ત્રીજી લહેરના ભણકારા : આખરે ભારતમાં કોરોનાની ત્રીજી લહેરની દુઃખદ શરૂઆત થઈ ગઈ છે
આખરે ભારતમાં કોરોનાની ત્રીજી લહેરની દુઃખદ શરૂઆત થઈ ગઈ છે. દરરોજના ચાલીસ હજારથી વધુ કેસ થવા લાગ્યા છે. આ આંકડો બહુ ઝડપથી ઊંચે જવાનો છે. અત્યારે કેરળ અને તમિલનાડુ કોરોનાની ત્રીજી લહેરનું વતન બની ગયા છે. આ વાયરસ એના સર્વ નવીન રૂપ સાથે બહુ ઝડપથી ભારતમાં ફેલાઈ જવાની વૈજ્ઞાાનિક તબીબોને આશંકા છે. સામાન્ય રીતે કોરોના પરાકાષ્ઠાએ પહોંચે પછી દેશમાં પગલાં લેવામાં આવે છે.
આ વખતે સરકારે આગમચેતી રાખીને એક તો મેડિકલ વ્યવસ્થાતંત્રનો વિસ્તાર કરેલો છે અને દસથી વધુ રાજ્ય સરકારોને સૂચના આપી આપી છે કે બહુ એડવાન્સ પગલાં લેવા માટે તેઓ વિચાર કરવાની શરૂઆત કરે. ભારતમાં અત્યારે ચાર લાખથી વધુ લોકો સારવાર હેઠળ છે. એક અંદાજ પ્રમાણે પાંચ ટકાના દરે કોરોનાના કેસ વધી રહ્યા છે. ભારતમાં એક તરફ કોરોનાથી મુક્તિનો રોમાંચ અનુભવતા લોકોના પ્રવાસ-પર્યટનનો વધી ગયા છે અને બીજી તરફ થાળે પડી રહેલા સામાન્ય જનજીવન દ્વારા પણ માથે લટકતી તલવાર તરફ ઉપેક્ષા સેવવામાં આવી રહી છે.
ગયા એપ્રિલ-મે માસ દરમિયાન ભારતમાં આવેલી કોરોનાની બીજી લહેરની તૈયારી તો કોઈએ કરી ન હતી અને એને કારણે મૃત્યુઆંક બહુ ઊંચે જતા રહ્યા હતા. બીજી લહેર વખતે એક કેસના સંદર્ભમાં સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે જો ત્રીજી લહેર આવશે તો બાળકો ખુદ તો હોસ્પિટલ જઈ શકતા નથી. તો કોરોના બાળકોને નિશાન ન બનાવે એ માટે ભારત સરકારે શું તૈયારીઓ કરી છે ? જો બાળકોને આઈસોલેશનમાં રાખવાનો પ્રસંગ આવે તો એ સાર સંભાળ ઘણી અઘરી પડી શકે છે. હજુ એ માન્યતાનું ખંડન થઇ શક્યું નથી કે ત્રીજી લહેર બાળકોને નિશાન બનાવશે.
બાળકોને કોરોનાથી બચાવવા માટે કેન્દ્ર સરકારે શું તૈયારીઓ કરી છે ? એનો જવાબ કેન્દ્રના આરોગ્ય મંત્રાલય પાસે નથી. પરંતુ સાથોસાથ દેશના લાખો તબીબી કાર્યકર્તાઓને ત્રીજી સામે લડવા આરોગ્યલક્ષી તાલીમ આપવામાં આવી છે. ઉપરાંત દેશની સંખ્યાબંધ હોસ્પિટલોમાં બેડ સુવિધા અભિવૃદ્ધ કરવામાં આવી છે. સરકારે કેટલાક નવા ઓક્સિજનના પ્લાન્ટ તૈયાર કર્યા છે અને કોર્પોરેટ જાયન્ટ કંપનીઓ પણ દરદીને પ્રાણવાયુ પૂરો પાડી શકે એવા ઓક્સિજન પ્લાન્ટ તૈયાર કરવામાં વ્યસ્ત છે.
હવે એવી અનેક હોસ્પિટલો અસ્તિત્વમાં આવી છે કે જેની પોતાની પાસે જ ઓક્સિજન પ્લાન્ટ છે. આ સ્થિતિ એક રીતે તો સારી છે, પરંતુ જો બીજી લહેર જેવી જ ત્રીજી લહેર હોય તો આ તૈયારીઓ હજુ પણ અપૂરતી છે. સર્વોચ્ચ અદાલતે આજથી બે મહિના પહેલા ભારત સરકાર પાસે બાળકોને વેક્સિન આપવા અંગેના માસ્ટર પ્લાનની વિગતો ચાહી હતી, પરંતુ એ દિશામાં કોઈ નક્કર કામ થઈ શક્યું નથી. હા એવા વૃત્તાંત ચોક્કસ વહેતા થયા છે કે બાળકોને વેક્સિન આપવા માટેની વૈજ્ઞાાનિક ફોર્મ્યુલા ટૂંક સમયમાં જ ઉપલબ્ઘ કરાવવામાં આવશે. પરંતુ જ્યાં મોટેરાઓને વેક્સિન આપવા માટેનું વ્યવસ્થા તંત્ર હજુ ગોથા ખાઈ રહ્યું છે ત્યાં બાળકોનો અગ્રતાક્રમ સંપૂર્ણ રીતે લાપતા છે.
અમેરિકન કંપની ફાઈઝરે બાળકો માટેની વેક્સિન તૈયાર કરી છે. પરંતુ એને ભારતમાં આવવાને બહુ લાંબો સમય લાગી જશે. અઢાર વર્ષથી મોટી ઉંમરના લોકો માટે ફાઈઝરે બનાવેલી વેક્સિન પણ ભારતમાં આવી નથી તો બાળકો માટેની વેક્સિન આવવાનો તો કોઈ પ્રશ્ન જ રહેતો નથી. કોરોનાની બીજી લહેર અને ત્રીજી લહેર વચ્ચે જે સમય પસાર થયો અને હજુ પણ થઈ રહ્યો છે એ સમયમાં બાળકો માટેની વેક્સિન તૈયાર થઈ જવી જોઈતી હતી. પરંતુ એમ થઈ શક્યું નથી.
ભારતમાં કોરોનાની ત્રીજી લહેર એની પરાકાષ્ઠાએ ક્યારે પહોંચશે એનું કોઈ અનુમાન થઈ શકે એમ નથી. પરંતુ દુનિયાના બીજા દેશોની સ્થિતિનું આંકલન કરીને એનો અંદાજ બાંધી શકાય છે. અમેરિકામાં બીજી અને ત્રીજી લહેર વચ્ચેનું અંતર માત્ર અઢી મહિનાનું હતું અને બીજી લહેરની તુલનામાં સૌથી વધુ મૃત્યુ ત્રીજી લહેરમાં થયા હતા. સૌથી ખતરનાક પણ ત્રીજી લહેર જ હતી. અમેરિકામાં આ ત્રીજી લહેર દોઢ મહિના સુધી ચાલી હતી. અમેરિકાને ખબર જ પડી ન હતી કે બીજી લહેર ક્યારે પૂરી થઈ ગઈ અને ત્રીજી ક્યારે શરૂ થઈ. ભારતમાં જોવા મળ્યું છે કે બંને લહેરો વચ્ચે ચોક્કસ અંતર હોય છે. એક લહેર પૂરી થઈ જાય છે, એટલે જાણે કે કોરોના હતો જ નહીં એવું વાતાવરણ થઇ જાય છે અને છેતરાઈને પ્રજા ખુશનુમા ખયાલમાં અહીં-તહીં રખડવા લાગે છે. ઉપરાંત કોરોના પ્રતિરોધક જે માસ્ક અને દો ગજ કી દૂરી જેવા નિયમો છે, એનું પાલન પણ ધીમું પડી જાય છે. પ્રજાની આ બેહોશીનો લાભ લઈને બરાબર ત્યારે જ કોરોનાની નવી નવી લહેર ત્રાટકે છે.