Get The App

પેગાસસના ભેદભરમ .

Updated: Jul 31st, 2021


Google NewsGoogle News
પેગાસસના ભેદભરમ                . 1 - image


દુનિયાના સત્તાધીશો રાષ્ટ્રહિતના નામે સ્વહિત અને સ્વપક્ષહિતમાં ગળાડૂબ છે ને એને કારણે વ્યક્તિસ્વાતંત્ર્યના વિવિધ બંધારણીય અધિકારો દ્વારા પ્રાપ્ત નાગરિકી અંગતતાનું ખંડન થઈ રહ્યું છે. સત્તાને ટકાવી રાખવા રાજા વિક્રમ ખુદ વેશ બદલાવીને પ્રજા વચ્ચે રખડતો હતો. છત્રપતિ શિવાજી પણ ઓળખ છુપાવીને પ્રજાસ્પંદન જાણી લેતા હતા.

એ રાજાઓના હેતુ સુશાસન માટેના હતા. હવેના સત્તાધીશો જે જાસૂસી કરાવે છે તે પોતાના હરીફોને પાડી દેવા માટે અને સત્તા ટકાવવા માટે. ભારતના કોર્પોરેટ જગતમાં જાયન્ટ કંપનીઓ સામસામી જાસૂસી કરાવે જ છે. એ માટે પ્રોફેશનલ સેવાઓ ઉપલબ્ધ છે. કેટલાક શ્રીમંતોએ પત્નીની જાસૂસી કરાવી હોવાના વિધવિધ કિસ્સાઓ પણ પાછલા દાયકામાં મીડિયામાં ચમકેલા છે. હવે યુગ એ આવ્યો છે કે ક્યાંક એવું ત્રીજું નેત્ર પણ છે જે જાસૂસોની પણ જાસૂસી કરે છે.

જાસૂસોની જાસૂસી કરવામાંથી હાથ લાગેલા નવા કોહીનૂરનું નામ છે પેગાસસ પ્રકરણ. આમ તો ઈ. સ. ૨૦૧૬થી પેગાસસ સોફ્ટવેર અસ્તિત્વમાં છે. ટોરેન્ટો યુનિવર્સિટીની કોમ્પ્યુટર લેબમાં યુએઈના એક એક્ટિવિસ્ટના ફોનનું વિશ્લેષણ કર્યું તેમાં પહેલીવાર પેગાસસ સોફ્ટવેર નજરમાં આવ્યું.

ઈ. સ. ૨૦૧૭માં દુનિયામાં પેગાસસના અનેક યુઝર્સ જોવા મળ્યા. પાંચ ઓપરેટર એવા હતા જે એશિયાની જાસૂસીમાં રોકાયેલા હતા. એમાંથી એક જાસૂસે પોતાનું ઉપનામ ગંગા રાખ્યું હતું. ઈ. સ. ૨૦૧૮માં દુનિયાના ૪૫ દેશોની સરકારો અને કેટલીક ખાનગી કંપનીઓ પેગાસસનો ઉપયોગ કરતી થઈ. ચાલુ વરસે એટલે કે ઈ. સ. ૨૦૨૧માં રહી રહીને એ ઘટસ્ફોટ થયો કે ભારતના અનેક દિગ્ગજ લોકોની પેગાસસ દ્વારા જાસૂસી થઈ રહી છે.

જાહેર થયેલી સૂચિ પરથી જાસૂસી કરાવનાર તરીકે શંકાની સોય ફરી ફરીને સત્તાધીશો તરફ જાય છે તો પણ એ સાબિત થઈ શકે એમ નથી એટલે રાજાશાહી જમાનાના અન્ય પ્રેમ પ્રકરણોની જેમ શંકા માત્ર નિશંક રીતે શંકા જ રહે છે. ભારતના લગભગ નિષ્ફળ નીવડેલા ચોમાસુ સત્રમાં સંસદે પેગાસસ મુદ્દે ઘણા ઊહાપોહ જોયા પણ એનું કોઈ પરિણામ આવે નહિ ને આવ્યું પણ નહિ. ભારતમાં જાસૂસી અમુક હદ સુધી તો પ્રતિબંધિત નથી.

રાજ્યની અને કેન્દ્રની અનેક એટલે કે દસથી વધુ એજન્સીઓને જાસૂસી કરવાના અધિકારો પ્રાપ્ત છે. છેક ઈન્દિરા ગાંધીના જમાનાથી હરીફ પક્ષો અને નેતાઓના ફોન આંતરીને ગુપ્ત માહિતી એકત્રિત કરવામાં આવતી હતી. ઇન્ફર્મેશન ટેકનોલોજી કાનૂન ૨૦૦૦ની કલમ ૬૯ અંતર્ગત આઈબી, રૉ સહિતની વિવિધ એજન્સીઓને ટેલિફોન ટેપ કરવાનો અધિકાર છે. સામાન્ય રીતે કેન્દ્ર સરકાર પાંચથી દસ હજાર ટેલિફોન ઈન્ટરસેપ્ટ કરવાના આદેશ આપતી રહેતી હોય છે.

પેગાસસનો એક વિવાદ એ છે કે દેશની અંદર જાસૂસી કરવાનું કામ બહારના દેશોની એજન્સીઓને આઉટસોર્સિંગ તરીકે આપવામાં આવ્યું હોવાની વિપક્ષોને દહેશત છે. પરંતુ આ કામ કઈ રીતે કેટલા બજેટમાં કોને આપવામાં આવ્યું તે અંગે કોઈ નક્કર આધાર પૂરાવાઓ હજુ સપાટી પર આવ્યા નથી.

પેગાસસ જાસૂસી પ્રકરણનો પરદાફાશ થયો એના બે-ચાર દિવસ પહેલા જ માઈક્રોસોફ્ટ કંપનીએ જાહેરાત કરી હતી કે ઈઝરાયેલની એક ખાનગી આક્રમક કંપનીના જાસૂસી કરનારા સાયબર વેપનને નાકામ કરી મૂક્યું છે. આ સાયબર વેપન એટલે મેગાસસ એમ પણ આંતરરાષ્ટ્રીય મીડિયા માને છે. આ સાયબર વેપન પર જ્યારે માઈક્રોસોફટના એન્જિનિયરોની નજર પડી ત્યારે દુનિયાના અનેક નેતાઓ, રાજદૂતો, પત્રકારો, તંત્રીઓ અને ઓપિનિયન લીડર કક્ષાના વિરોધીઓની જાસૂસી ચાલુ હતી.

જેને અંગતતા કહેવાય એ હવે જાણે કે જાસૂસોએ ગામના ચોકમાં ખુલ્લી મૂકી દીધી છે. જેમ પહેલા શ્રીમંતો જ હતા તેમ હવે ડિજિટલ શ્રીમંતો પણ અસ્તિત્વમાં આવ્યા છે. આ ડિજિટલ કિંગ એટલી બધી ડેટાશક્તિ ધરાવતા હોય છે કે તેઓ કિંગ મેકર પણ બની શકે છે. આથી સત્તાધીશોને તેમનો ડર લાગે છે. પ્રશ્ન એ પણ છે કે ભારતીય એજન્સીઓ પોતે જ એવી ક્ષમતા કેમ વિકસાવતી નથી જે એને સ્વયં જાસૂસી કરવામાં ઉપયોગી થાય.

એનએસઓ જેવી ઈઝરાયેલી કંપની પોતાના વિશિષ્ટ જાસૂસી સર્વરો સ્થાપિત કરીને આજે અબજો ડોલરમાં રમતી થઈ ગઈ છે. ઉપરાંત દેશની આંતરિક બાબતોની જાસૂસીનું કામ વિદેશમાં આઉટસોર્સ કરવાથી સૈન્ય અને સંરક્ષણને લગતી સંખ્યાબંધ ગોપનીયતા દેશની સરહદ બહાર છતી થઈ જવાની પણ ભીતિ રહે છે.


Google NewsGoogle News