મનને જીતો તો માનું કે સિકંદર છો, બાકી 'દિગ્વિજય' ઉચરતા શ્રમ નથી પડતો....
- ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ
- માણસના તમામ કામકાજ અને પ્રવૃત્તિઓ પર એની માનસિકતાનો સચોટ પ્રભાવ હોય છે
એક અદ્ભુત ગઝલનો આ શેર છે. એનો ઉપાડ લગભગ બધાને કંઠસ્થ છે- 'કદમ અસ્થિર હોયે તો કદી મારગ નથી મળતો, અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો...' શાયરની માફી માગી લઇને હિમાલયના સ્થાને કોરોના મૂકી દઇએ તો કેમ ? આ મથાળું એ ગઝલનો એક શેર છે. એક સત્યઘટનાથી વાતનો આરંભ કરીએ. માનવીના મનમાં આવતા વિચારોનો કોઇ પ્રભાવ શારીરિક સ્વાસ્થ્ય પર પડે છે ખરો ? એ વિશે અમેરિકાના કેટલાક વિજ્ઞાાનીઓ સંશોધન કરી રહ્યા હતા. તેમણે એક પ્રયોગ કર્યો.
જરૂરી સરકારી પરવાનગી લીધા બાદ મોતની સજા થઇ હતી એવા એક કેદીને કહ્યું કે આજથી ત્રીજે દિવસે તને દુનિયાના સૌથી ઝેરી નાગના ડંખ દ્વારા મોતની સજા કરવામાં આવશે.
એ ક્ષણથી પેલો કોબ્રાના વિચારોમાં ગૂંથાઇ ગયો. સજાના દિવસે એેને કાળો બૂરખો પહેરાવીને એક સામાન્ય દવા ભરેલી સિરિંજથી ઇંજેક્શન મારવામાં આવ્યું. વિજ્ઞાાનીઓના આશ્ચર્ય વચ્ચે પેલો દસ સેકંડમાં મરી ગયો. એના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં નાગનું ઝેર મળી આવ્યું. વિજ્ઞાાનીઓ એવા તારણ પર આવ્યા કે માણસના તમામ કામકાજ અને પ્રવૃત્તિઓ પર એની માનસિકતાનો સચોટ પ્રભાવ હોય છે.
આ વાત આજે આપણે સૌએ ખાસ ધ્યાનમાં લેવાની છે. અંધારી રાત્રે ચાલ્યા જતા માણસને દોરડું દેખાય ત્યારે સાપ સમજીને છળી મરે એવા બનાવ બને છે. મૂળ તો મનને સુદ્રઢ કરવાનું છે. મનમાં ખરોખોટો ડર પેસી ગયો હોય તો કોરોના વાઇરસ શરીરમાં ઘુસી જવા તૈયાર ઊભા હોય છે. ૮૫ અને ૯૦ વર્ષના વડીલો કોરોનાને હંફાવે એવા રિપોર્ટ ફોટોગ્રાફ સાથે અખબારોમાં પ્રગટ થતા રહ્યા છે. આપણે સૌએ વાંચ્યા છે. આવા વડીલોની ઇમ્યુનિટી (રોગ પ્રતિકારક શક્તિ) કદાચ યુવાનો જેવી ધીંગી નહીં હોય પરંતુ મનોબળ ધીંગું હોઇ શકે છે. અને ત્યાંજ વિજયની શક્યતા સર્જાય છે.
અત્યારે માનસિક સ્થિતિ ડામાડોળ ન થઇ જાય એ મહત્ત્વનો મુદ્દો છે. રોજ સવારે ઊઠીને ઇષ્ટદેવનું સ્મરણ કરીને સકારાત્મક (પોઝિટિવ ) વિચારો મનમાં રોપવાના છે. હું સાજોસારો છું, મારી ઇમ્યુનિટી મને કોરોના સામે રક્ષણ આપે એટલી તો છે જ, મને કશું થવાનું નથી. પરમાત્મા મારું રક્ષણ કરે છે, મારે કોરોના વાઇરસને હંફાવવાનો છે... આ રીતે મનને પોઝિટિવ વિચારોનું ટોનિક આપવાની તાતી જરૂર છે.
કોરોનાની રસી, કોરોના સામે રક્ષણ આપે એવી ગાઇડલાઇન્સનું પાલન, માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સીંગ વગેરે બાબતોની સાથે યથાશક્તિ થોડો હળવો વ્યાયામ અથવા ઘર કે મકાનના ધાબે પંદર મિનિટ ચાલવાની કસરત કરવી હિતાવહ છે.
નરી આંખે દેખાય પણ નહીં, ડોક્ટરો માઇક્રોસ્કોપની મદદથી માંડ જોઇ શકે એવા વાઇરસથી ડરવાને બદલે એને હંફાવવાનું મનોબળ કેળવાય એ આજની અનિવાર્ય જરૂરિયાત છે. સરકાર શું કરે છે, શું નથી કરતી એવી લમણાફોડમાં પડવાને બદલે આપણે જાતને દ્રઢ મનોબળ દ્વારા સજ્જ રાખીએ એ આપણા પોતાના હિતમાં છે. પેલું ગીત છે ને, ઇતની શક્તિ હમેં દેના દાતા, મન વિજય કરે... મહષ વ્યાસે પણ ગીતામાં કહ્યું છે, મન: એવમ્ મનુષ્યાણામ્ કર્મણમ્ બંધ મોક્ષયો:... મન મજબૂત હોય તો દુનિયાની કોઇ શક્તિ કશું કરી નહીં શકે.
દરેક ધર્મના સાધુ-સંતો મન પર કાબુ મેળવવાની શીખ સદૈવ આપતા રહ્યા છે. ફિલ્મ ગીતકારો પણ સરળ શબ્દોમાં આ વાત કરતા રહ્યા છે- મન હી દેવતા, મન હી ઇશ્વર, મન સબ કા આધાર, જગ સે ચાહે ભાગ લે કોઇ, મન સે ભાગ ન પાય... દરેક વ્યક્તિએ પોતાના મનને મક્કમ કરવાનું છે. આટલું તો દરેક વ્યક્તિ કરી શકે.