Get The App

પ્રાણપંખેરું ક્યાંથી કેવી રીતે ઊડી જાય છે ?

Updated: Aug 17th, 2021


Google NewsGoogle News
પ્રાણપંખેરું ક્યાંથી કેવી રીતે ઊડી જાય છે ? 1 - image


- ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ

- જીવમાત્રને એક માત્ર મૃત્યુનો ડર હોય છે. એ ડર નીકળી જાય તો એની અંતિમ પળો સુધરી જાય

લગભગ દોઢ બે વર્ષ પહેલાં એક સરસ વિડિયો ક્લીપ વોટ્સ એપ પર ફરતી થઇ હતી. કદાચ તમે પણ જોઇ હશે. જેના જીવનની અંતિમ ઘડીઓ ગણાઇ રહી હતી એવા એક દર્દીના પરિવારની પરવાનગી સાથે આ પ્રયોગ હાથ ધરાયો હતો. કાચની પેટીમાં દર્દીને સુવડાવીને એના શરીરના કેટલાક અવયવો સાથે ઇલેક્ટ્રોડ જોડેલા હતા. એ ઓરડાની એક દિવાલ પારદર્શક કાચની હતી. એ તરફના બાજુના ઓરડામાં કેટલાક વિજ્ઞાાનીઓ કોમ્પ્યુટર્સ સાથે બેઠા હતા. દર્દીના શરીરમાંથી પ્રાણપંખેરું કે ચૈતન્ય શી રીતે બહાર નીકળે છે એ સમજવાનો આધુનિક વિજ્ઞાાનનો પ્રયાસ હતો.

વિજ્ઞાાનીઓ એકીટસે દર્દીની કાચની પેટીને જોઇ રહ્યા હતા. અચાનક કાચની પેટીની એક દિવાલમાં તિરાડ પડી. કેટલોક હિસ્સો તૂટયો. કોઇ રહસ્ય ફિલ્મનું દ્રશ્ય હોય એમ દર્દીવાળો ઓરડાનો દરવાજો અંદરથી આપોઆપ ઊઘડયો. કશુંક પસાર થઇ ગયું. દર્દીના શરીરના કયા હિસ્સામાંથી પ્રાણપંખેરું ઊડી ગયું એની સમજ કોમ્પ્યુટર્સને કે વિજ્ઞાાનીઓને પડી નહીં.

મહાભારતના યક્ષ પ્રકરણમાં યક્ષે યુધિષ્ઠિરને આ જ સંદર્ભમાં પ્રશ્ન પૂછયો હતો. સૃષ્ટિનું સૌથી રોમાંચક વિસ્મય કયું છે ? (શબ્દોમાં કદાચ આઘાપાછી હોઇ શકે.) યુધિષ્ઠિરે જવાબ આપેલો કે મૃતદેહને સ્મશાને લઇ જઇને અગ્નિદાહ આપ્યા પછી બહાર આવતો માણસ ફરી સંસારની આપાધાપીમાં મગ્ન થઇ જાય છે એ સૌથી મોટું વિસ્મય છે. માણસને ખ્યાલ આવતો નથી કે મારી પણ આ સ્થિતિ થવાની છે.

શ્રીમદ્ ભગવદ્ ગીતામાં કહ્યું, જાતસ્ય હિ ધુર્વો મૃત્યુ: લોકસાહિત્યની ભાષામાં કહે છે જન્મ્યા એટલા જાવાના. એક કવ્વાલીની પંક્તિ હતી- મૌત કિસ રૂપ મેં આકર તુઝે લે જાયેગી, યહ હકીકત તેરી તો સમજ મેં ન આયેગી...

છેલ્લાં સો દોઢસો વરસમાં વિજ્ઞાાનની વિવિધ શાખાઓએ ગજબની શોધો કરી છે. ઇશ્વર તત્ત્વ (ગોડ પાર્ટિકલ)ની શોધનો પણ દાવો કરાયો હતો. માનવ શરીરના વિવિધ કૃત્રિમ અવયવો પણ બનાવ્યા. પરંતુ અંતિમ પળોમાં પ્રાણતત્ત્વ કે ચૈતન્ય શરીરમાંથી શી રીતે ઊડી જાય છે એ હજુ વિજ્ઞાાનને સમજાયું નથી. માની કૂખમાં બાળક શી રીતે પાંગરે છે એ કેટલેક અંશે સમજાયું છે પરંતુ ચૈતન્ય શી રીતે ઊડી જાય છે એ સમજાયું નથી. ઓશો રજનીશ કહેતા, મૈં મૃત્યુ સીખાતા હું... માણસ ગમે તેવો ચમરબંધી હોય, મૃત્યુના અણસાર માત્રથી રૂની પૂણી જેવો થઇ જાય છે. જીવમાત્રને એક માત્ર મૃત્યુનો ડર હોય છે. એ ડર નીકળી જાય તો એની અંતિમ પળો સુધરી જાય.  

ગાંધીવાદી કવિ કરસનદાસ માણેકનું એક અદ્ભૂત કાવ્ય છે. એ કાવ્યમાં કવિ મૃત્યુ માગે છે. કવિને કેવું મૃત્યુ જોઇએ છે ? માણવા જેવું છે- 'આ થયું હોત ને તે થયું હોતને, જો પેલું થયું હોત, અંત સમે એવા ઓરતડાની હોય ન ગોતાગોત, હરિ હું તો એવું જ માગું મોત... ગિરિગણ ચડતાં, ઘનવન વીંધતાં તરતાં સરિતાસ્ત્રોત, સન્મુખ સાથી જનમજનમનો અંતર ઝળહળ જ્યોત, હરિ હું તો એવું જ માગું મોત...' ગાંધીજીએ કહેલું કે જો હું પથારીમાં ટાંટિયા ઘસતાં મરી જાઉં તો માનજો કે હું મહાત્મા નહોતો. બાય ધ વે, તમે વિચારજો. તમને કેવું મૃત્યુ ગમે ?


Google NewsGoogle News