પેન્શન યોજનાનો ચક્રવ્યૂહ

Updated: Aug 31st, 2024


Google NewsGoogle News
પેન્શન યોજનાનો ચક્રવ્યૂહ 1 - image


પ્રાથમિક દ્રષ્ટિએ પેન્શનના નવા  સુધારાઓ પણ હજુ સર્વસ્વીકૃત નથી. દેશમાં પેન્શન સંદર્ભમાં અનેક મંડળો અસ્તિત્ત્વમાં આવ્યા છે અને એમનાં આંદોલનોએ સરકારની ઊંઘ ઉડાડી છે. જોકે જ્યાં સુધી ભાજપમાં અન્ય પક્ષોનો ટેકો લેવાની પરાધીનતા ન હતી ત્યાં સુધી એના કાનપુરમાં તાળાં હતાં. કોઈની વાત સંભળાતી જ ન હતી, પરંતુ વિપક્ષ સપ્રાણ અને સજીવન થવાથી હવે એનડીએ સરકારના આંખકાન ખુલ્યાં છે. કેન્દ્રીય કેબિનેટે ગયા અઠવાડિયે સરકારી કર્મચારીઓ માટે નવી પેન્શન યોજનાને મંજૂરી આપી છે, જેને યુનિફાઇડ પેન્શન સિસ્ટમ (યુપીએસ) નામ આપવામાં આવ્યું છે. તેનો અમલ ૧ એપ્રિલ, ૨૦૨૫થી થશે. આનાથી તે સરકારી કર્મચારીઓને ફાયદો થશે જેઓ, ૧ જાન્યુઆરી, ૨૦૦૪ પછી નોકરીમાં જોડાયા છે અને જેઓ નવી પેન્શન યોજના (NPS)માં સામેલ છે. યુપીએસ હેઠળ, કેન્દ્ર સરકારના કર્મચારીઓને નિવૃત્તિ પહેલાના ૧૨ મહિનાના સરેરાશ મૂળ પગારના ૫૦ ટકા જેટલું પેન્શન મળશે.

આ માટે શરત એ છે કે કર્મચારીએ ઓછામાં ઓછો ૨૫ વર્ષનો સેવાનો સમયગાળો પૂર્ણ કર્યો હોય. ટૂંકા ગાળા માટે કામ કરનારાઓનું પેન્શન ઓછું હશે પરંતુ તેના માટે ઓછામાં ઓછા ૧૦ વર્ષ કામ કરવું જરૂરી રહેશે. ઓછામાં ઓછા ૧૦ વર્ષ સુધી કામ કરનારા કર્મચારીઓને ૧૦,૦૦૦ રૂપિયાનું નિશ્ચિત માસિક પેન્શન આપવામાં આવશે. યુપીએસમાં ફેમિલી પેન્શન પણ મળશે અને મોંઘવારીનું પણ ધ્યાન રાખવામાં આવશે. યુપીએસની મંજૂરી સાથે, સરકારે જૂની પેન્શન યોજના અને નવી પેન્શન યોજનાની વિશેષતાઓને જોડીને મધ્યમ માર્ગ શોધવાનો પ્રયાસ કર્યો છે. કેટલાંક રાજ્યોમાં તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં પેન્શનનો મુદ્દો રાજકીય રીતે સંવેદનશીલ રહ્યો છે. રાજસ્થાન, છત્તીસગઢ અને પંજાબ જેવા કેટલાક રાજ્યો, જ્યાં તે સમયે રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધનની સરકાર ન હતી, જૂની પેન્શન યોજનામાં પાછી આવી. જેના કારણે પેન્શનનો બોજ ભાવિ પેઢીઓ પર પડશે. બીજી તરફ, કેન્દ્ર સરકારે આ મુદ્દાની તપાસ માટે તત્કાલીન નાણા સચિવ ટીવી સોમનાથન હેઠળ એક સમિતિની રચના કરી હતી.

OPSથી વિપરીત, જ્યાં UPS હેઠળના લાભો વ્યાખ્યાયિત કરવામાં આવશે, તેણે NPS જેવા ગેરંટીકૃત યોગદાન પણ આપવા પડશે. કર્મચારીઓ તેમના મૂળ પગાર અને મોંઘવારી ભથ્થાના ૧૦ ટકા યુપીએસમાં યોગદાન આપવાનું ચાલુ રાખશે. સરકાર હવે NPSમાં ૧૪ ટકાના બદલે ૧૮.૫ ટકા યોગદાન આપશે. પ્રથમ વર્ષમાં આ વધારાના યોગદાનનો બોજ આશરે રૂ. ૬,૨૫૦ કરોડનો રહેશે, જ્યારે રૂ. ૮૦૦ કરોડની રકમ એક વખતના લેણાં તરીકે ખર્ચવામાં આવશે. NPSની રજૂઆત પછી સ્વૈચ્છિક નિવૃત્તિ લેનારાઓને UPS પર સ્વિચ કરવાનો વિકલ્પ મળશે. આ યોજના રાજ્ય સરકારોના કર્મચારીઓ માટે પણ ઉપલબ્ધ હશે. સરકારે જુની પેન્શન યોજના તરફ પોતાનો ઝુકાવ જાહેર કર્યો છે, પરંતુ કેન્દ્રના દિલમાં ચોખ્ખાઈ નથી અને દાનતમાં કર્મચારી કલ્યાણની ભાવના નથી.

જે રીતે બેકારી બેફામ થતી જોઈને સરકારે કરાર આધારિત નોકરી પ્રથા દ્વારા દેશના કરોડો કર્મચારીઓની નોકરીમાં અર્ધ પગાર કે આંશિક પગારનું ભૂત રમતું કર્યું અને શોષણને સત્તાવાર સ્વરૂપ આપ્યું એ જ રીતે પેન્શનમાં પણ સરકાર ન આપવાની વૃત્તિએ બીતા બીતા આપતી હોય એવા સુધારાઓ છે. કેન્દ્ર સરકારે સરકારી કર્મચારીઓમાં પેન્શનને લઈને પ્રવર્તતી અનિશ્ચિતતાને દૂર કરવાનો પ્રયાસ કર્યો છે તે વાત સાચી પણ એ પ્રયાસ નિષ્ઠાહીન હોવાનું દેખાય છે. ખાતરીપૂર્વકના પેન્શન સાથે, તેમને હવે તેમના પેન્શન ફંડની કામગીરી વિશે ચિંતા કરવાની જરૂર નથી. યોગદાનમાં વધારાને કારણે સરકારે વધારાની રકમ ચૂકવવી પડશે. આ સિવાય, જો ભવિષ્યમાં પેન્શન ફંડ એશ્યોર્ડ રકમ આપવા માટે પૂરતું વળતર જનરેટ કરવામાં સક્ષમ ન હોય, તો તેણે આ માટે પણ ભંડોળ ઊભું કરવું પડશે. છતાં, તે OPS કરતાં વધુ સારો વિકલ્પ છે કારણ કે તે ભાવિ પેઢીઓ પર એટલું દબાણ નહીં કરે.

જોકે UPSએ સરકારી કર્મચારીઓની ચિંતાઓને દૂર કરવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ રાજકીય રીતે તેની શું અસર થશે તે જોવું રહ્યું. શક્ય છે કે કેટલાંક રાજ્યો હજુ પણ OPS પર પાછા જાય, કારણ કે તેઓ ટૂંકા ગાળામાં યોગદાનના મોરચે બચત જોશે. જો કે, મેક્રોઇકોનોમિક પરિપ્રેક્ષ્યમાં, આવા મુશ્કેલ સુધારાઓને ઉલટાવી દેવાથી અર્થતંત્ર પર ભારે અસર પડશે. ઉદાહરણ તરીકે, વર્તમાન વર્ષમાં કેન્દ્ર સરકારના સ્તરે પેન્શન પરનો ખર્ચ કેન્દ્રની કર આવકના આશરે ૧૦ ટકા હોવાનો અંદાજ છે. 


Google NewsGoogle News