આંગણે ને હૈયે અજવાસ .
રામના અયોધ્યા આગમન સમયે અમાવાસ્યાના ગાઢ અંધકારને અજવાસમાં રૂપાંતરિત કરવા તત્કાલીન લોકો દ્વારા આનંદની અભિવ્યક્તિ કાજે પ્રગટાવાયેલા દીવડાઓએ ભારતીય સંસ્કૃતિમાં આજના દીપોત્સવની પરંપરા સ્થાપિત કરેલી છે. બજારમાં આ વરસે તેજીનો તોખાર ઘણા વરસો પછી હણહણાટ કરતો સંભળાયો. પ્રજાની ચેતનામાં ઉત્સવ એનું પ્રાણતત્ત્વ છે. બજારમાં ઘરાકીના મહાનદને સમાંતર ઓનલાઈન શોપિંગની પણ ધૂમ મચેલી જોવા મળે છે. અગાઉ કેટલાક સમય માટે ભારતમાં ઓનલાઇન શોપિંગનો જોરદાર વિરોધ થયો હતો અને ઓફલાઈન શોપિંગ માટે હિમાયત થઈ હતી, પરંતુ એમાં પણ ચાઈનીઝ ઉત્પાદનોના બહિષ્કારની જેમ એક ઉભરો આવીને શમી ગયો હતો.
આજે પરિસ્થિતિ એ છે કે હજુ ઓનલાઇન શોપિંગ સતત વધતું જ જાય છે અને છૂટક વેપારીઓ માટે તથા જેને આપણે ગુજરાતી પ્રજા ખરા અર્થમાં બજાર કહે છે તે બજાર લુપ્ત થતી જાય છે. આજે ભારતીય પ્રજા દુનિયામાં ત્રીજા નંબરની સૌથી મોટી ઓનલાઈન શોપિંગ ક્ષમતા ધરાવે છે. માત્ર અમેરિકા અને ચીન જ ભારતથી આગળ છે. ઈ. સ. ૨૦૩૦ સુધીમાં ભારતમાં ઓનલાઈન ગ્રાહકોની સંખ્યા પચાસ કરોડ સુધી પહોંચી જવાની ધારણા છે. દિવાળીના તહેવારોમાં બજારમાં ખરીદીનો જે માહોલ દેખાય છે એ બહુ જ પ્રસંગિક હોય છે. છેલ્લાં કેટલાક વર્ષોથી મધ્યમ વર્ગ અને ઉચ્ચ મધ્યમ વર્ગ બંને એક થઈ ગયા છે. વાસ્તવિક રીતે જુઓ તો હવે ઉચ્ચ મધ્યમ વર્ગ અસ્તિત્વ ધરાવતો જ નથી. હવે બે જ વર્ગ રહ્યા છે - મધ્યમ વર્ગ અને ઉચ્ચ વર્ગ એટલે કે આર્થિક મધ્યમ વર્ગ અને આવકની દ્રષ્ટિએ ઉચ્ચ વર્ગ.
કેટલાક લોકો મધ્યમ વર્ગમાંથી ઉચ્ચ વર્ગમાં જવાનો જે પ્રયત્ન કરે છે એમાંથી એક નિયમિત કલ્ચર વિકસિત થાય છે. એને આપણે નૂતન શ્રીમંતો અથવા નિયોરિચ કહી શકીએ. આ નવશ્રીમંતોનું મનોવિજ્ઞાાન જુદા પ્રકારનું હોય છે. તેમની પાસે જિંદગીમાં પહેલીવાર એક એવી આવક આવે છે જે મહિનાના અંત પછી પણ તેમના હાથમાં જ રહે છે અને એ પરંપરા આગળ જતાં ચાલુ રહે છે. એને એક્સેસ ઇન્કમ કહેવાય છે. આ બહુ જ મહત્વનું ગ્રાહક જૂથ છે. દેશનાં તમામ બજારોને ચલાવવામાં આ જૂથનો બહુ મોટો ફાળો છે, કારણ કે અભ્યાસોને આધારે ૧૦૦માંથી ૯૯ વ્યક્તિઓની મનોવૈજ્ઞાાનિક સ્થિતિ અને પ્રકૃતિ ખર્ચાળ હોય છે. એનો બીજો અર્થ એ છે કે સો ખર્ચખોર લોકો વચ્ચે એક બચતખોર વ્યક્તિ હોય છે, જે કોઈ પણ સંજોગોમાં બચત કરે છે. કરકસરના સંસ્કાર ગુજરાતી પ્રજામાંથી ઓછા થતા જાય છે. એક જમાનો હતો કે જ્યારે આપણા દરેક ગામમાં એવા પરિવારો હતા જેને ખાનગીમાં લોકો લોભિયા તરીકે ઓળખતા હતા.
વાસ્તવમાં તેઓની જરૂરિયાતો બહુ જ ઓછી હતી અને બચતો બહુ વધારે હતી. એ લોકોએ જીવનના સુખનું એક મોડેલ રજૂ કર્યું પરંતુ દેખાદેખીના આધુનિક યુગમાં અને લોભિયા ગણાઈ જવાના ડરમાં કોઈએ એ મોડેલ સ્વીકાર્યું નહીં. પાછલી પેઢીએ એવા પણ પરિવારો જોયા છે કે જ્યાં ભરબપોરે જઈએ તો પરિવાર ભોજન કરવા બેઠો હોય, પણ ઘરના દરેક પંખા બંધ હોય. બહારથી આવનારા મહેમાને જાતે પૂછવું પડે કે કાકા, હું પંખો કરું? તો જવાબમાં કાકા એટલું જ કહે કે પંખો કરો પણ ઊભા થાઓ એટલે બંધ કરવાનું ભૂલતા નહીં. એ લોકોની તુલનામાં આજના લોકોનો હાથ કેટલો છુટ્ટો છે અને એના કેવાં કેવાં પરિણામો વર્તમાન પ્રજા ભોગવે છે એ આ જગત સમક્ષ સ્વયંસ્પષ્ટ છે. ગુજરાતી પ્રજા ઘણું બધું દરિયામાંથી લઈ આવી છે. એમાં કરકસરના સંસ્કાર પણ એને વહાણવટામાંથી મળ્યા છે. ગુજરાતના દરિયા કિનારેથી લાંબી સફરે નીકળતા વેપારી જહાજોમાં કરકસર જ એક પ્રમુખ લાક્ષણિકતા હતી. જેને કારણે અલ્પસાધન સંપન્નતા છતાં તેઓ લાંબી મુસાફરીઓ કરતા અને ગુજરાતીઓના વાવટા દુનિયાભરના બંદરો પર ફરકતા હતા.
ગુજરાતમાં અનેક નાના - નાના પરિવારો કરકસર કરીને દાનપુણ્ય કરતા. એ જ તેઓના અંત:કરણનો આનંદ હતો. ગુજરાતી પ્રજા આર્થિક સંસ્કારોમાં બહુ સમૃદ્ધ હતી. આજે સમૃદ્ધિ છે, પરંતુ કરકસર અને બચત જેવા કેટલાક આર્થિક સંસ્કારો ક્રમશ: ઝાંખા પડતા જાય છે. એનું કારણ સંયોગો છે. જોકે સંયોગો સામે ટકી રહેવાની તાકાત વિવિધ પ્રકારના સંસ્કાર જ આપે છે. શાળાઓમાં ટકાવારીના ભૂત ભરાઈ ગયા છે. તેઓ માને છે કે સંસ્કાર આપવા એ અમારો વિષય નથી. કંઈ એકલા રાજસ્થાનમાં કોટા નગર નથી. કોટા એક વિભાવના છે અને અનેક ઘરમાં સંતાનો પર ઉચ્ચ ટકાવારી હાંસલ કરાવવા ત્રાસ વરસાવે છે.આજે ભારત વિકાસના એક નવા વળાંકે આવીને ઊભું છે. એને માત્ર ઉત્સવો અને ધર્મ જ નહિ, પ્રકાણ્ડ બુદ્ધિમત્તા અને પુરુષાર્થની પણ જબરજસ્ત જરૂર છે.