બધી રીતે બરબાદ થઇ ચૂકેલા પીઓકે નામનું ઘંટીનું પડ ગળે બાંધવાની શી જરૂર?

Updated: Jun 4th, 2024


Google NewsGoogle News
બધી રીતે બરબાદ થઇ ચૂકેલા પીઓકે નામનું ઘંટીનું પડ ગળે બાંધવાની શી જરૂર? 1 - image


- ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ

લોકસભાની ચૂંટણી પૂરી થઇ. આજે તમે આ લેખ વાંચતા હશો ત્યારે પરિણામો આવવાના શરૂ થઇ ગયા હશે. મોટાભાગના નેતાઓ અને ખાસ તો ચૂંટણી લડનારા નેતાઓના બ્લડ પ્રેશર વધી ગયા હશે. દેશના મતદારોનો મિજાજ ખૂબ અકળ રહ્યો છે. ભલભલા નેતાઓનો અહંકાર દેશના મતદારોએ ભાંગ્યો છે. આ વખતની ચૂંટણી કોંગ્રેસ સહિત કેટલાક નાનકડા પક્ષો માટે જીવનમરણના ખેલ જેવી બની રહી.

આ ચૂ્ંટણીમાં દરેક ઉમેદવારે કેટલાંક વચન આપ્યાં. આપણા ગૃહપ્રધાન શ્રી અમિત શાહ સતત કહ્યા કરે છે કે પાકિસ્તાની કબજા હેઠળનું કશ્મીર (પીઓકે, ધેટ ઇઝ) આપણું અર્થાત્ ભારતની માલિકીનું છે અને આપણે એ પાછું મેળવીશું. ચૂંટણી પ્રચાર દરમિયાન આવાં વચનો અને વાણીવિલાસ સ્વાભાવિક છે, પરંતુ શાંતિથી વાસ્તવિક પરિસ્થિતિનો વિચાર કરીએ તો પીઓકે ભારતમાં ભેળવવાનું પગલું લાંબે ગાળે ઘાતક નીવડી શકે એમ છે. 

૧૯૪૭માં જ્યારે આ વિસ્તાર પાકિસ્તાની લૂંટારા અને કબીલાઓએ જોરજુલમથી ખૂંચવી લીધો ત્યારની અને અત્યારની પરિસ્થિતિમાં આસમાન-જમીન જેટલો ફરક છે. અત્યારે આપણા દેશની વસતિ એક અબજ ચાલીસ કરોડથી પણ વધુ થઇ ચૂકી છે. ખુદ કેન્દ્ર સરકારે લોકસભામાં પૂછાયેલા સવાલના જવાબમાં સ્વીકાર્યું છે કે દેશની ત્રીસ ટકા જનતાને એક ટંક પૌષ્ટિક ભોજન કે પીવાનું ચોખ્ખું પાણી મળતું નથી. હવે જ્યાં ઘરનાં બાળકોને પૂરતું ભોજન કે પાણી ન મળતાં હોય ત્યાં પાડોશીને આટો આપવાની જરૂર શી છે? કબૂલ કે દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુની આળસ, લાપરવાહી કે આત્મવિશ્વાસના અતિરેકમાં પાકિસ્તાની કબીલાના ધાડાં કશ્મીર પર ચડી આવ્યા અને આ પ્રદેશ કબજે કરી લીધો. પરંતુ અત્યારે આપણી અને અલબત્ત, પીઓકેની સ્થિતિ કેવી છે એ વિચારવું જોઇએ.

જમ્મુ કશ્મીરમાં છેલ્લાં ચારસો-પાંચસો વરસથી રહેતા હજારો હિન્દુ પરિવારોને બંદુકના જોરે ૧૯૮૮-૮૯ માં પહેરેલે કપડે કાઢી મૂકવામાં આવ્યા હતા. 'ધ કશ્મીર ફાઇલ્સ' ફિલ્મમાં પણ એ દર્શાવાયું હતું. પીઓકેની સ્થિતિ કેવી છે? ૧૯૪૭માં આ વિસ્તારમાં હિન્દુ-મુસ્લિમ બંને પ્રજાની વસતિ લગભગ સમાન હતી. સૌ સંપીને રહેતા હતા. પીઓકેની છેલ્લી વસતિ ગણતરી મુજબ એટલે કે ૨૦૧૭ મુજબ ચાલીસ લાખ પચાસ હજારની હતી. એમાં હિન્દુઓ કેટલા હતા, વારુ? ફક્ત એક ટકો. વાંચો ફરીથી. સાડીચાલીસ લાખની વસતિમાં માત્ર એક ટકો હિન્દુઓ છે. બાકી બધા હિન્દુઓને કાં તો બળજબરીથી હાંકી કાઢવામાં આવ્યા છે અથવા તેમનો પત્તો નથી. યાદ રહે, આ આંકડા ૨૦૧૭ના છે. માત્ર એક ટકો હિન્દુ પરિવારો હોય અને ૯૯ ટકા વિધર્મીઓ હોય એવા વિસ્તારને ભારતમાં સમાવી લેવાના અભરખા શા માટે?

ઔર એક વાત. ૨૦૧૬ના સપ્ટેંબરની ૨૯મીએ ભારતીય લશ્કરે પીઓકેમાં પાકિસ્તાનના પીઠબળથી ચાલી રહેલા આતંકવાદના સંખ્યાબંધ ટ્રેનિંગ કેમ્પ પર સજકલ સ્ટ્રાઇક કરી હતી એ તો તમને યાદ હશે. પીઓકેના ઘણા વિસ્તારોમાં હજુય આતંકવાદના ટ્રેનિંગ કેમ્પ્સ ચાલી રહ્યા છે. એનું કેમ કરશો? અત્યારે પણ રોજ આપણા સરેરાશ એકાદ બે નવલોહિયા લશ્કરી જવાનો શહીદ થાય છે. થોડા સમય પહેલાં આપણા એક મેજર લેવલના લરી અધિકારીએ જાહેરમાં આ મુદ્દો ઊખેળેલો કે જવાનો શહીદ થાય છે અને રાજનેતાઓ મોટી મોટી સૂફિયાણી વાતો શી રીતે કરે છે? છેલ્લાં કેટલાંય વરસોથી આતંકવાદીઓનો અડ્ડો બની રહેલા પીઓકેને ભારતમાં સમાવી લઇને આપણે સીમાડા સાચવતા જવાનોના જાનમાલનું જોખમ વધારી નથી રહ્યા?

આથક દ્રષ્ટિએ જુઓ તો પીઓકેની સ્થિતિ પાકિસ્તાન જેવી જ છે. એક કિલો લોટ સો રૂપિયે મળે છે. પાકિસ્તાન વાટકો લઇને દુનિયાભરમાં ભીખ માગી રહ્યું છે. એને જે ભીખ મળે છે એ ખુદ પાકિસ્તાની નાગરિકો સુધી પહોંચતી નથી. તો પીઓકેના રહેવાસીઓને શી રીતે પહોંચે? આવા બધી રીતે પાયમાલ થઇ ચૂકેલા પીઓકેને આજની તારીખમાં આપણા દેશમાં સમાવી લેવાનું પગલું આપણા અર્થતંત્ર પર ખાસ્સો મોટો બોજો વધારનારું અને લાંબે ગાળે બહુમતી પ્રજા માટે ઘાતક નીવડી શકે છે. 


Google NewsGoogle News