Get The App

ઇન્દ્રપ્રસ્થનો ત્રિપાંખિયો જંગ .

Updated: Jan 30th, 2025


Google NewsGoogle News
ઇન્દ્રપ્રસ્થનો ત્રિપાંખિયો જંગ                                   . 1 - image


બારે મહિના રાજકારણની મૌસમથી છવાયેલા રહેતા દિલ્હીમાં હાલ પાંચમી ફેબ્રુઆરીએ યોજાનારી વિધાનસભાની ચૂંટણીએ વાતાવરણને રસપ્રદ બનાવ્યું છે. આમ આદમી પાર્ટી, ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ દરેક વર્ગના મતદારો પર કલ્યાણકારી યોજનાઓના વચનો વરસાવી રહી છે. AAPએ મહિલાઓને દર મહિને ૨,૧૦૦ રૂપિયા આપવાનું વચન આપ્યું હતું, પરંતુ ભાજપ અને કોંગ્રેસે તેના બદલે ૨,૫૦૦ રૂપિયાની ઓફર કરી છે.

મુખ્યમંત્રી અને આપ નેતા અરવિંદ કેજરીવાલનાં ભાષણોમાં મતદારોમાં એવો ડર ઊભો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે જો તેઓ ભાજપને મત આપશે તો ગરીબોને મફત વીજળી અને પાણી મળશે નહીં. હેલ્થકેર અને એજ્યુકેશન બંધ રહેશે, પરંતુ તેમણે જાહેરમાં એ પણ સ્વીકાર્યું છે કે યમુના નદીની સફાઈ,  યુરોપીયન ધોરણો મુજબના દિલ્હીના રસ્તાઓ સહિતના ઘણા મુદ્દે કામ થયું નથી. જો ફરી તેઓ ચૂંટાશે તો તેઓ આ બંને મુદ્દાની સાથે બેરોજગારી દૂર કરવા વધુ ઝડપી કદમ ઉઠાવશે. ભાજપનું અભિયાન એ વચન પર કેન્દ્રિત હતું કે જો તે રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ પર શાસન કરવા માટે ચૂંટાશે તો તે ડબલ એન્જિન સરકાર બનાવશે. તે ભ્રષ્ટાચાર મુક્ત હોવાના AAPના દાવાને નકારી કાઢવા માટે પણ સખત પ્રયાસ કરી રહી છે. દારૂના લાયસન્સની ફાળવણીમાં ભ્રષ્ટાચારના આક્ષેપો અને કેજરીવાલના સત્તાવાર નિવાસસ્થાન પર જનતાના નાણાંનો વધુ પડતો ખર્ચ એ ભાજપની ચર્ચાના મુદ્દા છે. ચૂંટણી પ્રચારમાં તાજગીનો સંપૂર્ણ અભાવ છે. ત્રણેય પક્ષને પરાજયનો ભય હોય એવું લાગે છે. લાગે છે, કોંગ્રેસનો મુખ્ય મુદ્દો, જેના માટે તેના વર્તમાન અને ભૂતપૂર્વ મુખ્યમંત્રીઓએ અન્ય રાજ્યોમાંથી પ્રચાર કર્યો છે, તે એ છે કે કોંગ્રેસની સરકારો કલ્યાણકારી યોજનાઓ લાગુ કરવામાં વધુ કાર્યક્ષમ અને ઝડપી રહી છે. પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતના નેતૃત્વમાં દિલ્હીમાં થયેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને હાઈલાઈટ કરીને કોંગ્રેસ ભૂતકાળને યાદ કરવાનો પ્રયાસ કરી રહી છે. પાર્ટીએ જાતિ ગણતરીની માંગ પર કેજરીવાલના મૌનની ટીકા કરી છે. ભાજપ યોગી આદિત્યનાથને મેદાનમાં ઉતારી રહ્યું છે, કારણ કે તેમની અપીલ યુપી અને બિહારના સ્થળાંતરિત મતદારોને અપીલ કરી શકે છે, જેઓ હવે દિલ્હીમાં સૌથી ઝડપથી વિકસતા મતદારો છે. હાલમાં જ્યારે મહાકુંભ ચાલી રહ્યો છે, ત્યારે સંગમ સ્થળે મંત્રીમંડળ સહિત ડુબકી લગાવનારા યોગી આદિત્યનાથે આપ સરકારના યમુના નદીના સફાઈ અભિયાનના વાયદા પર આકરો પ્રહાર કરતાં પડકાર ફેંક્યો હતો કે, શું દિલ્હીની સરકાર યમુનાના પાણીમાં ડુબકી લગાવી શકે તેમ છે ખરી? આવા તો આમ આદમી પાર્ટીના ઘણા એવા વાયદા છે કે, જેના પર હજુ કામ શરુ પણ થઈ શક્યું નથી. વધુમાં બહુ ગાજેલા લિકર કૌભાંડના ડાઘ પણ દિલ્હીના સત્તાધારી પક્ષ પર લાગેલા છે, જેના પર પણ જનતાની નજર છે.

વીજળીના બિલની સાથે સાથે સરકારી શાળાઓની હાલતમાં સુધારા માટે કરેલી કામગીરીને કારણે આજે પણ દિલ્હીમાં ગરીબ અને મધ્યમવર્ગમાં હજુ પણ જોકે કેજરીવાલની પકડ મજબૂત છે. મહિલાઓ માટેની મફત બસસેવા તેમજ મહોલ્લા ક્લિનિક જેવી યોજનાઓનો સીધો લાભ મેળવનારી મહિલાઓમાં હજુ પણ આમ આદમી પાર્ટી તરફનો ભરોસો ટકી રહેવા પામ્યો છે. ખાસ કરીને કેજરીવાલે જે પ્રકારે વિવિધ યોજનાઓ તરફથી શ્રમજીવી અને ગરીબ વર્ગને પોતાની તરફ આકર્ષ્યો હતો, તે હજુ પણ સત્તાધારી પક્ષની સાથે જ દેખાઈ રહ્યો છે.

દિલ્હીની ચૂંટણીમાં આ વખતનો ત્રિપાખીયો જંગ ઘણા-બધાનાં સમીકરણોને ઊંધા વાળી શકે છે. આમ તો મુખ્ય લડાઈ તો આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે જ જોવા મળી રહી છે. જોકે કોગ્રેસની હાજરીના કારણે બંને મુખ્ય પક્ષોની ચિંતામાં વધારો થયો છે, કારણ કે તેઓ કોના વોટ તોડશે તે હજુુ કળી શકાયુ નથી. આ જ કારણે આપ અને ભાજપ બંને કોગ્રેસને એકબીજાના પક્ષની બી-ટીમ તરીકે ઓળખાવી રહી છે. દિલ્હીમાં નવેસરથી પોતાની ઓળખ બનાવવા માટે મથામણ કરી રહેલી કોંગ્રેસને એ વાતની ખબર છે કે, જો થોડી-ઘણી સીટો પણ મળી જશે તો તે દિલ્હીની નવી સરકારની રચનામાં મહત્વનો ભાગ ભજવી શકે તેમ છે. આ ઉપરાંત કોંગ્રેસની હાજરીને કારણે દિલ્હીની મોટાભાગની સીટો પર જીત અને હાર વચ્ચેનું અંતર ઘટશે તેમ લાગી રહ્યું છે. આ કારણે જ દિલ્હીની ચૂટણી આપ અને ભાજપ માટે રહસ્ય અને ઉત્કઠાનો વિષય બની રહી છે.


Google NewsGoogle News