હેમન્ત ઋતુના પવનો .
એમ લાગે છે કે હજુ શિયાળાની શરૂઆત થઇ નથી, પરંતુ શિયાળાની શરૂઆત થવાનો ખરેખર આ સમય નથી. આતો હેમંત ઋતુ છે અને એમાં હંમેશા ફૂલગુલાબી ઠંડી હોય છે. ભારતીય પ્રજા જરૂર કરતાં એટલી બધી વધારે રાજકીય પ્રવૃત્તિઓમાં ડૂબી ગઈ છે કે કુદરતને ઓળખવાનું ભૂલી ગઈ છે. હેમંત ઋતુમાં ઠંડી હોય ખરી પરંતુ વહેલી સવારે અને મોડી રાત્રે.
વિક્રમના નવા વર્ષમાં કારતક અને માગશર આ બંને મહિનામાં હેમંત પૂરબહારમાં ખીલે છે. હેમંત ઋતુના કારણે આપણે કાતિલ ઠંડીના મલકમાં તબક્કાવાર પ્રવેશીએ છીએ, જે ઠંડી આવવાને હજુ વાર છે. હેમંત અને શિશિર બંને ઋતુઓ મળીને શિયાળો બને છે. હજુ તો વનરાજિના પાંદડાઓ લીલાછમ છે. એના પર પીતામ્બર જેવા પીળા રંગનો પ્રકૃતિ અભિષેક ન કરે ત્યાં સુધી સૂસવાટા મારતા શીતળ પવનો શરૂ થતા નથી.
ખરેખર તો આ હેમંત ઋતુ જ શિયાળાને ભોગવવાની અને ખુલ્લા આભ તળે આનંદ લેવાની મોસમ છે. ઘઉંના ખેતરો લહેરાવા લાગ્યા છે, પરંતુ હજુ એને કેડસમાણા થતાં થોડી વાર લાગશે. કારણ કે આ વખતે પાછોતરા વરસાદને કારણે મોટાભાગના લોકોએ વાવણી મોડી કરી છે. અરબી સમુદ્રનું સ્વરુપ બદલાયું છે.
વૈજ્ઞાાનિકોએ જાહેર કર્યું છે કે ઘણા વર્ષોથી જેના ઢોલ વગાડવામાં આવે છે અને જગત આખાને જગાડવામાં આવે છે તે ગ્લોબલ વોમગના પ્રથમ પરિણામની હવે શરૂઆત થઈ ગઈ છે. સમુદ્રની સપાટીમાં આંશિક વધારો થયો છે. એનું કારણ કે ઉત્તર અને દક્ષિણ ધ્રુવનો બરફ પીગળવા લાગ્યો છે. પર્યાવરણવિદો જો કે એ વાત કહેવાનું એટલું બધું પુનરાવર્તન કરી ચૂક્યા છે કે વાઘ આવ્યો રે વાઘની જેમ હવે જ્યારે ખરેખર વાઘ આવ્યો છે ત્યારે એ તરફ હજુ આમ જનતાનું ધ્યાન ગયું નથી.
વિશ્વભરની ઋતુઓના ચક્રમાં ફેરફાર શરૂ થયા છે. ભારતમાં છ ઋતુઓ છે. પૃથ્વી પર કુદરતનો અનુભવ કરવા માટેનું આવું સૌંદર્ય વૈવિધ્ય દુનિયામાં બીજે ક્યાંય નથી. મહાકવિ કાલિદાસનું ઋતુસંહાર આપણને એ છ ઋતુઓનું અદભુત વર્ણન આપે છે. પરંતુ વિદ્વાન સંશોધકો કહે છે કે દુનિયાના અન્ય કેટલાક દેશોની જેમ ભારતમાં પણ ભવિષ્યમાં સમર અને વિન્ટર થઇ જશે.
વરસાદ પણ વિન્ટરમાં, બરફ વર્ષા પણ વિન્ટરમાં અને તડકો. જો કે આ ફેરફાર થતા હજી દાયકાઓ અને સદીઓ વીતી જશે. હિમાલયના પવનો આ વખતે રહસ્યમય રીતે દિશા બદલી રહ્યા છે. હવામાન શાસ્ત્રીઓ તો હજુ પણ એને ચોમાસાની વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વ્યાખ્યામાં સમાવે છે. પરંતુ એવું નથી. વિશ્વના દરેક સમુદ્રના પવનો હવે વમળ જેવા ચક્રાકાર અને એ જ આગળ જતા ચક્રવાતમાં રૂપાંતરિત થાય છે. આ વખતે અરબી સમુદ્ર પર પવનોના ઝંઝાવાત વારંવાર સર્જાય છે અને વિખેરાય છે.
એમાંના કેટલાક પવનો વાતાવરણમાં શૂન્યાવકાશનું પણ સર્જન કરે છે. અને એ સુધી શૂન્યાવકાશમાંથી જ વરસાદી તોફાન બનીને નવા નવા નામે વાવાઝોડા આવતા રહે છે. માગશર મહિનાની શરૂઆત થઇ ગઇ છે. માત્ર ચાલુ છે બે ચાર દિવસમાં પૂણમા પણ આવશે. ગુજરાતીમાં જૂની કહેવત છે કે માગશરના દિવસો મગ જેવડા હોય છે, એટલે કે સવાર મોડી પડે, સાંજ વહેલી ઝૂકી જાય.
શિયાળો આરોગ્યની ઋતુ છે, પરંતુ એમને માટે કે જેઓ આહાર વિહારમાં સર્વ સામાન્ય નિયમોનું પાલન કરે છે. જેઓ મુક્તાહારી છે, તેઓ માટે આ ઋતુ જોખમકારક છે. દુનિયાની કોઈ પણ પ્રજાનું આરોગ્ય જોવું હોય તો એટલી જ તપાસ કરવાની રહે કે શિયાળામાં દવાખાનાઓ અને હોસ્પિટલો ખાલીખમ રહે છે? એ ખાલી જ હોવા જોઈએ, કારણ કે શિયાળો પૂર્ણ તંદુરસ્તીની મોસમ છે.
શિયાળો યોગીઓને યોગ અને ભોગીઓને ભોગ આપે છે. પરંતુ આજકાલ ગુજરાતમાં જાહેર સ્વાસ્થ્ય સમસ્યાઓ છે. એની સામે સરકારી તબીબી સેવાઓ સાવ કથળેલી છે. એ જોતાં આ શિયાળો રોગીઓને અધિક રોગ આપનારો નીવડવાનો છે. ખોરાકમાં જેઓ બહુ જ સાવધાની રાખતા નથી, તેમનામાં લાંબા ગાળા સુધી આપત્તિ નોંતરનારા નાના-નાના અનેક રોગો પ્રવેશી જવાની સંભાવના છે.
અત્યારે પવનની દિશા ઉત્તરથી દક્ષિણ હોવી જોઈએ, પરંતુ એમ છે નહીં. મધ્યરાત્રિ પછી થોડીવાર માટે પવન શિયાળાની દિશામાં પ્રવેશે છે. સવાર થતાં સુધીમાં તો પવન ફરી પૂર્વ-પશ્ચિમના થઈ જાય છે. પવન માટે પૂર્વ-પશ્ચિમનો માર્ગ તો માત્ર ઉનાળામાં જ કુદરત પસંદ કરે છે. હજુ તો આ તુઓમાં આવતા પ્રારંભિક પરિવર્તનો છે. આપણુ શરીર સહસ્ત્રાબ્દિઓથી શિયાળે ઠરવા માટે, ઉનાળે તપવા માટે અને ચોમાસે પલળવા માટે ઘડાયેલું છે.
આ ક્રમમાં જે ફેરફાર થઈ રહ્યો છે હવે તે માનવ શરીરની આંતર રચનામાં મોટો ઉત્પાત મચાવનાર છે. આ સંકટમાં એ જ લોકો બચી શકે છે કે જેઓ અલ્પાહારી હોય. અને સર્વ પ્રકારના સંયમ જેમણે સિદ્ધ કરેલા હોય. એનો અર્થ એ છે કે હવે આરોગ્ય સાચવવું એ રમતા રમતા સચવાઈ જતી વાત નથી. સોશિયલ મીડિયામાં એક વાત બહુ પ્રચલિત છે કે કોઈ પણ હોસ્પિટલમાં જાઓ ત્યાં જૈન દરદીઓ ઓછા હશે અને દાતાઓ વધારે હશે. એનું કારણ જૈનોનું અદભુત આહાર વિજ્ઞાાન છે.