Get The App

વીવીઆઇપી શબ્દ અને પ્રથાને સદાને માટે નાબૂદ કરી દેવાની તાતી જરૂર છે

Updated: Feb 4th, 2025


Google NewsGoogle News
વીવીઆઇપી શબ્દ અને પ્રથાને સદાને માટે નાબૂદ કરી દેવાની તાતી જરૂર છે 1 - image


- ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ

૨૯મી જાન્યુઆરીએ (ખરેખર તો ૨૮ જાન્યુઆરીની મોડી રાત્રે) મૌની અમાવાસ્યાનું પુણ્ય પ્રાપ્ત કરવા અમૃત સ્નાન કરવાની હડિયાપટ્ટી દરમિયાન થયેલી ધક્કામુક્કીમાં થોડાક શ્રદ્ધાળુ કચડાઇ મૂવા. મહા કુંભમાં પહેલીવાર દુઃખદ બનાવ નોંધાયો. આ દુર્ઘટના અંગે ઇલેક્ટ્રોનિક મીડિયા જુદી જુદી વાત કરે છે. એક અહેવાલ મુજબ ઉત્તર પ્રદેશ ભાજપના મોખરાના નેતાઓ - વીવીઆઇપીઓ અમૃતસ્નાનનો લાભ લેવા આવવાના હતા એની વ્યવસ્થામાં તંત્ર અટવાઇ જતાં આ દુર્ઘટના સર્જાણી.

વેરી ઇમ્પોર્ટન્ટ પર્સન અથવા વીઆઇપી આ દેશનું સૌથી વધુ વિકૃત કેન્સર છે. મેગાસ્ટાર અમિતાભ બચ્ચન પોતાના બંગલેથી પદયાત્રા કરીને મુંબઇના પ્રસિદ્ધ સિદ્ધિવિનાયક ગણપતિના દર્શને આવવાના હોય કે કોઇ સ્થાનિક નેતા તિરુપતિ બાલાજીના દર્શને જવાના હોય કે અંબાણી પરિવારના કોઇ નબીરા શ્રીનાથદ્વારાના મંદિરે આવવાના હોય, સ્થાનિક તંત્ર ઘાંઘું થઇ જતું હોય છે. કલાકો પહેલાંથી ભગવાનના દર્શન માટે કતારમાં ઊભેલા લોકોને ઊભેલા રહેવા દઇને, લોકોના સમય કે સહનશક્તિની પરવા કર્યા વિના તંત્ર, આ મહાનુભાવોને પહેલાં ભગવાનના દર્શન કરવાની સગવડ કરી આપે છે. કેમ વારુ? 

એક સરસ ઊર્દૂ શેર યાદ આવે છે- એક હી સફ મેં ખડે હો ગયે, મહેમૂદ-ઓ-અયાઝ, ના કોઇ બંદા રહા, ના કોઇ બંદાનવાઝ... મંદિર હો યા મસ્જિદ હો યા ગિરિજાઘર કે ગુરુદ્વાર હોય - ઇશ્વરના દરબારમાં બધા સરખા. ન કોઇ કરોડપતિ હોય કે ન કોઇ મૂફલિસ હોય. 

સેલિબ્રિટી ગણાતા લોકો માટે મંદિરમાં પણ પક્ષપાત્? અનેરા કવિ પ્રદીપજીએ વરસો પહેલાં ફિલ્મ પૈગામ માટે એક સરસ ગીત લખેલું. એમાં પણ આવી જ ભાવના હતી - 'ઓ અમીરોં કે પરમેશ્વર, કુછ ગરીબોં કી ભી લે ખબર, દેખ હમ લૂટ રહે હૈં તેરે રાજ મેં કુછ હમારા ભી ઇન્સાફ કર...' અમૃત સ્નાન કરવા આવનારા કહેવાતા નેતાઓએ ચૂપચાપ એકલા આવી જવાનું હોય. પોતાના બાઉન્સરની ફોજને સાથે લઇને આવવાનું ન હોય, પરંતુ એકલા આવે તો એમનો અહં ઘવાય. સાથે બોડીગાર્ડઝ્ તો જોઇએ જ.

ઔર એક વાત અહીં ખાસ કરવી છે. આ વાત આપણા દરેક રાજકીય પક્ષને લાગુ પડે છે. મ્યુનિસિપલ કાઉન્સિલર હોય કે ધારાસભ્ય, સંસદસભ્ય યા રાજ્ય કે કેન્દ્રના પ્રધાન હોય- આપણા ત્રીસથી ચાલીસ ટકા પોલિટિશિયનો સામે ઢગલાબંધ પોલીસ કેસ ઊભા હોય છે. 

બળાત્કાર, લૂંટફાટ, ખંડણી માગવાના આરોપ, હુલ્લડો કરાવવાના આરોપ અને હત્યા કરાવવાના આરોપ. એટલે કે ભલે ધારાસભ્ય કે સંસદસભ્ય તરીકે ચૂ્ંટાઇ આવ્યા હોય, એમની સામે અદાલતમાં કેસ ઊભા હોય છે. મોટા ભાગના નેતાઓે એક યા બીજી રીતે જામીન પર બહાર આવ્યા હોય છે. આ લોકો વીઆઇપી કેવી રીતે કહેવાય? આમ આદમીના ભોગે આ લોકોને ખાસ સગવડ-સુવિધા કેવી રીતે આપી શકાય? આ સવાલ દરેક સમજુ નાગરિકે વિચારવા જેવો છે.

અહીં આપણા લોકોની વધુ પડતી ઉતાવળ પણ ધ્યાનમાં લેવા જેવી છે. ત્રિવેણી સંગમમાં સ્નાન માટે ભાગમભાગ શા માટે? મૌની અમાવાસ્યા ૨૮ જાન્યુઆરીની મધરાતથી ૨૯મીની મધરાત સુધી રહેવાની હતી. ભારતીય પંચાંગ મુજબ ૨૯મીના સૂર્યોદયથી શરૂ કરીને ૩૦મીના સૂર્યોદય સુધી અમાસ રહેવાની હતી. તો પછી સ્નાન માટે ધસારો અને ધક્કામુક્કી શા માટે? આવું પહેલીવાર નથી થયું. 

તાજેતરનો એક બનાવ યાદ કરીએ તો પોલીસ કોન્સ્ટેબલ મટીને ભોલેબાબા બની બેઠેલા અને મોંઘાદાટ સૂટબૂટ પહેરીને આવતા બાબાની સભામાં ભભૂતિ લેવા માટે થયેલી ધક્કામુક્કીમાં પણ થોડાક લોકો માર્યા ગયા હતા. આવું બહાવરાપણું અને બેવકૂફી શા માટે લોકો કરતા હશે એ સમજાતું નથી. આવું થાય પછી બેજવાબદાર વિરોધ પક્ષોને સ્થાનિક વહીવટી તંત્રની આડેધડ ટીકા કરવાનું બહાનું મળી જતું હોય છે.

સો વાતની એક વાત. આઝાદીના પંચોતેર વર્ષ પછી હવે વીવીઆઇપી કલ્ચર સદાને માટે ખતમ થઇ જવું જોઇએ. લોકોએ પોતે આ કલ્ચરને કળ યા બળથી વિદાય કરી દેવું જોઇએ. ખરું કે નહીં?


Google NewsGoogle News