નિર્ભયતાના ગુણને સમજી લેવાની જરૂર છે !
- ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ
બીજી ઓક્ટોબર એટલે સત્ય અને અહિંસાના પૂજારી મહાત્મા ગાંધી બાપુનો જન્મદિવસ. પછીના દિવસે હિન્દુઓના સૌથી મોટા ઉત્સવ નવરાત્રિનો શુભારંભ થશે. શક્તિપૂજાનો પ્રારંભ થશે. સાધનાના પર્વનો ઉદય થશે. સમયના વહેવા સાથે નવરાત્રિની ઊજવણીના પણ બે ભાગ પડી ગયા છે. જૂની પરંપરાગત નવરાત્રિ થોડાંક ગામડાંઓમાં ટકી રહી છે. ગામના ચોકમાં ગરબી સ્થાપના થાય. પુરુષો ગરબી ગાય. ત્યારબાદ સ્ત્રીઓ ગરબે રમે. નગારાં અને શરણાઇ કે ઢોલ સાથે નવદુર્ગાનો મહિમા ગવાય.
શહેરોમાં અલ્ટ્રામોડર્ન પોષાકો અને ઇલેક્ટ્રોનિક વાદ્યો સાથે ડિસ્કો ડાન્સસભર ગરબા કે દાંડિયા રાસ રમવાની હવે જાણે વણલખી ફેશન થઇ પડી છે. શહેરોમાં ભાગ્યે જ કોઇને પ્રાચીન ગરબાનાં મુખડાં સુદ્ધાં યાદ હશે. ચપટી ભરી ચોખા ને ઘીનો છે દીવડો, શ્રીફળ લઇને જઇએ રે, હાલો હાલો ગબ્બર ગોખ જઇએ રે.. કે પછી પંખીડાં તું ઊડી જાજે પાવાગઢ રે ગરબે રમવાનુ્ં મારી માને ક્હેજે રે.. જેવાં ગરબા હવે બહુ ઓછા સાંભળવા મળે છે. માતાજીના ગરબામાં પણ આધુનિકતા પ્રવેશી ચૂકી છે.
પ્રાચીન ગરબા ગાઓ કે અર્વાચીન ગરબે ઘૂમો, નવરાત્રિની ઊજવણીમાં પણ એક પ્રકારની મર્યાદા જળવાઇ રહે એ જરૂરી છે. રમનારાઓના પોષાક, નૃત્યની મુદ્રાઓ, ભાવભંગિમા એવાં ન હોય કે એમાં મર્યાદા ચૂકી જવાય. અન્યને આકર્ષવા જતાં ગૂમરાહ થઇ જવાય, પછી જીવનભરનો પસ્તાવો બાકી રહે. ઘણું કરીને, ૧૯૫૦ના દાયકામાં સુપ્રીમ કોર્ટમાં પ્રફુલ્લચંદ્ર નટવરલાલ ભગવતી કરીને એક માનનીય જસ્ટિસ હતા. એમણે એક કેસના સંદર્ભમાં ટકોર કરેલી કે મહિલાઓ આધુનિક દેખાવા માટે આછકલા વો પહેરવાનું ટાળે. આ ટકોરે ઠીક ઠીક વિવાદ સર્જ્યો હતો. ખરું પૂછો તો એમની આ ટકોર સમયસરની હતી.
અંગો ઊઘાડાં દેખાય એવાં વસ્ત્રોમાં સજ્જ હો અને કોઇની આંખમાં વિકાર જન્મે તો દોષ માત્ર વિકારી દ્રષ્ટાનો ન ગણાય. એ તો એકપક્ષી વાત થઇ. મોડર્ન વસ્ત્રો પહેરનાર પણ એટલા જ જવાબદાર ગણાય. એ દ્રષ્ટિએ ગરબાનો ગૂઢાર્થ સમજવા જેવો છે. મૂળ ગર્ભ શબ્દ પરથી ગરબો શબ્દ આવ્યો. ગર્ભમાં દીવો એટલે ઘટઘટમાં પ્રભુનો વાસ. યથા પિંડે તથા બ્રહ્માંડે. ગર્ભમાં દીવો એટલે અજ્ઞાનથી ભરેલા દેહમાં જ્ઞાનના દીપકનો ઉજાસ. એ દ્રષ્ટિએ દરેક નરનારી હરતા ફરતા ગરબા રમે છે. દરેકના દેહમાં ઇશ્વરનો વાસ ટમટમતી જ્યોત રૂપે રહેલો છે. ગરબે રમતી વખતે કે દાંડિયા રાસ લેતી વખતે ગરબાનો આ ગૂઢાર્થ સતત યાદ રહેવો જોઇએ. ગવાઇ રહેલા પદોના શબ્દો ભલે આધુનિક હોય, દ્વિઅર્થી ન હોય એ મહત્ત્વનું છે.
ઔર એક વાત. દરેક મહોલ્લા, પોળ, શેરી, સોસાયટી કે પ્રદેશની બહેન-દીકરીઓની રક્ષાની જવાબદારી સ્થાનિક યુવકોની ગણાય. બહારના છેલબટાઉ રૂપઘેલા યુવાનો ગરબા નૃ્ત્યમાં ઘુસી જાય તો એ સ્થાનિક યુવાશક્તિની બેદરકારી ગણાય. ગરબા ગાયનમાં જેમ સૂરતાલ જળવાઇ રહે એ અનિવાર્ય છે એ જ રીતે સ્થાનિક યુવાનો આંખમાં તેલ આંજીને ચોતરફ દ્રષ્ટિ ઘુમાવતાં રહે એ આજની તાતી જરૂરિયાત છે. નાચવાના ઉત્સાહમાં આ જવાબદારી ભૂલી જવાય તો એ અક્ષમ્ય છે. ખુદ નવદુર્ગા આપણને એ વાત સમજાવે છે. માણસમાં પશુતા જાગ્રત થાય ત્યારે સગ્ગી માતા પણ પુત્રને ઠાર કરતાં અચકાતી નથી.
અસુર એટલે ગૂમરાહ થયેલાં સંતાનો. નામ ભલે ગમે તે હોય, ચંડમુંડ કહો કે મહિષાસુર કહો, એ પણ માતાની કૂખે જન્મેલા અને માર્ગ ભૂલેલાં સંતાનો. એમનામાં જાગી ઊઠેલા આસુરી પરિબળોને હણી નાખવા માતા હાથમાં ત્રિશુળ અને ખડ્ગ ઉપાડે છે. ગરબે રમનાર દરેક યુવકે આ વાત ખાસ યાદ રાખવાની છે. આસુરી તત્ત્વને નષ્ટ કરવાનું છે. કવિએ પણ કહ્યું છે, હણો ના પાપીને દ્વિગુણ બનશે પાપ જગનાં... રોમિયોની આંખમાં પ્રગટતા વિકારને નષ્ટ કરવાનો છે. એ બહુ મોટી જવાબદારી છે. એટલી સજગતા દેખાડી શકો તો જરૂર ગાઓ- રંગે રમે આનંદે રમે આજ નવદુર્ગા રંગે રમે... નવરાત્રિની ઊજવણી કરતી વખતે આ નમ્ર સૂચન ધ્યાનમાં રહે તો દરેકના વ્યક્તિત્વમાં નવરંગી ઉમંગ અને આનંદ પ્રગટશે. આપણી બહેન-દીકરીઓ અસામાજિક પરિબળોનો શિકાર બનતાં અટકશે. થોડામાં કહ્યું છે, ઝાઝું કરીને વાંચજો વીરા... !