Get The App

જાહેરખબરોના જોરે અને માર્કેટિંગની કળાથી વિદેશી પીણાં અબજો રૂપિયા કમાય છે

Updated: Feb 6th, 2024


Google NewsGoogle News
જાહેરખબરોના જોરે અને માર્કેટિંગની કળાથી વિદેશી પીણાં અબજો રૂપિયા કમાય છે 1 - image


- ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ

- શેરડીના સંચા રાત પડયે કેટલાંક સ્થળે ઉકરડા પાસે પડયા હોય છે. એમાં સ્વચ્છતા જળવાતી નથી. લગભગ દર ઉનાળામાં જે-તે શહેરની સુધરાઇઓ આવા શેરડીના રસ સામે ચેતવણી આપે છે

- ભારત જેવા વિકાસશીલ દેશોમાં ડાયાબિટિસના કેસ કૂદકે ને ભૂસકે વધતા જાય છે. કહે છેને કે - જીભ (સ્વાદેન્દ્રિય)ને ભાવે એ પેટને ન પણ ફાવે... અહીં પેટના સ્થાને આરોગ્ય શબ્દ પણ મૂકી શકાય.

એક પત્રકાર મિત્રનાં પત્ની જોડે અનૌપચારિક વાત થતી હતી. વાતવાતમાં એ બહેને કહ્યું કે અમારા એમને તો સવાર સાંજ કંઇક ગળ્યું જોઇએ જ. કશું ન હોય તો છેવટે ઘી અને ગોળ આપવાં પડે. અત્યાર સુધી ઘરમાં એક જ ગળપણ પ્રેમી હતા. હવે મારી પુત્રવધૂ આવી છે. એ પણ મિષ્ટાન્ન પ્રેમી છે. એને પણ સવાર સાંજ ગળપણ જોઇએ. એ સિવાય એને કોળિયો ગળે ન ઊતરે.

ઘણાને આવી આદત હોય છે. કોઇને ભોજનમાં ગળપણ વિના ન ચાલે તો કેટલાક લોકોને નમકનું વળગણ હોય છે. જેવાં જેનાં રસરુચિ. 

ટેલિવિઝન પર આવતી જાહેરખબરો તમે પણ જોઇ હશે. અમુક તમુક ગૂટકા ખાનાર અભિનેતાને વીર, મર્દ કે બહાદૂર તરીકે રજૂ કરાય છે. એ જ રીતે કેટલાંક સોફ્ટ ડ્રીન્કની જાહેરખબરોમાં પણ જે તે અભિનેતાને જે તે સોફ્ટ ડ્રીન્કની બોટલ મેળવવા જાનના  જોખમે સ્ટંટ કરતો દેખાડાય છે. એની ટેગલાઇન કંઇક આવી હોય છે-  ડર કે આગે જીત હૈ...આવી જાહેરખબરો બાળમાનસ પર જબરદસ્ત અસર કરે છે. બાળક રીતસર આવાં સોફ્ટ ડ્રીન્ક માટે જિદ પકડે છે.

એક તબીબી લેખમાં આપેલી માહિતી અનુસાર, કોકાકોલામાં આઠ ચમચી જેટલી સાકર  હોય છે, ફેન્ટામાં દસ ચમચી જેટલી ખાંડ હોય છે, સ્પ્રાઇટમાં સાડા આઠ ચમચી જેટલી ખાંડ હોય છે, પેપ્સીમાં આઠ ચમચી જેટલી ખાંડ હોય છે, ફ્ટીમાં દસેક ચમચી જેટલી ખાંડ હોય છે. પરિણામ? સાવ કુમળી વયનાં બાળકોમાં ડાયાબિટિસનું  નિદાન થાય છે. આ બધાં સોફ્ટ ડ્રીન્ક્સને બહાદૂરી કે વીરતા સાથે કશી લેવાદેવા હોતી નથી. માત્ર જાહેરખબરોના જોરે અને માર્કેટિંગની કળાથી આપી છ વિદેશી પીણાં અબજો રૂપિયા કમાય છે અને એશિયાના ભારત જેવા વિકાસશીલ દેશોમાં ડાયાબિટિસના કેસ કૂદકે ને ભૂસકે વધતા જાય છે. અન્ય એક તબીબી વિચાર પણ મહત્ત્વનો  છે- જીભ (સ્વાદેન્દ્રિય)ને ભાવે એ પેટને ન પણ ફાવે... અહીં પેટના સ્થાને આરોગ્ય શબ્દ મૂકી શકીએ.

એનો વિકલ્પ હાજર છે- લીંબુ શરબત પીઓ અથવા શેરડીનો રસ પીઓ, પરંતુ એમાં પણ થોડી અગમચેતી રાખવી જરૂરી છે. સડકો પર લાકડાના જે સંચામાં શેરડીનો રસ કાઢવામાં આવે છે એ સંચા રાત પડયે કેટલાંક સ્થળે ઉકરડા પાસે પડયા હોય છે. એમાં સ્વચ્છતા જળવાતી નથી. લગભગ દર ઉનાળામાં જે-તે શહેરની સુધરાઇઓ આવા શેરડીના રસ સામે ચેતવણી આપે છે. કેટલા લોકો  એ તરફ ધ્યાન આપે છે એનો ક્યાસ કાઢવા જેવો છે. આવા બજારૂ રસ કેટલીક વાર કમળાના કેસની સંખ્યા વધારે છે. 

ગરમી ટાળવાનો એક હાથવગો ઉપાય ઘરમાં છાશ બનાવીને પીવાનો છે. એ તરફ સૌથી વધુ ધ્યાન આપવાની જરૂર છે. આયુર્વેદમાં સ્પષ્ટ કહ્યું છે- છાશ કળિયુગનું અમૃત છે. પસંદગી તમારા હાથમાં, સોરી, આપણા હાથમાં છે.


Google NewsGoogle News