Get The App

યા ઇધર જાઉં યા ઉધર જાઉં, બડી મુશ્કિલ મેં હું મૈં કિધર જાઉં?

Updated: Jan 7th, 2025


Google NewsGoogle News
યા ઇધર જાઉં યા ઉધર જાઉં, બડી મુશ્કિલ મેં હું મૈં કિધર જાઉં? 1 - image


- ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ

- માનવબળ અને કદની દ્રષ્ટિએ આદિ શંકરાચાર્યે સ્થાપેલો પંચદશનામ અખાડો સૌથી મોટો છે. નાગા બાવાઓ સૌથી વધુ આક્રમક ગણાય છે

દર બાર વરસે આવતા પૂર્ણ કુંભ મેળાનો શંખનાદ સંભળાઇ રહ્યો છે. કુંભ મેળાનો ધામધૂમથી આરંભ થઇ ચૂક્યો છે. દુનિયાભરના મીડિયામેન અને અધ્યાત્મના જિજ્ઞાાસુઓ પ્રયાગરાજ પહોચી રહ્યા છે. ગઇ કાલ સુધી જે હોટલ કે ગેસ્ટ હાઉસના રૂમ પાણીના ભાવે મળતા એ રાતોરાત દિવસના પાંચથી પંદર હજારના ચાર્જ વસૂલતા થઇ ગયા. દેશના ખૂણે ખૂણેથી સાધુ-સંતોના વિવિધ અખાડા પોતપોતાની સાધુસેના સાથે પ્રયાગરાજ (અલ્લાહાબાદ, ધેટ ઇઝ) તરફ પહોંચી રહ્યા છે. પચીસ લાખથી વધુ શ્રદ્ધાળુઓ આ પૂર્ણ કુંભ મેળામાં હાજરી આપે એવી ધારણા છે. એ ધ્યાનમાં રાખીને ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથના વહીવટી તંત્રે કમર કસી છે. 

યોગી પોતે નાથ સંપ્રદાયના ગોરખનાથ મઠના વડા છે. પૂર્ણ કુંભ મેળામાં શૈવપંથી, વૈષ્ણવપંથી, શાક્તપંથી એમ તમામ ફિરકા એકત્ર થશે. આપણે ત્યાં સાધુઓના બારથી તેર અખાડા છે. આદિ શંકરાચાર્યે આઠમી સદીમાં સ્થાપેલો અને સૌથી જૂનો ગણાતો મહાનિર્વાણી અખાડો શૈવપંથી છે. બીજા અખાડામાં વૈષ્ણવપંથી દિગંબર અખાડો, ત્યારબાદ અધ્યાત્મ સાથે યુદ્ધની તાલીમ ધરાવતો જૂનો અખાડો. કુંભમાં સૌથી વધુ મહત્ત્વ આ અખાડાનું હોય છે. આ ઉપરાંત નિરંજની અખાડો, અગ્નિ અખાડો, આનંદ અખાડો, આહ્વાન અખાડો વગેરેનો સમાવેશ થાય છે. માનવબળ અને કદની દ્રષ્ટિએ આદિ શંકરાચાર્યે સ્થાપેલો પંચદશનામ અખાડો સૌથી મોટો છે. નાગા બાવાઓ સૌથી વધુ આક્રમક ગણાય છે.

આમ દશનામી સાધુ સંપ્રદાય અને તેરેક જેટલા સાધુ અખાડાના સાધુઓ પ્રયાગરાજમાં એકત્રિત થવાના છે ત્યારે અજાણતામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત આમ જનતા અને સાધુઓના રોષનો શિકાર બની રહ્યા હોવાનાં ચિહ્નો દેખાય છે. અલબત્ત, ભાગવતજીએ પૂરેપૂરી નિષ્ઠાથી કેટલાંક ઉચ્ચારણો કર્યાં હતાં, પરંતુ સાધુસંતો અને આમ આદમી, બંને નારાજ થઇ ગયા. ભાગવતજીએ જીભ કચરી અને ગેરસમજનો વંટોળ ઊઠયો. છેલ્લા થોડા સમયથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને શાસક પક્ષ વચ્ચે વૈચારિક ખાઇ વધુ ઊંડી થઇ રહી હોય એવા અણસાર જોવા મળ્યા. 

ભાગવતજીએ પહેલાં જે વાત કરી એ આજની તાતી જરૂરિયાત છે. એમણે કહ્યું કે હવે બે બાળકોની પરંપરા ત્યજીને આપણે વસતિની સમતુલા જાળવવા વધુ બાળકો જન્માવવા જોઇએ. તરત લાલ કપડું જોઇને ગોધો ભડકે એમ કેટલાક લઘુમતી નેતાઓ ભડકી ગયા. યહ ભાગવત ક્યા બોલ રહે હૈં એવો વિરોધ તેમણે શરૂ કર્યો. ત્યારબાદ થોડા સમયે ભાગવતજીએ દરેક સમાજે પોતાનાં ધર્મસ્થળોનું જતન-સંવર્ધન કરવું જોઇએ એવો ટહૂકો કર્યો. એ સામે પણ લઘુમતી સમાજે વાંધાવચકા કાઢયા. 

જોકે ભાગવતજીનાં આ વિધાનોથી સાધુસંતો અને બહુમતી પ્રજા રાજી થઇ કે ચાલો, મોડે મોડેય બહુમતી પ્રજાની તરફેણમાં સંઘપ્રમુખ બોલ્યા ખરા, પરંતુ ત્યાર બાદ કદાચ, યસ કદાચ ભાગવતજીને એમ લાગ્યું હશે કે મારાથી થોડું આકરું બોલાઇ ગયું, એટલે એમણે વિરોધ શાંત કરવા માટે શાંતિસૂચક ઉદ્ગાર કાઢયા કે હવે વધુ ધર્મસ્થાનો શોધવાનો વ્યાયામ પડતો મૂકીએ અને ધાર્મિક સૌહાર્દ જળવાઇ રહે એ દિશામાં કામ કરીએ.

એ સાથે આદરણીય રામભદ્રાચાર્ય જેવા સિનિયર સાધુ સંતો ઊકળી ગયા. આ શું બોલી રહ્યા છે, ભાગવત? સોશ્યલ મીડિયા પર પણ ગોકીરો થયો કે પહેલાં 'જાગો હિન્દુ જાગો' કહેનારા ભાગવત હવે કહે છે કે પાછા સુઇ જાઓ... આ શું ચાલી રહ્યું છે? કદાચ ભાગવતજીને ખ્યાલ નહીં રહ્યો કે ગમે તે ઘડીએ પૂર્ણ કુંભ શરૂ થવામાં છે જ્યાં દશનામી સાધુ સંપ્રદાય ઉપરાંત સાધુઓના તમામ અખાડાના સાધુસંતો એકઠા થશે. એક મહિના સુધી આ બધા પ્રયાગરાજમાં હશે અને ભાગવતજીનાં તાજેતરનાં વિધાનોનું પોસ્ટમોર્ટમ થશે. વાતાવરણ વધુ કલુષિત થાય એ પહેલાં બહુમતી પ્રજા અને સાધુસમાજ બંનેની દુભાયેલી લાગણી પર મલમપટ્ટા થઇ જાય એ જરૂરી છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને એના હોદ્દેદારો આ વાત જેટલી જલદી સમજી લે એટલું સારું.


Google NewsGoogle News