Get The App

વાઘનો વધતો શિકાર : હવે વાઘ પર જરા જુદી રીતે પરંતુ જીવલેણ સંકટના વાદળો ઘેરાયા છે

Updated: May 29th, 2022


Google NewsGoogle News
વાઘનો વધતો શિકાર : હવે વાઘ પર જરા જુદી રીતે પરંતુ જીવલેણ સંકટના વાદળો ઘેરાયા છે 1 - image

એશિયાઈ સિંહ પરની વિવિધ આપત્તિઓ પછી એકાએક હવે વાઘ પર જરા જુદી રીતે પરંતુ જીવલેણ સંકટના વાદળો ઘેરાયા છે. આપણે ત્યાં છેલ્લા કેટલાક સમયથી સરકાર ગેરીલ્લા પદ્ધતિથી કામ કરે છે, એટલે કે જે પ્રશ્ન ઊભો થાય એમાં ધ્યાન આપવાનું અને બાકીના બધા કામ પડયા રહેવા દેવાના. એને કારણે આજે સ્થિતિ એ આવી છે કે દેશના અનેક ક્ષેત્રોમાં સ્થિતિ જૈસે થે જેવી સ્થગિત થઈ ગઈ છે અને તેમાંના અર્ધાધિક ક્ષેત્રોમાં પતનની નોબત વાગી રહી છે. ગીરના જંગલમાં હજુ પણ સમયાંતરે સિંહ-સિંહણના મૃતદેહો ગ્રામજનોની નજરે ચડતા રહે છે. રાજ્ય સરકારે સમગ્ર ગીરના જંગલનું ઇકોલોજિકલ બેલેન્સ તપાસવું જોઈએ પણ એ કામ કોણ કરે ? જ્યાં સુધી રિસર્ચ અભિગમથી સંયોગોનું મૂલ્યાંકન કરવામાં ન આવે ત્યાં સુધી સમસ્યાનું મૂળ કારણ જંગલ ખાતાના કે સરકારના હાથમાં આવવાનું નથી. ગીરના સિંહના ચાહકો તો આપણે ત્યાં ઘેરઘેર છે, પરંતુ સિંહના પ્રશ્નોમાં ઊંડા ઉતરીને એના કારણો અને તારણો રજૂ કરનાર હવે કોઈ નથી. 

હમણાંથી વારંવાર વાઘના અપમૃત્યુની ઘટનાઓ પણ સર્જાવા લાગી છે. કેટલાક ખતરનાક શોખીનો હજુય ગુપ્ત રીતે સાહસ કરીને વાઘનો શિકાર કરી રહયા છે અને ક્યાંક તો વાઘ પણ વિવિધ દુર્ઘટનાનો ભોગ બનીને મોતને ઘાટ ઉતરી રહ્યા છે. ઓરિસ્સાના જાણીતા સતકોસિયા અભયારણ્યમાં મહાવીર નામનો એક વાઘ મૃતઃપ્રાય સ્થિતિમાં મળી આવ્યો. મહત્ત્વની વાત એ છે કે આ વાઘને પ્રાયોગિક તબક્કામાં ઓરિસ્સાના જંગલમાં લાવવામાં આવ્યો હતો. આ વાઘનું વતન મધ્યપ્રદેશ હતું. મધ્યપ્રદેશમાં વાઘ પ્રત્યે લોકોને સહાનુભૂતિ અલ્પ અને ભય અધિક છે. કારણ કે સિંહમાં જે શાલીનતા છે તે વાઘમાં નથી. વાઘ અત્યંત ચપળ, ચાલાક અને હુમલાખોર હોય છે. શિકાર કરી લીધા પછી પણ અકારણ વાઘ શિકાર કરતો જ રહે છે. જ્યારે સિંહ ભૂખ્યો ન હોય તો શિકાર કરતો નથી. મધ્યપ્રદેશથી ઓરિસ્સા લાવવામાં આવેલા વાઘના અચાનક રહસ્યમય મોતથી વાઘના આંતરરાજ્ય સ્થાનાંતરણના કેન્દ્ર સરકારના પ્રયોગને ઝટકો લાગ્યો છે. હજુ સુધી ઓરિસ્સાના આ વાઘના મોતનું રહસ્ય ઉકેલાયું નથી.

આની પહેલા એક વાઘણને મારવાની ગ્રામજનોએ કોશિશ કરી હતી. ઓરિસ્સાની પ્રજા ગરીબ છે અને જંગલના વિસ્તારમાં વેરવિખેર હજારો નાગરિકો નાની વસાહતો બાંધીને વસે છે. તેઓ કોઈ પણ રીતે અહીં વાઘનું સ્વાગત કરી શકે એમ નથી, પરંતુ સરકારે માત્ર જંગલ જોઈને જ વાઘના સ્થાનાંતરણની યોજના ઘડી છે. એટલે વનવાસી નાગરિકો માટે પણ આ એક નવું સંકટ છે. જે વાઘણને મારવા માટે ગ્રામજનો અને વનવાસીઓ પીછો કરતા હતા તેઓ એમ કહેતા રહે છે કે આ વાઘણ આદમખોર એટલે કે માનવભક્ષી છે. ગત સપ્તાહે મહારાષ્ટ્રના ચિચપલ્લી ફોરેસ્ટ રેન્જમાં વાઘના ત્રણ બચ્ચાઓ એક સાથે રેલ્વે ટ્રેક પર ધસમસતી ટ્રેનમાં મોતને ભેટયા. 

આ ઉપરાંત યવતમાલ વનક્ષેત્રમાં પણ એક વાઘણને વનવાસીઓએ મોતને ઘાટ ઉતારી દીધી. આપણે ત્યાં હિંસક પશુઓ સામે સ્વરક્ષા કરવા માટે વનવાસીઓ કે ખેડૂતો દ્વારા થતા સામા હુમલા અંગેના કાયદાઓમાં પણ ઘણી વિસંગતતા છે. ગીરના સિંહ પર કુહાડીના ઘા કરનાર ખેડૂતનો વિવાદ પણ ઉક્ત ઘટનાઓને સમાંતર ગુજરાતમાં અત્યારે ચર્ચાના ચકડોળે ચડેલો છે. વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન સોસાયટી ઓફ ઇન્ડિયાના નવા અહેવાલ પ્રમાણે છેલ્લા બે વરસમાં દેશમાં ૨૦૦થી વધુ વાઘના મોત નીપજ્યા છે. જેમાં ૬૦થી વધુ વાઘનો તો શિકાર કરવામાં આવ્યો છે. એનો અર્થ છે કે જંગલ ખાતાનો કે અન્ય સંબંધિત સરકારી વિભાગોનો શિકારીઓ પર કોઈ અંકુશ નથી. 

જંગલ ખરેખર જંગલ હોય છે અને એ માટે અતિ વિશિષ્ટ વિજિલન્સની જરૂર પડે છે જે સરકાર પાસે નથી. ઇ.સ. ૨૦૧૪ની છેલ્લી ગણતરી પ્રમાણે દેશમાં વાઘની કુલ સંખ્યા ૨૨૨૬ હતી. એક જમાનામાં વાઘનો શિકાર રાજા- મહારાજાઓ પોતાની બહાદુરી પૂરવાર કરવા માટે કરતા હતા પરંતુ હવે તો વાઘનો શિકાર આંતરરાષ્ટ્રીય તસ્કરી માટે થાય છે. કારણ કે વાઘના શરીરના વિવિધ ઘટક તત્ત્વો વાજીકરણથી શરૂ કરીને તંદુરસ્તીના અનેક પ્રયોગોમાં ઉપયોગમાં લેવામાં આવે છે. વાઘના શરીરનો સૌથી મોટો ગ્રાહક ચીન છે. ચીનના જૂની પદ્ધતિના વૈદરાજો વાઘના શરીરમાંથી અનેક રહસ્યમય ઔષધિઓનું નિર્માણ કરે છે અને તેને આંતરરાષ્ટ્રીય બજારમાં લાખો ડોલરના ઊંચા ભાવે વેચે છે.


Google NewsGoogle News