કરોડોના ખર્ચે બનેલા તાપી રિવરફ્રન્ટ ઉપર પારાવાર ગંદકી
- તાપી નદીના વૉક વે ઉપર માણસ નહીં ઢોરો કરી રહ્યા છે વોક
સુરત, તા. 23 નવેમ્બર 2021 મંગળવાર
સુરત મહાનગરપાલિકા દ્વારા તાપી નદી પર કરોડો રૂપિયાના ખર્ચે રિવરફ્રન્ટ બનાવાયા બાદ મહાનગરપાલિકા દ્વારા તેની જાળવણી ન કરાતા આ રિવરફ્રન્ટ હાલ ગંદકીથી ખદબદી રહ્યો છે. અહીં બનાવવામાં આવેલા વોક વે પર માણસો નહીં પરંતુ રખડતા ઢોર વહેલી સવારે વોક કરતા નજરે પડે છે.
લોકોની સલામતી માટે મુકેલા રેલીંગના લોખંડના પાઇપ ની ચોરી થઇ ગઇ હોવાથી અકસ્માત થવાનો સતત ભય રહેલો છે. યોગ્ય જાળવણીના અભાવે આ જગ્યા પર ધીરે ધીરે સામાજિક તત્વો કબજો કરી રહ્યા છે.
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ની જેમ સુરત મહાનગરપાલિકાએ મોટે ઉપાડે તાપી રિવર ફ્રન્ટ બનાવ્યો છે. રિવરફ્રન્ટ બનાવવા માટે કરોડો રૂપિયાનું આંધણ કર્યા બાદ તેની જાળવણી કે સફાઈ કરવામાં તંત્ર વામણું પડી રહ્યું છે. અહીં સફાઈ થતી ન હોવાને કારણે એક ઠેકાણે ગંદકીના ઢગ જોવા મળી રહ્યા છે.
આટલું જ નહીં આ રિવરફ્રન્ટ પણ લોકોને બદલે રખડતા ઢોરો વોક કરી રહ્યા હોય તેવા દ્રશ્યો રોજ સવારે જોવા મળે છે. આવી વાત પર લોકોનું સ્વાસ્થ્ય સુધરે તે માટે તાપી નદી કિનારે વોક વે બનાવવામાં આવ્યો છે. તાપી નદીને અડીને વોક વે હોવાથી લોકોની સલામતી માટે અહીં લોખંડની પાઇપ ની રેલીંગ કરવામાં આવી હતી. પરંતુ પાલિકાની બેદરકારીને કારણે કેટલાક અસામાજીક તત્વો ટુકડે ટુકડે રેલિંગ ના પાઈપો ચોરી જતા લોકોની સલામતી જોખમમાં છે.
રિવરફ્રન્ટ ની જાળવણીમાં તંત્ર ઉદાસીન હોવાથી કેટલાક લોકોએ આ જગ્યાને જાહેર સોચાલય બનાવી દીધું છે.પાલિકા તંત્ર નો સ્વચ્છતા સર્વેક્ષણ માં બીજો ક્રમ આવતા તંત્ર પહેલો નંબર કેમ ન આવ્યો તે માટે સર્વે કરી રહી છે. જો પાલિકા તંત્ર રિવરફ્રન્ટ જેવા અન્ય પ્રોજેક્ટની જાળવણી કરવા સાથે સફાઇની કામગીરી કરે તો જ સુરતનો સ્વચ્છતા સર્વેક્ષણ માં પહેલો નંબર આવી શકે છે.