For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

કુદરતના સંકેતો સમજીને માણસ સખણો રહે તો સારું

Updated: Mar 5th, 2024

કુદરતના સંકેતો સમજીને માણસ સખણો રહે તો સારું

- ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ

સો ઘા સોનીના ને એક ઘા લુહારનો... એવા અર્થનો એક રૂઢિપ્રયોગ હિન્દી ભાષામાં છે. એ રૂઢિપ્રયોગ સાથે થોડી છુટ લઇને કહીએ તો સો ઘા કાળા માથાના માનવીના, એક ઘા કુદરતનો. હજુ તો શિયાળો પૂરો થયો નથી, હોળી આવી નથી. ત્યાં જ ચિંતાજનક સમાચાર આવી ગયા. સમાચાર આવ્યા કે બિહારની સૌથી મોટી એવી ગંડક નદી ગોપાલગંજ વિસ્તારમાં સૂકીભઠ્ઠ થઇ ગઇ છે. બિહારની અન્ય નદીઓ પણ સુકાવા માંડી છે. અખબારી અહેવાલો મુજબ ગુજરાતના કેટલાક બંધમાં પાણીની સપાટી ચિંતાજનક રીતે ઘટી છે. મહારાષ્ટ્રના પવિત્ર નાસિક શહેરમાં ગોદાવરી નદીની જળસપાટીમાં સારો એવો ઘટાડો નોંધાયો છે. અત્યારે માર્ચ મહિનામાં આ સ્થિતિ હોય તો એપ્રિલ-મેમાં પરિસ્થિતિ કેવી વિષમ હશે. મહારાષ્ટ્રમાં તાપમાન ૩૭ અંશ સુધી પહોંચી ગયું છે. ગરમી અસહ્ય થવા માંડી છે.  બીજી બાજુ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અત્યારે માર્ચ મહિનામાં વરસાદ પડયો છે. ખેડૂતો ચિંતામાં પડી ગયા છે.

યોગાનુયોગે ઇંગ્લેંડની એક યુનિવર્સિટીના વિદ્વાનોએ કરેલા સંશોધનાત્મક અભ્યાસ મુજબ ભારત સહિત આઠેક દેશોમાં તાપમાન ચિંતાજનક રીતે વધી રહ્યું છે. વાસ્તવિકતા એ છે કે છેલ્લાં થોડાં વરસથી ભારત સહિત દુનિયાભરના દેશોમાં ઋતુચક્ર અનિયમિત થઇ ચૂક્યું છે. ઇંગ્લેન્ડના સંશોધકોની વાત ધ્યાનમાં ન લઇએ તો પણ સમજાય છે કે વિકાસના નામે સિમેન્ટ કોંક્રિટનાં જંગલો ઊભાં કરીને માણસ પોતાના પગ પર કુહાડો મારી રહ્યો છે. આપણું તો આખુંય ઋતુચક્ર હિમાલયને આભારી છે. ઇંગ્લિશ સંશોધકોની આગાહી સાચી પડે અને હિમાલયનો બરફ ઝપાટાબંધ સુકાવા માંડે તો આપણી શી સ્થિતિ થાય એની કલ્પના પણ ધ્રૂજાવી દેવા માટે પૂરતી  છે. માત્ર ઋતુચક્ર નહીં, વિદેશી આક્રમણો સામે પણ હિમાલય આપણા માટે સંરક્ષક બની રહ્યો છે. 

વાતને ભારત પૂરતી મર્યાદિત રાખીએ. ગ્લોબલ વોર્મિંગને બાજુ પર રાખો. આપણે અવિચારીપણે જંગલો શા માટે કાપી રહ્યાં છીએ એ સમજાતું નથી. એક તરફ જંગલો કપાય છે, બીજી બાજુ આસાનીથી લોન મળતી હોવાથી સડકો પર વાહનોની ભીડ જામી છે. કાર્બન મોનોક્સાઇડ જેવા ઝેરી વાયુના સતત થઇ રહેલા ઉત્સર્જનના પગલે શુદ્ધ પ્રાણવાયુ મળતો નથી. પ્રદૂષણ બેફામ વધી રહ્યું છે. શ્વસનતંત્રના કેસ પણ વધી રહ્યા છે. 

આ વાત ફક્ત આપણા પૂરતી નથી. દેશના ભાગલા પહેલાં ભારતનો એક હિસ્સો હતો અને આજે જેને બાંગ્લાદેશ કહે છે એના પાટનગર ઢાકામાં શ્વસનતંત્રની બીમારીના કેસમાં તોતિંગ વધારો નોંધાયો છે એવા અહેવાલ ઢાકાના અગ્રણી દૈનિક 'ડેઇલી સ્ટાર'માં પ્રગટ થયા છે. 'ધ ન્યૂ યોર્ક પોસ્ટ' અખબારના અહેવાલ મુજબ આફ્રિકન મહાનગર કેપટાઉનમાં પીવાનું પાણી નથી. આવું કેમ બની રહ્યું છે એ આપણે સૌ જાણીએ છીએ. જાણવા છતાં જાગતાં નથી. ગુજરાતી ભાષામાં કહે છે, સુતો માણસ જાગે, જાગતો માણસ ન જાગે. માણસ ન જાગે ત્યારે કુદરત થપાટ મારે. સેંકડો વરસથી પૂજાતા કેદારનાથમાં ૨૦૧૩ના જૂનની ૧૬મીએ આવેલા વિનાશકારી પૂરને યાદ કરવા જેવું છે. પ્રવાસ પર્યટનના વિકાસને નામે હજારો વૃક્ષો કાપીને ધર્મશાળા, ગેસ્ટ હાઉસ અને હોટલો ઊભી કરી દેવામાં આવેલાં. વાદળ ફાટયું અને તોપના ગોળાની જેમ રૌદ્ર સ્વરૂપે પાણી ધસી આવ્યાં.

૨૦૦૪ના ડિસેમ્બરની ૨૫મીએ આવેલી સુનામી પછી આવી ભીષણ દુર્ઘટના ક્યારેય સર્જાઇ નહોતી. ઉત્તરાખંડના સ્થાનિક રહેવાસીઓ અને યાત્રાળુ-પ્રવાસીઓ સહિત છ હજાર લોકો ઘડીના છઠ્ઠા ભાગમાં કાળનો કોળિયો થઇ ગયા. થોડો સમય બધાએ રોકકળ કરી. પછી પાછા હતા તેવા ને તેવા. કુદરત ખૂબ દયાળુ છે. થપાટ મારતાં પહેલાં ચેતવણી સમાન કોઇ સંકેત અચૂક આપી દે છે. અત્યારે બિહારની નદીઓ દ્વારા કુદરતે સંકેત આપી દીધો છે. સમયસર જાગવાની જવાબદારી આપણી છે. સંસદીય ચૂંટણીનું જે પરિણામ આવવાનું હોય તે આવે. આ ઉનાળામાં દેશના દરેક નાગરિકને પૂરતું પીવાનું પાણી મળી રહે એ મુદ્દે યુદ્ધના ધોરણે આયોજન તત્કાળ હાથ ધરાય એ આજની તાતી જરૂરિયાત છે. શાસકો સમયસર જાગશે કે?

Gujarat