Get The App

કૃતઘ્ની માણસ પશુ-પક્ષીઓના ઉપકારને વિસરી ગયો... !

Updated: Jun 8th, 2021


Google NewsGoogle News
કૃતઘ્ની માણસ પશુ-પક્ષીઓના ઉપકારને વિસરી ગયો... ! 1 - image


- ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ

- વિશ્વમાં દર વરસે તેર લાખ ચોરસ કિલોમીટર જેટલાં જંગલો કપાતાં જાય છે

- એક વૃક્ષને પૂરેપૂરું વિકસતાં પચીસ વર્ષ લાગે છે માણસ  ઇલેક્ટ્રિક કરવત વડે માત્ર પાંચ મિનિટમાં વૃક્ષને ધરાશાયી કરી દે છે

ચકલીનું ચીં ચીં, કાગડાનું કા કા, કોયલનો ટહૂકો, મોરનો ગહેંકાટ, ગાયનું હમ્ભા... (ગાંગરવું), શ્વાનનું હાઉ હાઉ, ઘોડાનો હણહણાટ, ગર્દભનું હોંચી હોંચી, સિંહની ડણક, વાઘની ત્રાડ... ગુજરાતી પરિવારનાં આવતી પેઢીનાં બાળકોને આમાંનું ઘણું જોવા-સાંભળવા નહીં મળે. શનિવારે પાંચમી જૂને પર્યાવરણ દિન હતો. પરંતુ અખબારોમાં પ્રગટ થયેલા અહેવાલો મુજબ વિશ્વમાં દર વરસે તેર લાખ ચોરસ કિલોમીટર જેટલાં જંગલો કપાતાં જાય છે. જંગલો એટલે વૃક્ષો. દરેક વૃક્ષ એની છાલ, થડ, ફૂલ, ફળ અને પાંદડાં ઉપરાંત સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી સાવ મફ્ફત પ્રાણવાયુની ભેટ આપે છે.

નદીઓમાં ભીષણ પૂર આવે ત્યારે એ વિનાશકારી જળપ્રપાતને રોકવામાં પણ વૃક્ષો મહત્ત્વનો ભાગ ભજવે છે એ તો સ્કૂલમાં ભણતાં બાળકો પણ જાણે છે. ધસમસતાં આવતાં જળપ્રવાહ સાથે આવતા કાંપને રોકી રાખીને ધરતીની ફળદ્રુપતા પણ વૃક્ષો વધારી આપે છે. બારેમાસ આપતો છાંયડો તો છોગામાં. આમ વૃક્ષ સતત માણસ પર ઉપકાર કરે છે.

કેટલાંક વૃક્ષો આયુર્વેદનાં ઔષધો બનાવવામાં કામ લાગે છે. બદલામાં માણસ એને અકાળ અવસાન આપે છે. એક વૃક્ષને પૂરેપૂરું વિકસતાં પચીસ વર્ષ લાગે છે. ભૌતિક સમૃદ્ધિની લાહ્યમાં રાચતો માણસ  ઇલેક્ટ્રિક કરવત વડે માત્ર પાંચ મિનિટમાં વૃક્ષને ધરાશાયી કરી દે છે. એક વૃક્ષ ધરાશાયી થાય એટલે મિનિમમ પચીસ પંખીઓના માળા નષ્ટ થાય છે. આ પંખીઓએ શો ગુનો કર્યો કે માણસ આટલો ક્રૂર બનીને એમને નિરાધાર કરી દે છે ? આપણે ભાગ્યે જ કદી કલ્પના કરીએ છીએ કે પશુ-પક્ષીઓ પણ માણસ પર બહુ મોટો ઉપકાર કરતા રહ્યા છે. માત્ર બે દાખલા વડે આ વાત સ્પષ્ટ કરીએ.

ભારતીય સંગીતમાં સાત સ્વરો છે. આ સાતે સાત સ્વરો માણસને પશુ-પક્ષીઓએ આપ્યા છે. મોરે ષડ્જ (સા) આપ્યો, વૃષભ એટલે કે ગોવંશે રિષભ (રે) આપ્યો, બકરાએ ગાંધાર (ગ) આપ્યો, બગલાએ મધ્યમ (મ) આપ્યો, કોયલે પંચમ (પ) આપ્યો, ઘોડાએ ધૈવત (ધ) આપ્યો અને ગજરાજ અર્થાત્ હાથીએ નિષાદ (ની) આપ્યો. છેક સામવેદના સમયથી એટલે કે હજારો વરસથી માણસ સંગીત માણતો આવ્યો છે પરંતુ કદી સંગીતના સ્વરો આપનારા મૂગા જીવોને યાદ કર્યા નથી. આ તો હદ થઇ ગઇ કહેવાય.

ઔર એક વાત કોરોના મહામારી પહેલાં અને પછી પણ યોગનાં આસનો કરવાની સલાહ માણસને સતત આપવામાં આવે છે. સતત સ્વસ્થ અને તંદુરસ્ત રહેવા માટે યોગાસનો જરૂરી છે. પરંતુ યોગાસનો તરીકે ઓળખાતી મુદ્રાઓ આવી ક્યાંથી એ વિશે માણસ કદી વિચાર કરતો નથી. આમ તો આસનનાં નામ પરથી જ ખબર પડી જાય કે આ આસન ક્યાંથી આવ્યું. જેમ કે કૂક્ટુાસન એટલે કૂકડા જેવી મુદ્રા, મયૂરાસન એટલે મોર જેવી મુદ્રા, ભુજંગાસન એટલે સર્પ-નાગ જેવી મુદ્રા. મકરાસન એટલે મગર જેવી મુદ્રા, માર્જારાસન એટલે બિલાડી જેવી મુદ્રા.... 

છેક પાતંજલ યોગસૂત્રના રચનાકાળથી આ આસનો થતાં આવ્યાં છે. આપણે કદી એ દિશામાં વિચાર કરતા નથી. માણસ તો પેટ ભરવા માટે પણ પશુ-પક્ષીને હણી નાખીને રાંધીને ખાઇ જાય છે. કહેવાય બુદ્ધિશાળી, બોલકો (પશુ-પંખી મૂગા ગણાય). પરંતુ એનું વર્તન મૂગા જીવોને પણ સારાં કહેવડાવે એવું. હવે જંગલો કાપી નાખીને એ પશુ-પંખીને પણ બેઘર બનાવી રહ્યો છે. આવું થાય ત્યારે કુદરત કોપે એમાં શી નવાઇ ! હજુય સમય છે, માણસ સમજે તો સારું !


Google NewsGoogle News