નદીઓનું માર્ગ પરિવર્તન .
આપણા રાજ્યના એક પણ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે એના શહેરના ભૂસ્તરનો નકશો નથી. જે નકશો છે તે ભૂગોળનો છે. દર વખતે જ્યારે વરસાદ આવે છે અને ઘૂઘવાટા કરતા પાણી ચોતરફથી પ્રવેશે છે ત્યારે મહાપાલિકાની ટીકા કરવાની મોસમ શરૂ થાય છે. વાસ્તવિકતા એ છે કે શહેરમાં વરસાદી દિવસોમાં વ્યવસ્થાતંત્ર સંભાળવું એ હવે પાલિકાઓના કાબૂ બહાર ની વાત છે. ગુજરાતના તમામ શહેરોમાં મહાપાલિકામાં જે કોઇ પણ રાજકીય પક્ષનું શાસન હોય તેમણે દાયકાઓથી બિલ્ડર લોબી સાથે સદાય દોસ્તી નિભાવી છે. એને કારણે હવે એના ભીષણ પરિણામોની શરૂઆત થઈ ગઈ છે. પાણીના કુદરતી પ્રવાહોની નોંધ લીધા વિના અને પૂરતી જાણકારી વિના મ્યુનિસિપલ કોર્પોરેશન અને શહેરી વિકાસ સત્તા મંડળ, બંનેએ ધમધોકાર મંજૂરીઓ આપી છે. ઉદાહરણ તરીકે અમદાવાદનું વસ્ત્રાપુર તળાવ ઉપર જ રચાયેલું ઉપનગર છે, એ ગમે ત્યારે અડધી રાતે પણ પાણીમાં ગરકાવ થઈ શકે છે. કારણ કે આસપાસના સો કિલોમીટરના વિસ્તારમાં ચોતરફનો ઢાળ વસ્ત્રાપુર તરફનો જ છે જે ભૂસ્તરીય હોવાથી એમ કંઈ સગી આંખે જોઈ શકાતો નથી.
વડોદરામાં વિશ્વામિત્રી નદીના પાણી શહેર પર ફરી વળ્યા એના કારણો ખરેખર જો તપાસવા હોય તો વડોદરા શહેરની બહારના વિસ્તારોમાં આજકાલ જે બાંધકામ ચાલે છે એના પર નજર નાંખો તો ખ્યાલ આવે ! વડોદરા શહેરની બહાર ઇસનપુર જેવી અનેક કાંસ નીકળે છે અને આ કાંસ જ જળ પ્રલયથી શહેરને બચાવનારી હોય છે. ગામડાઓમાં પાણીના વોંકળા હોય છે. ભારત સરકારના રાષ્ટ્રીય ધોરિમાર્ગના બાંધકામની એક કડક આચાર સંહિતા છે કે ચારફૂટ જેટલો પહોળો પ્રવાહ પણ જ્યાં વહેતો હોય ત્યાં ગરનાળા કે પુલ બાંધવા પરંતુ એનું માટીથી કદી પુરાણ કરવું નહિ. વડોદરા શહેરના પાણીનો નિકાલ કરવા માટેની કોર્પોરેશને બનાવેલી અને કુદરતી રીતે બનેલી એવી જે વિવિધ કાંસ હોય છે તે વરસોવરસ કૌભાંડકારી પ્રવૃત્તિઓથી પુરાતી આવી છે. વડોદરા શહેરના બાહ્ય વિસ્તારોમાં જ્યાં કાંસ હતી ત્યાં બિલ્ડરોએ માટીના પુરાણ કરેલા છે અને એના પર વિશાળ બાંધકામ પ્રોજેક્ટ મુકેલા છે.
વડોદરામાં નવા બંધાયેલા સંખ્યાબંધ પ્રોજેક્ટ એવા છે કે જે ભવિષ્યમાં પણ ચોમાસામાં સંપૂર્ણ સલામત નીવડવાના નથી. અગાઉ વિશ્વામિત્રી નદી વડોદરા શહેરના કિનારાના વિસ્તારોને ભીંજવીને પસાર થઈ જતી હતી, પરંતુ નદીને પસાર થવા માટેના અને એની ક્ષમતા કરતા વધારાના પાણીને ઉપ પ્રવાહોમાં વાળવા માટેના જે માર્ગો હતા તે બધા પર લાખો ટન માટીનું પુરાણ કરીને પ્રોજેક્ટ મુકવામાં આવેલા છે. આજે પણ કોઈ વડોદરાના બાહ્ય વિસ્તારોનો પ્રવાસ કરે તો એને બહુ આસાનીથી કોઇને કોઇ કાંસના પુરાણનું ચાલુ કામ નજરોનજર જોવા મળે એમ છે. આપણા રાજનેતાઓ અને સરકારી એન્જિનિયરોએ ભવિષ્યનો વિચાર કર્યા વિના લક્ષ્મીના દાસ બનીને જે કૌભાંડો આચર્યા છે એણે વીરક્ષેત્ર ગણાતા વડોદરા જેવા સુંદર શહેરનું નિકંદન કાઢી નાખ્યું છે.
માત્ર ગુજરાતના જ નહીં પરંતુ દેશના કેટલાક સુંદર સિટી પ્લાનિંગ ધરાવતા રાજવી શહેરોમાં વડોદરાનું નામ છે. આ નામને ભૂંસવા માટે વડોદરાના સત્તાધિકારીઓ ઘણા વર્ષોેથી પાછળ પડેલા છે. મહારાજા સયાજીરાવ ગાયકવાડ પાસે અનેક વિદ્યાઓની યોગ્યતા હતી. તેઓ રાત્રિસભાના શોખીન હતા. લગભગ દરરોજ રાત્રે તેઓ વિદ્વાનો સાથે ગોષ્ઠી કરતા અને તેમાં સતત પ્રજાની સુખાકારીની ચિંતા કરતા. વડોદરા શહેરના આધુનિકરણ માટે તેમણે તત્કાલીન ભારતીય અને બ્રિટિશ સ્થપતિઓની સેવાઓ લીધી હતી. ઉપરાંત તેમની પોતાની પણ આગવી દ્રષ્ટિનો વડોદરાને લાભ મળ્યો છે. એ વડોદરા શહેર વિશ્વામિત્રી નદીના પ્રલયકારી જળ સામે નિઃસહાય જોવા મળ્યું અને શહેરની મહાપાલિકાએ નગરજનોને ભગવાન ભરોસે છોડી દીધા. જે પરિસ્થિતિ આજવા અને વિશ્વામિત્રી નદીને કારણે થઈ એવી જ પરિસ્થિતિ ગુજરાતના કે દેશના કોઇપણ શહેરમાં થઇ શકે છે. કારણ કે નદીઓને ઊંડી કરવાનું કામ કોઈએ કર્યું નથી. નદીઓ સતત ઉંચી આવતી રહી છે. એટલે વધારે પડતા પાણીનું વહન કરવાની ક્ષમતા આજે તો ગુજરાતની મોટા ભાગની નદીઓમાં રહી નથી.