હાથી જેવું સ્વરૂપ ધરાવતો જાફરાબાદી પાડો તાપી જિલ્લામાં બન્યો આકર્ષણનું કેન્દ્ર
તાપી, તા. 25 ડિસેમ્બર 2018, મંગળવાર
જંગલમાં તોફાન મચાવતો હાથી આપણી પાસે આવી જાય તો આપણો જીવ તાળવે ચોંટી જાય અને આપણે એ હાથીથી દૂર ભાગવાની કોશિષ કરીએ છે. તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના કલકવા ગામના પશુપાલક જયપ્રકાશભાઈને ત્યાં એક પાડો છે જેનું વજન આશરે 1200 કિલો જેટલું છે લંબાઈ 10 ફૂટ અને ઉંચાઈ 5 ફૂટ 8 ઈંચ જેટલી છે. આ ચાર વર્ષીય પાડો તેના વિકરાળ સ્વરૂપના કારણે સમગ્ર તાપી જિલ્લામાં આકર્ષણનું કેન્દ્ર બનવા પામ્યો છે. હાથી જેવુંજ વિકરાળ રૂપ ધરાવતા એક પાડાની રસપ્રદ વાતો પણ જાણવા જેવી છે.
તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના કલકવા ગામે રહેતા જયપ્રકાશભાઈ વર્ષોથી ખેતી અને પશુપાલનનના વ્યવસાય સાથે સંકળાયેલા છે પરંતુ ખેતી કરતા તેઓને પશુપાલનમાં વિશેષ રૂચિ હોવાને લઈ તેમણે પશુપાલનને વ્યવસાય તરીકે અપનાવ્યો છે અને એક ઉચ્ચ ગુણવત્તા ધરાવતો જાફરાબાદી પાડાનો ઉછેર કરે છે અને પાડા થકી તેમની સારી એવી આવક પ્રાપ્ત થાય છે. માત્ર 4 વર્ષની ઉંમર ધરાવતો આ કદાવર પાડો મહિનામાં 40 થી 45 વખત બીજદાન કરે છે અને તેની ઓલાદ પણ તેના જેવી કદાવર અને ગુણવતા વાળી જ જન્મે છે તેમજ હાથી જેવું કદાવર રૂપ ધરાવતો આ જાફરાબાદી પાડો સમગ્ર જિલ્લામાં પ્રથમ હશે.
તેઓ કહે છે કે, બીજદાનની માંગ વધે તે માટે આ પાડાને કેલ્શિયમ અને પ્રોટીન યોગ્ય માત્રામાં પીરસવામાં આવે છે. તાપી જિલ્લામાં કુત્રિમ રીતે બીજદાન પર પશુપાલકો વધુ નિર્ભર છે પરંતુ 1200 કિલોનું વજન ધરાવતો આ પાડો જેની લંબાઈ 10 ફૂટ અને ઉંચાઈ 5 ફૂટ 8 ઈંચ છે આવા ઉચ્ચ ગુણવતાના જાફરાબાદી પાડા પાસે બીજદાન કરાવવામાં આવે તો તેની ઓલાદ ઉચ્ચ ગુણવતાની આવે છે એવું પશુપાલકોનું માનવું છે. આવા ઉચ્ચ કક્ષાના પાડાને ખરીદદારોએ 20 લાખ જેટલી કિંમતે પણ માંગ્યો છે પરંતુ પરિવારના સદ્શ્યની ઉછેરેલા આ પાડાના માલિકે તેને વેચવા માટે સ્પષ્ટ ઇન્કાર કર્યો હતો.
સમગ્ર ગુજરાતમાં આ પ્રકારનો જાફરાબાદી પાડો કદાચ જોવા ન મળે ત્યારે તાપી જિલ્લાના એક નાનકડા આંતરિયાળ ગામમાં પશુપાલક દ્વારા આ પાડાનો ઉછેર થી રહ્યો છે તો સરકાર સરકાર દ્વારા આવા પશુપાલકોને ચોક્કસ માર્ગદર્શન આપી વિશેષ અવસર આપવામાં આવે તો પશુપાલનના વ્યવસાયને વધુ વેગ મળે અને એની સાથે આવા પશુપાલકોનું જીવન ધોરણ પણ ઉંચુ આવી શકે તેમ છે.