એશિયાનું આર્થિક એન્જિન .
વર્લ્ડ બેંકે ૨૦૨૪ ના વર્ષમાં દક્ષિણ એશિયા માટે તેની વૃદ્ધિનું અનુમાન અગાઉના ૬%ના અંદાજથી વધારીને ૬.૪% કર્યું છે. પાકિસ્તાન, શ્રીલંકા અને માલદીવ જેવા દેશોમાં નોંધપાત્ર આર્થિક સંઘર્ષો છતાં આ પ્રગતિની ગતિ થઇ રહી છે. તેનું કારણ ભારતનું મજબૂત માર્કેટ છે. ભારત, એશિયાના આ ભાગની સૌથી મોટી અર્થવ્યવસ્થા હોવાને કારણે, દક્ષિણ એશિયાની એકંદર આર્થિક સંભાવનાઓને સ્થિર અને ઉત્થાન આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ભારતનું પોતાનું અનુમાન ૭%નો આર્થિક દર હતું. પણ હવે તે ૬.૬% ના અંદાજ ની આસપાસ છે જે બહુ ઓછું ન કહેવાય. વર્લ્ડ બેંક આ આશાવાદનો શ્રેય કૃષિ જેવા ક્ષેત્રોમાં મજબૂત રિકવરી અને ખાનગી કંપનીઓની થઇ રહેલી વૃદ્ધિને આપે છે. ભારતીય અર્થવ્યવસ્થા સદ્ધર થઇ રહેલા મધ્યમ વર્ગને કારણે મહદઅંશે ચાલે છે. આપણી માર્કેટમાં ગ્રાહકો માલ અને સેવાઓ પર જે ખર્ચ કરે છે તેના કારણે વ્યવસાયિક પ્રવૃત્તિને પ્રોત્સાહન મળે છે.
બીજી તરફ, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ આ વર્ષ માટે ૭.૨% જેટલી જીડીપીની વૃદ્ધિનું થોડું વધુ આશાવાદી અનુમાન જાળવી રાખ્યું છે, જે વૈશ્વિક અનિશ્ચિતતાઓનો સામનો કરવાની ભારતની ક્ષમતામાં વિશ્વાસ દર્શાવે છે. દક્ષિણ એશિયા માટે વિશ્વ બેંકના વાઇસ પ્રેસિડેન્ટ માર્ટિન રાયસરે આ ક્ષેત્રની આર્થિક સ્થિતિસ્થાપકતામાં ભારતની મહત્વપૂર્ણ ભૂમિકા પર પ્રકાશ પાડયો અને કહ્યું કે ભારતનો ઉભરતો ગ્રાહક વર્ગ એક પ્રેરક બળ છે. શ્રીલંકા અને પાકિસ્તાનની સ્થિતિ ધીમે ધીમે સુધરી રહી છે. નેપાળ અને ભૂતાનના પ્રવાસનમાં તેજી આવી રહી છે.'
પાકિસ્તાન અને શ્રીલંકા આર્થિક તોફાનોનો સામનો કરી રહ્યા છે. પાકિસ્તાન ઉંચો ફુગાવો અને ઘટતી વિદેશી હૂંડિયામણના અનામતને કારણે સંઘર્ષ કરી રહ્યું છે, જ્યારે શ્રીલંકા ગંભીર દેવાની કટોકટીનો સામનો કરી રહ્યું છે. વર્લ્ડ બેંકનો અંદાજ છે કે પાકિસ્તાનની અર્થવ્યવસ્થા ચાલુ નાણાકીય વર્ષમાં ૨.૮ ટકાના દરે વૃદ્ધિ પામશે, જે તેના ૨.૩ ટકાના પ્રારંભિક અનુમાન કરતાં થોડો સુધારો છે. આ સાધારણ સુધારાને મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ઉછાળો અને સરળ નાણાકીય નીતિ દ્વારા ટેકો મળે છે, જે મુશ્કેલીગ્રસ્ત અર્થતંત્ર માટે થોડી રાહતનો સંકેત આપે છે.
દરમિયાન, શ્રીલંકાએ નોંધપાત્ર સુધારાનો માર્ગ દર્શાવ્યો છે. તેની પર ચડેલા દેણાને કારણે ડિફોલ્ટ થયા પછી અને દાયકાઓમાં તેની સૌથી ખરાબ આર્થિક કટોકટીનો અનુભવ કર્યા પછી, આ વર્ષ માટે દેશની વૃદ્ધિનું અનુમાન સુધારીને ૪.૪% કરવામાં આવ્યું છે. દેણાની ચુકવણી અને અર્થતંત્રને સ્થિર કરવાના પ્રયાસો સાથે, શ્રીલંકાનો હેતુ ભાવિ વૃદ્ધિ માટે મજબૂત પાયો બનાવવાનો છે. આ ક્ષેત્રની નાની અર્થવ્યવસ્થાઓ જેવી કે નેપાળ અને ભૂતાન પણ પ્રવાસન આધારિત વૃદ્ધિના સંકેતો દર્શાવે છે. જુલાઈના મધ્યમાં શરૂ થતા નાણાકીય વર્ષ માટે નેપાળનો વિકાસ અનુમાન ૪.૬% થી વધારીને ૫.૧% કરવામાં આવ્યો છે. ભૂતાન વધુ નોંધપાત્ર વૃદ્ધિના માર્ગે છે, તેના વિકાસ દરની આગાહી ૫.૭% થી વધારીને ૭.૨% કરવામાં આવી છે.
આ દેશો કોરોનાકાળ દરમિયાન ભાંગી પડયા હતા. હવે પ્રવાસનના કારણે તેમને ફાયદો થઇ રહ્યો છે. તેના કારણે દેશના અર્થતંત્ર માટે ખૂબ જ જરૂરી વિદેશી હૂંડિયામણ જમા થતું રહે છે. સર્વિસ સેક્ટરમાં નવી નોકરીઓની તકો ઉભી થતી રહે છે. દક્ષિણ એશિયાના દેશોમાં સકારાત્મક વૃદ્ધિનું વલણ જોવા મળી રહ્યું છે, ત્યારે બાંગ્લાદેશ એવા પડકારોનો સામનો કરી રહ્યું છે જેના કારણે તેના વિકાસના દરના અનુમાનમાં ઘટાડો થયો છે. વર્લ્ડ બેંકનો અંદાજ છે કે બાંગ્લાદેશની અર્થવ્યવસ્થા નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૦૨૫ માટે ૪% વૃદ્ધિ પામશે, જે અગાઉના ૫.૭%ના અંદાજથી નીચે કહેવાય. સામાજિક અશાંતિ વચ્ચે - બાંગ્લાદેશ માટે મુખ્ય ક્ષેત્ર - વસ્ત્રોની નિકાસની માંગમાં ઘટાડો થવાને કારણે તે દેશમાં મંદી છે. વૈશ્વિક ધિરાણકર્તાએ ચેતવણી આપી હતી કે દેશે તેના રાજકીય વાતાવરણને સ્થિર કરવું જોઈએ અને લાંબા ગાળાના વિકાસને પ્રોત્સાહન આપવા માટે તેની અર્થવ્યવસ્થામાં વૈવિધ્યીકરણ વધવું જોઈએ. દક્ષિણ એશિયાના આર્થિક ભવિષ્ય માટે વર્લ્ડ બેંકની મુખ્ય ભલામણોમાંની એક શ્રમ દળમાં મહિલાઓની ભાગીદારી વધારવી છે, જે હાલમાં માત્ર ૩૨% છે, જે ખુબ ઓછી કહેવાય.