સૌના સાથ સૌના વિકાસ સાથે સૌનો વિશ્વાસ સૌના પ્રયાસની જરૃર

Updated: Nov 11th, 2021


Google NewsGoogle News
સૌના સાથ સૌના વિકાસ સાથે સૌનો વિશ્વાસ સૌના પ્રયાસની જરૃર 1 - image


-સોનગઢના ગુણસદા ગામે ભાજપના સ્નેહમિલન સમારોહમાં મુખ્યમંત્રીએ આદિવાસી સમાજના વિકાસ માટે મક્કમતા બતાવી

વ્યારા

તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ગુણસદા ખાતે  શ્રીજી ગોપાલ ગૌશાળાની સામે  મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષપણા હેઠળ ભાજપનો દિવાળીની શુભેચ્છા મુલાકાત-સ્નેહમિલન કાર્યક્રમ  યોજાયો હતો.જેમાં તેમણે જણાવ્યું હતું કે, સૌનો સાથ સૌનો વિકાસ સાથે આજે સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસની જરૃર છે.

મુખ્ય મંત્રી  ભુપેન્દ્ર પટેલે સ્નેહ મિલન કાર્યક્રમમાં તેઓના ૧૨ મિનિટના ભાષણમાં જણાવેલ મારો સ્વભાવ થોડો ઠંડો છે, ટ્વેન્ટી ટ્વેન્ટી રમવા વાળો હું નથી રાજકારણમાં હરીફાઈ હોય પણ આપણે તો કામ કરવાનું છે. વિકાસના કામોમાં જે બીજા બધા જિલ્લામાં કામ થયું છે.એ બધીજ સગવડો આદિવાસી પટ્ટામાં પણ આપણે ઉભું કરવા જઈ રહ્યા છે. કોઈ પણ રીતે આદિવાસી જિલ્લો પાછળ ન પડે તે માટેના મારા પ્રયત્નો હશે. જેમાં,શિક્ષણ, રોડ, લાઇટ, પાણી, કૃષિ, સિંચાઇથી માંડી તમામ પ્રકારની વ્યવસ્થાઓ  તમને મળી રહે,જ્યાં જ્યાં તકલીફો હશે આપણે સાથે મળીને દૂર કરશું. વધુમાં સંગઠન બાબતે જણાવેલ આપણે કોઈને વચ્ચે ઘુસવા દેવાની આવશ્યકતા નથી આપણે એક છે અને એક જ રહેવાનું છે. ઇલેક્શન આવીને ઇલેકશનનું વર્ષ જતું રહેશે, પહેલા સામે વાળાને એક બે સીટ આપી જીતતા હતા હવે એકલા હાથે તમામ સીટ મક્ક્મતાથી જીતવી છે. વડાપ્રધાનના આત્મનિર્ભર ભારતની જેમ ગુજરાત ને પણ આત્મનિર્ભર બનાવવાનો સંકલ્પ કરીએ એમ જણાવ્યું હતું. પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ સી.આર. પાટીલે સરકારની અનેકવિધ યોજનાઓના લાભો લોકો સુધી પહોચાડવા ઉપસ્થિત સૌને અનુરોધ કર્યો હતો. તથા તેનો લાભ મહત્તમ લોકોને મળે તેવી કામગીરી કરવા પર ખાસ ભાર મુક્યો હતો. કૃષિ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજ્યમંત્રી મુકેશ પટેલ અને આદિજાતિ વિકાસ, અન્ન,નાગરિક પુરવઠો અને ગ્રાહક સુરક્ષા મંત્રી નરેશ પટેલે સરકારી યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી આપી સૌને તેનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.

 


Google NewsGoogle News