ઇઝરાયેલને ખુવાર કરવા પદ્ધતિસરનું આયોજન કરાયું હતું.
પરંતુ થોડીક અતિશયોક્તિ સાથે પણ એમ કહી શકાય કે ઇઝરાયેલને પિછાણવામાં હમાસ માર ખાઇ ગયું. ઇઝરાયેલે ઇંટનો જવાબ પથ્થરથી આપ્યો. જબરદસ્ત વળતો હુમલો કર્યો. હમાસના મોટાભાગના બંકર્સનો ભુક્કો બોલાવી દીધો. અસંખ્ય આતંકવાદીઓને ઠાર કરી નાખ્યા. એટલું જ નહીં, છેલ્લાં બત્રીસ- બત્રીસ વર્ષથી આતંકવાદી સંસ્થા હિઝબુલ્લાહનું સફળ સંચાલન કરી રહેલા નસરુલ્લાહને પણ ઇઝરાયેલે હણી નાખ્યો. ગયા શુક્રવારે ઇરાનના ખામૈનીએ દુનિયાભરના મુસ્લિમોને એક થઇને ઇઝરાયેલને નષ્ટ કરવાની હાકલ કરી. એ પહેલાં ખામૈની પોતે સુરક્ષિત સ્થળે સંતાઇ ગયેલા. પછી વિશાળ જનમેદનીને સંબોધતાં સમગ્ર વિશ્વના મુસ્લિમોને સંગઠિત થવાની હાકલ કરી. એક કવિએ સાચું જ કહ્યું છે - હિંસા પ્રબળ હિંસાની આગળ થાય કેવી દયામણી, એક યુદ્ધ બીજા યુદ્ધના બીજની કરે છે વાવણી...
પેલેસ્ટાઇન અને ઇઝરાયેલના આ યુદ્ધમાં અંતિમ વિજય કોનો થાય છે એ મહત્ત્વનું નથી. બંને પક્ષે હજારો સામાન્ય માનવીઓ, સ્ત્રી-બાળકો-પુરુષોની જાનહાનિ થઇ ચૂકી છે. અબજો-ખર્વો-શંકુ કરતાં વધુ ડોલર્સનું નુકસાન થઇ ચૂક્યું છે, આખાનાં આખાં નગરો ટીંબો થઇ ચૂક્યાં છે... બંનેમાંથી કોઇ નમતું આપવા તૈયાર નથી. ઘરઆંગણે પ્રચંડ વિરોધ વચ્ચે ઇઝરાયેલી નેતા નેતન્યાહુ છાતી ફુલાવીને કહેતા રહ્યા છે, હું પેલસ્ટાઇનનું નામોનિશાન મીટાવી દીધા વિના આ યુદ્ધનો અંત નહીં આવવા દઉં.
બીજી બાજુ પેલેસ્ટાઇનના હજારો નિરાશ્રિત પરિવારોને આશ્રય જોઇએ છે. આ બધા દયામણા ચહેરે જે-તે દેશની સરહદો પર ઉપર આભ ને નીચે ધરતી ન્યાયે ઊભા છે. છપ્પન મુસ્લિમ દેશોમાંથી કોઇ મુસ્લિમ દેશ આ પોતાના જ જાતભાઇ નિરાશ્રિતોને આશ્રય આપવા તૈયાર નથી. મુસ્લિમોમાં પણ શિયા, સુન્ની, અહમદિયા, બરેલવી, દેવબંદી, ઇશ્ના અતરી, વગેરે સંખ્યાબંધ ફિરકા છે. એ દરેકની આંખ્યું એકમેકની સાથે વઢે છે. એ સંજોગોમાં કોણ કોને આશરો આપે, શા માટે આપે એ યક્ષપ્રશ્ન છે.
બે પક્ષ લડે ત્યારે એક ત્રીજો પક્ષ પણ હોય છે. એ આ યુદ્ધ જોઇને સતત મીઠ્ઠું મલકાય છે. એ છે શસ્ત્ર સોદાગરો. યુદ્ધ કરી રહેલા દેશોને સતત શસ્ત્રો વેચીને એમની તિજોરી ફાટ ફાટ થાય છે. લડી રહેલા દેશોની બરબાદી જોઇને આ શસ્ત્રસર્જકો ખુશ થાય છે. લડો લડો તમતમારે. અમારું બેંક બેલેન્સ તગડું થાય છે.
આપણે ત્યાં અત્યારે નવરાત્રિ ઊજવાઇ રહી છે. થોડા દિવસ પછી દિવાળી આવશે. કરોડો રૂપિયાના ફટાકડા ફૂટશે. અબજો રૂપિયાની મીઠાઇ ખવાશે. નવાં નવાં વસ્ત્રોથી સજીને આપણે એકબીજાને નવા વરસનાં વધામણાં આપીશું. ત્યારે કોઇને રશિયા-યુક્રેન કે ઇઝરાયેલ-પેલેસ્ટાઇન યુદ્ધ યાદ નહીં આવે. આપણને આવું બધું કોઠે પડી ગયું છે. વાતો વિશ્વશાંતિની થાય છે, શાંતિ ક્યાંય ક્ષિતિજ પર ગોતી જડતી નથી. કારણ, ખરું પૂછો તો કોઇને શાંતિ ખપતી નથી. સૌને વિશ્વવિજેતા થવું છે, સૌને મહાસત્તા થવું છે. સૌને દુનિયા પર રાજ કરવું છે. ઇતિહાસ સાક્ષી છે. વિશ્વવિજેતા થયા પછી પણ સમ્રાટ સિકંદર ચેનની નિદ્રા પામી શક્યો નહોતો. ખાલી હાથ આયા થા, ખાલી હાથ લૌટ ગયા... ન કોઇ રહા હૈ, ન કોઇ રહેગા... મહાકાળ સૌ યુદ્ધઘેલા પર ખડખડાટ હસી રહ્યા છે.