કોરોના રહસ્યમય વાઇરસ: નથી ત્યાં બિલકુલ નથી, છે ત્યાં મબલખ અને અખૂટ છે
- ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ
છેલ્લા થોડા સમયથી કેટલાક ચિત્રવિચિત્ર કહી શકાય એવા બનાવો બની રહેલા જોવા મળ્યા. એ બનાવોના અનુસંધાનમાં આજે કેટલાક છૂટાછવાયા વિચારોનું સંકલન કર્યું છે. દરેક મુદ્દા પર ધ્યાન આપવા જેવું છે. દરેક મુદ્દો રસપ્રદ લેખનું નિમિત્ત બની શકે એવો છે.
* માત્ર ભારત નહીં, દુનિયાભરના લોકોને ત્રાહિમામ્ પોકારાવનારા કોરોના વાઇરસ ખરેખર રહસ્યમય છે. એક મિત્રે સરસ નિરીક્ષણ વ્યક્ત કર્યું. જુઓને, છેલ્લા પાંચ છ મહિનાથી દિલ્હીના સીમાડા પર ત્રાગું કરી રહેલા હજારો ખેડૂતોમાં કોઇને કોરોના નથી થયો. થયો હોય તો જાહેર થયું નથી. એક પણ ખેડૂત કોરોનાથી મરણ પામ્યો હોવાના મિડિયા અહેવાલ નથી. પશ્ચિમ બંગાળ અને આસામની ચૂંટણીના પ્રચારમાં હજારો લોકો એકઠા થયેલા ટીવી ન્યૂઝ ચેનલ્સ પર જોઇ શકાતા હતા. એ તરફ પણ અત્યારે તો કોરોનાના વાવડ નથી. ચૂંટણી પતે ત્યારબાદ કોરોના વાઇરસ એ તરફ પોતાનો લાગો લેવા જાય તો કહેવાય નહીં.
* એક તરફ એક કરતાં વધુ રાજ્યો કોરોનાના પગલે લોકડાઉન જેવાં પગલાં વિચારી રહ્યા છે, બીજી તરફ રેલવે તંત્ર રોજ રોજ નવી નવી ટ્રેનો દોડાવવાની જાહેરાત કરી રહ્યું છે. શું દેશનાં તમામ રેલવે સ્ટેશનો પર પૂરેપૂરી તકેદારી રાખીને કોરોના ટેસ્ટિંગ અને તત્કાળ સારવારની વ્યવસ્થા હાથવગી છે ખરી ?
* પ્રાચીન સંસ્કૃત સાહિત્યમાં અહલ્યા દ્રૌપદી સીતા તારા મંદોદરી તથા શ્લોકમાં આ પાંચ મહિલાઓને પુણ્યશ્લોક ગણાવાઇ છે. આધુનિક કાળની વાત કરીએ તો દેશની એકમાત્ર રાજરાણી 'પુણ્યશ્લોક' ગણાવાઇ છે. એ છે મરાઠા સામ્રાજ્યની હોલકર પરિવારની અહિલ્યાબાઇ હોલકર. હાલ એક ટીવી ચેનલ પર એના જીવનની રસપ્રદ વાતો સિરિયલ રૂપે રજૂ થઇ રહી છે. યોગાનુયોગ કેવો છે કે પ્રાચીન અને અર્વાચીન બંને દ્રષ્ટિએ અહલ્યા કોમન નામ છે.
* હરિદ્વારમાં પૂર્ણકુંભ મેળો શરૂ થઇ ચૂક્યો છે. કુંભ મેળાની તવારીખ તપાસીએ તો શહેરી વિસ્તારો કરતાં ગ્રામ વિસ્તારના લાખો લોકો આ ભક્તિમેળામાં હાજરી આપતા રહ્યા છે. અત્યાર સુધી કોરોનાએ શહેરી વિસ્તારમાં કાળો કેર વર્તાવ્યો છે. ગ્રામ વિસ્તારોમાં એની અસર ઓછી જોવા મળી.
હરિદ્વારમાં કોરોના ટેસ્ટિંગ અને જરૂર પડયે સારવારની વ્યવસ્થા યોગી સરકારે કરી હોવાનો દાવો કરાયો છે. કોરોના કેટલા શ્રદ્ધાળુઓને પોતાના પંજામાં સપડાવે છે એ જોવાનું રસપ્રદ બની રહેશે.
* તમાકુના સેવનના કારણે એકવાર કેન્સરનો ભોગ બનીને સર્જરી કરાવ્યા બાદ ફરી એકવાર એનસીપીના શરદ પવાર આ લખાઇ રહ્યું હતું ત્યારે હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા. એમના પક્ષના નેતા અને મહારાષ્ટ્ર રાજ્યના ગૃહ પ્રધાન અનિલ દેશમુખ પર મુંબઇના પોલીસ કમિશનર રહી ચૂકેલા પરમવીર સિંઘે ગંભીર આક્ષેપ કર્યા છે. મહારાષ્ટ્રના રાજનેતાઓ અને મુંબઇના પોલીસ તંત્ર બંનેની પ્રતિષ્ઠા હાલ ખરડાઇ છે. એ કલંકના ડાઘને નિર્મૂળ કરવાની ક્ષમતા કયો નેતા દેખાડશે એ જોવાનું છે.
* સૂરત સોનાની મૂરત અને સૂરતનું જમણ, કાશીનું મરણ જેવી લોકોક્તિઓ સેંકડો વરસોથી આપણે સાંભળતા આવ્યા છીએ. આ વખતે ગુજરાત રાજ્યમાં કોરોનાનો સૌથી વધુ કોપ સૂરતમાં જોવા મળ્યો. ગયા વર્ષની જેમ કેટલાક ક્ષેત્રના શ્રમિકો ફરી એકવાર જે ટ્રેન કે બસ મળે એ પકડીને વતન ભેગા થઇ રહ્યા છે. સૂરતીલાલાઓએ સમૂહ પ્રાર્થના અને શાંતિયજ્ઞા દ્વારા સંજોગો સુધરે એવા પ્રયાસ કરવા જોઇએ. નહીંતર સૂરતની જાહોજલાલી ઇતિહાસનો એક ભાગ બની રહેવાની પૂરી શક્યતા છે.
* બહુ ઓછા લોકોના ધ્યાનમાં એક ટ્રેજેડી આવી હશે. ગાયક કે સંગીતકાર તરીકે મોં માગ્યું મહેનતાણું લેવા છતાં જે કલાકારોની ડેટ મળતી નહોતી એવા કેટલાક કલાકારો હવે ગાંઠના ખર્ચે ઓનલાઇન કાર્યક્રમો યોજીને કારકિર્દી ટકાવી રાખવાના પ્રયાસો કરી રહ્યા છે. સોશ્યલ મિડિયા પર મળતી વાહ્ વાહીથી સંતોષ માનતા હોય એવું લાગે છે.