પોલીસ અને પોલિટિશિયન્સની જુગલબંધી હવે તૂટવી જરૂરી છે
- ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ
દેશમાં અત્યારે સૌથી વધુ ચર્ચા કોલકાતા ગેંગરેપ અને મર્ડર કાંડની છે. કોલકાતા હાઇકોર્ટ ઉપરાંત દેશની સુપ્રીમ કોર્ટે આપમેળે (સુઓ મોટો) આ કેસ હાથમાં લીધો અને કોલકાતા પોલીસને આંદોલન કરી રહેલા ડોક્ટરો સાથે સંયમથી વર્તવાની સૂચના આપી. આમ છતાં પોલીસ પોતાના આકા પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીના આદેશ મુજબ ડોક્ટરો પર લાઠીમાર કરતી રહી. લાજવાને બદલે ગાજી રહેલાં મમતાજીએ તો એવો હૂંકાર પણ કર્યો કે કોલકાતાને સળગાવવાનું બંધ કરો નહીંતર આ આગ પાડોશનાં રાજ્યોને પણ આમ દઝાડશે. હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટે કોલકાતાના પોલીસ કમિશનર તેમજ પોલીસ દળે આ કેસમાં કરેલી કામગીરીની આકરી ટીકા પણ કરી.
સરળ શબ્દોમાં કહીએ તો આમ આદમીના જાનમાલની સલામતી માટે પોલીસ તંત્રની રચના કરવામાં આવતી રહી છે, પરંતુ તાજેતરની કેટલીક ઘટનાઓ પરથી પોલીસ પ્રજાને બદલે પોલિટિશિયનો માટે કામ કરતી હોય એવું પ્રતીત થયું છે. એવી એકાદ બે ઘટના ખાસ ધ્યાનમાં લેવા જેવી છે. પહેલી ઘટના તો કોલકાતાની જાણીતી છે.
ઔર એક ઘટના પણ વિશેષ ઉલ્લેખનીય છે. મહારાષ્ટ્રમાં કોંગ્રેસ, શિવસેના અને એનસીપીની સરકાર હતી ત્યારે આ ઘટના બની હતી. મુંબઇ પોલીસની ક્રાઇમ બ્રાન્ચના એક અધિકારી સચિન વાઘે પોતે દેશના ટોચના ઉદ્યોગપતિ મૂકેશ અંબાણીના ઘર નીચે વિસ્ફોટક ભરેલી કાર મૂકી હતી. આ ઘટના સમગ્ર વેપાર-ઉદ્યોગ ક્ષેત્રને અને ખાસ તો આમ આદમીને ચોંકાવી દેવા માટે પૂરતી હતી. એ જ સમયગાળામાં મુંબઇના ત્યારના પોલીસ કમિશનરે જાહેરમાં એવો આક્ષેપ કર્યો હતો કે એનસીપીના નેતા અને રાજ્ય સરકારના ગૃહ પ્રધાન અનિલ દેશમુખે અમને મુંબઇની હોટલો અને શરાબના બાર પાસેથી ઊઘરાવીને દર મહિને એકસો કરોડ રૂપિયા લાવી આપવાનો આદેશ આપ્યો છે.
આ બંને કેસ અત્યારે અદાલતમાં હોવાથી એના વિશે કંઇ કહેવું ઉચિત નહીં ગણાય. કહેવાનું તાત્પર્ય એ છે કે પોલીસ પ્રજાને માટે છે કે પોલિટિશિયનો માટે છે એ નક્કી કરવાનો સમય પાકી ગયો છે. તાજેતરના એક અહેવાલ મુજબ ૮૩,૭૬૨ જવાનો સાથે દિલ્હી પોલીસ દળ વિશ્વના સૌથી મોટા પોલીસ દળમાં ગણાય છે. આ પોલીસ દળના પચીસ ટકા જવાનો-બારેમાસ પોલિટિશ્યનોની સિક્યોરિટીમાં વ્યસ્ત હોય છે. શાહીન બાગ કે ખેડૂત આંદોલન જેવી કોઇ મોટી ઘટના બને જેમાં હજારો લોકો જોડાયા હોય ત્યારે, પોલીસ તંત્રને માનવબળ ઓછું પડે છે. એની જવાબદારી કોની?
અહીં એક ઔર મુદ્દો જોઇએ. મૂકેશ અંબાણી, અમિતાભ બચ્ચન અને શાહરુખ ખાન જેવા લોકો પોતાના ખર્ચે પોતાની સિક્યોરિટી રાખી શકતા હોય તો કરોડોપતિ પોલિટિશિયનોને પ્રજાના પૈસે સિક્યોરિટી શા માટે? ચૂંટણી માટે ઉમેદવારી પત્રક ભરતી વખતે દરેક ધારાસભ્ય કે સંસદસભ્ય સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે કે પોતે કેટલા કરોડના આસામી છે. સાથોસાથ એમને કેટલાય ભથ્થાં (ગૃહમાં ધાંધલ ધમાલ કરવાના) મળે છે. તો પછી કરદાતા નાગરિકોના પૈસે એમને સિક્યોરિટી શા માટે? આ મુદ્દે કોઇ સ્વૈચ્છિક સંસ્થાએ સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી કરવાની જરૂર છે.
પોતાને બઢતી અને ચડતી માટે પોલીસ દળ પોલિટિશિયનોને રાજી રાખે છે. દેશની નાની મોટી અદાલતો એક કરતાં વધુ કેસમાં પોલીસ તંત્રની અત્યંત આકરી ટીકા કરતી આવી છે. અદાલતોમાં કરોડો કેસ વરસોથી વિલંબમાં પડયા છે એ માટે પણ પોલીસ ઓછી જવાબદાર નથી. કેટલાક કિસ્સા તો ખરા અર્થમાં ચોંકાવનારા બની ચૂક્યા છે. મુંબઇ પોલીસના ડઝનબંધ અધિકારીઓ કરાચીમાં બેઠેલા દાઉદ ઇબ્રાહિમના ઇશારે તદ્દન બનાવટી એન્કાઉન્ટર કરતા હતા એવા અહેવાલો તો હવે જૂના થઇ ગયા.
કહેવાતી દારુબંધી ધરાવતા ગુજરાત રાજ્યમાં મોટા ભાગના દારુના અડ્ડા અને ભઠ્ઠીઓ પોલીસની અમીનજરથી જ ચાલે છે એ પણ જગજાહેર છે. એવા ખાઇ બદેલા પોલીસ અધિકારીઓ પર જે તે રાજકીય નેતાનો વરદ હસ્ત હોય છે એ હવે તો ધાવણું છોકરુંય જાણે છે. આ જુગલબંધી કોલકાતાના બનાવ પછી તૂટવી જોઇએ એવી હવા ઊભી થઇ છે. 'સિંઘમ' ફિલ્મ જેવું કંઇક ક્યારેય વાસ્તવમાં બનશે ખરું ?