ભગવાન કૃષ્ણની જેમ શિવજીએ પણ એક ગીતા આપી છે
- ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ
સોમવારથી શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. શ્રાવણ એટલે મહાદેવની ઉપાસનાનો પવિત્ર માસ. સ્વયંભૂ પ્રગટ થયેલા અજન્મા દેવાધિદેવ એટલે મહાદેવ-શંભો. તમે દુનિયાભરમાં જ્યાં જ્યાં ગુજરાતી વસે છે ત્યાં જાઓ. એક ભજન અચૂક સાંભળવા મળશે- શંભુ શરણે પડી, માગું ઘડીએ ઘડી કષ્ટ કાપો, દયા કરી દર્શન શિવ આપો.... ભોલેનાથ તરીકે પંકાયેલા શિવ આજના ઘોર કળિયુગમાં અત્યંત મહત્ત્વનો પાઠ શીખવે છે. એમના વ્યક્તિત્વની બે-ત્રણ બાબતો ખૂબ જાણીતી છે. શિર પર ગંગા, ભાલે ત્રિનેત્ર અને કંઠમાં વિષ. બહુ સમજવા જેવાં પ્રતીકો છે.
શિર પર ગંગા એટલે કે ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ મગજની સમતુલા અકબંધ રહેવી જોઇએ. આજના સતત ઘડિયાળને કાંટે દોડવાના ટેન્શન ભરપુર કાળમાં માણસ ગમે ત્યારે ઉશ્કેરાઇ જાય છે. ગુસ્સો આવે ત્યારે કવેણ બોલાઇ જાય. પરિણામે વરસોના સંબંધમાં તિરાડ પડી જાય. મગજ શાંત હોય તો ગમે તેવી સમસ્યાનું નિરાકરણ હાથવગું થઇ જાય. આ છે શિરે ગંગા. ઠંડા દિમાગ. કંઠે વિષનો ગૂઢાર્થ પણ એટલો જ મહત્ત્વનો છે. માનવ સંબંધોમાં ગમે ત્યારે સાવ નાની વાતથી કડવાશ સર્જાઇ જતી હોય છે.
વિજ્ઞાાનની દ્રષ્ટિએ વિચારો તો એનું રહસ્ય સમજવું સરળ થઇ પડે. સર્જનહારે જીભની સાવ પાછલી બાજુએ કટુ રસની સ્વાદગ્રંથિ ગોઠવી છે. જીભની આગલી ટોચ પર ગળપણની ગ્રંથિ છે. કડવો સ્વાદ છેક છેડે છે. એનો અર્થ એ કે કડવાશ, અકળામણ કે નારાજી ગળાની ઉપર આવવા દેવી નહીં કે પેટમાં પણ સંઘરી રાખવી નહીં. કવિ કરસનદાસ માણેકના એક કાવ્યની પંક્તિ છે- ઝેર જગતનાં જીરવી જીરવી અમરત ઉરનાં પાજો, મારું જીવન અંજલિ થાજો... એ ગૂઢાર્થ શિવજી શીખવે છે. આ બે ગુણ વિકસે તો વ્યક્તિ સહેલાઇથી ધ્યાનમગ્ન થઇ શકે. ધ્યાનમાં ઊંડા ઊતરે એનું ત્રીજું નેત્ર આપોઆપ વિકસિત થાય.
લોકસાહિત્યમાં ભોલે શંકરને જુદી રીતે લાડ લડાવ્યા છે. સાવ ટૂંકમાં જોઇએ. એકવાર ઉમિયાજીએ બ્રહ્માણી અને લક્ષ્મીજીને પોતાને ત્યાં નોતર્યા. આ બંનેએ ઉમિયાને ના પાડતાં કહ્યું કે તારે ત્યાં અમને કશી સગવડ ન મળે. તારા પતિ મસાણમાં બિરાજે અને તું હિમાચ્છાદિત પહાડ પર વગેરે વગેરે. પાર્વતીને બહુ ખરાબ લાગ્યું. સાંજે શિવજી તપશ્ચર્યા કરીને પાછા ફર્યા ત્યારે જાણ્યું કે પાર્વતી રીસાયાં છે. શિવજીએ સમજાવટથી કામ લઇને પાર્વતી પાસે જાણી લીધું કે રીસનું કારણ શું છે.
પછી પોતાની જટા વિખેરીને પાર્વતીને જટાનો એક વાળ આપ્યો કે જાઓ, કુબેરને કહો કે આના ભારોભાર સોનું આપો. પાર્વતી કહે કે મારું અપમાન કરાવવા માગો છો? આ વાળનું તો એક રતીભાર સોનું પણ નહીં આવે. શિવજીએ ફરી સમજાવટના સૂરે કહ્યું, ઉમા, તમે એકવાર જાઓ તો ખરાં.. પાર્વતીજી ગયાં.
પહેલાં તો કુબેર હસી પડયો. ઝવેરીને ત્યાં હોય એવાં સાવ નાનકડાં ત્રાજવામાં વાળ મૂકીને પોતાના હાથની એક વીંટી બીજા પલ્લામાં મૂકી. ફરી થોડું સોનું મૂક્યું. કશું વળ્યું નહીં. ધીમે ધીમે કુબેરનો આખોય ભંડાર ખાલી થઇ ગયો. એ તો ગભરાયો. બ્રહ્માજીને જાણ કરી. બ્રહ્માજીએ પણ પોતાનું સર્વસ્વ આપી દીધું. તોય પેલો વાળ સ્થિર રહ્યો. વાત વિષ્ણુલોકમાં પહોંચી. વિષ્ણુ તો મહા મુત્સદ્દી. લક્ષ્મીજીને બોલાવીને છેલ્લા બે દિવસમાં કોઇની સાથે કશી વાતચીત થયેલી કે કેમ એવી પૂછપરછ કરી. વાતવાતમાં જાણી લીધું કે પાર્વતીજીનું મન દુભાય એવું કશુંક લક્ષ્મીજી બોલ્યાં છે. તરત લક્ષ્મીજીને કહ્યું, ચાલો, કુબેરને ત્યાં કટોકટી સર્જાઇ છે. ત્યાં જવાનું છે.લક્ષ્મીજી કુબેરને ત્યાં આવ્યાં. અનાજના ગોદામોમાં હોય એવા વિરાટ ત્રાજવાના એક પલ્લામાં લક્ષ્મીજી બિરાજ્યાં તો પણ શિવજીની જટાના વાળવાળું પલ્લું જેમનું તેમ રહ્યુ. પાર્વતીજીના હરખનો પાર ન રહ્યો. પોતાના તપસ્વી પતિ માટે એમને ગૌરવ થયું.
અધ્યાત્મના ઉપાસકો જાણે છે, ભગવાન કૃષ્ણની જેમ શિવજીએ પણ એક ગીતા આપી છે. ભગવાન કૃષ્ણે કુરુક્ષેત્રમાં અર્જુનને ભગવદ્ ગીતા આપી તો શિવજીએ સ્કંધ પુરાણના ઉત્તર ખંડમાં ગુરુગીતા આપી. પાર્વતીજીએ એમને પ્રશ્ન પૂછયો હતો કે જીવ શિવમય શી રીતે થઇ શકે? જવાબમાં શિવજીએ ગુરુગીતા આપી. આમ કૃષ્ણ અને શિવજી બંને ગીતાગાયક છે. શ્રાવણ માસ એ શિવજીને પ્રસન્ન કરવાનો માસ છે.