અઘરા વરસની વિદાય .
વીતી રહેલું વર્ષ ૨૦૨૪ દલાલ સ્ટ્રીટ માટે ઉતાર-ચઢાવથી ભરચક રહ્યું છે. રોકાણકારોને વારંવાર એક ઉત્તેજના સભર ફિલ્મ જેવો સનસનાટ અનુભવ શેરબજારે આપ્યો છે. આ બજારે વર્ષ દરમિયાન અનેકવાર રેકોર્ડ બનાવ્યા તો બીજી તરફ એણે વચ્ચે અનેક મોટા નુકસાનનો સામનો પણ કરવો પડયો છે. તેમ છતાં રોકાણકારોને સારું વળતર મળ્યું છે. વર્ષના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં નિફ્ટી સપ્ટેમ્બર, ૨૦૨૪માં ૨૬,૨૭૭.૩૫ પોઈન્ટની સર્વકાલીન ટોચે પહોંચી હતી. છેલ્લા બે મહિનામાં બજાર તેના સર્વકાલીન ઉચ્ચ સ્તરેથી નીચે આવી ગયું છે. ઈ. સ. ૨૦૨૦ વખતના કોરોના રોગચાળા પછી ૨૦૨૦માં આ ત્રીજો મોટો ઘટાડો હતો. તેનું મુખ્ય કારણ સ્થાનિક અને વૈશ્વિક પરિબળોને કારણે વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) દ્વારા જંગી વેચાણ છે. આ વર્ષે ૨૭ ડિસેમ્બર સુધી, ૩૦ શેરો ધરાવતો BSE સેન્સેક્સ ૬,૪૫૮.૮૧ પોઈન્ટ અથવા ૮.૯૪ ટકા વધ્યો છે. તે જ સમયે, નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટીમાં ૨,૦૮૨ પોઈન્ટ અથવા ૯.૫૮ ટકાનો વધારો થયો છે. આ વર્ષ ઘટનાઓથી ભરેલું હતું.
ભારતમાં સામાન્ય ચૂંટણીઓ સિવાય અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણી વર્ષ દરમિયાનની મુખ્ય પ્રભાવક ઘટનાઓ હતી. આ સિવાય ઈઝરાયેલ-ઈરાન સંઘર્ષ અને રશિયા-યુક્રેન યુદ્ધ જેવા બે મોટા ભૌગોલિક રાજકીય ઘટનાક્રમથી પણ શેર બજારો પ્રભાવિત થયા હતા. વર્ષ ૨૦૨૪માં તેજીના વૃષભ અને મંદીના રીંછ વચ્ચે ઘણો સંઘર્ષ જોવા મળ્યો. વૈશ્વિક મેક્રોઇકોનોમિક ડેટા અને ભૌગોલિક રાજકીય તણાવે બજારને નોંધપાત્ર રીતે પ્રભાવિત કર્યું, જેના કારણે બજારમાં સતત વધઘટ જોવા મળી. જો કે, વિશ્વભરમાં અનિશ્ચિતતાઓ હોવા છતાં, ભારતીય બજારોએ મોટાભાગે દબાણ હેઠળ સારું પ્રદર્શન કર્યું છે અને રોકાણકારોને વધુ સારું વળતર આપ્યું છે. વીતેલું વરસ તેજીનું વર્ષ પણ હતું, જેણે ભારતીય બજારોને વિશ્વમાં સૌથી મોંઘા બનાવ્યા હતા. બજારમાં વધુ પડતી તરલતાએ મૂલ્યાંકનને ઊંચુ ધકેલ્યું જે આખરે કરેકશન તરફ દોરી ગયું.
આ વર્ષે ૨૭ સપ્ટેમ્બરના રોજ BSE નો ૩૦ શેરનો સેન્સેક્સ ૮૫,૯૭૮.૨૫ના રેકોર્ડ સ્તરે પહોંચ્યો હતો. તે જ દિવસે નિફ્ટી પણ ૨૬,૨૭૭.૩૫ પોઈન્ટની તેની ઓલ ટાઈમ હાઈટને સ્પર્શી ગયો હતો. ઈ. સ. ૨૦૨૪ એ સતત નવમું વર્ષ છે જ્યારે સ્થાનિક શેરબજારોએ રોકાણકારોને હકારાત્મક વળતર આપ્યું છે. આ સમયગાળા દરમિયાન નાની અને મધ્યમ કંપનીઓના શેરોએ મોટી કંપનીઓ કરતાં વધુ સારું પ્રદર્શન કર્યું હતું. આ જ કારણ છે કે મિડકેપ અને સ્મોલકેપ શેરોએ લાર્જકેપ શેરો કરતાં રોકાણકારોને વધુ વળતર આપ્યું છે. જો કે નિફ્ટી અને સેન્સેક્સનું પ્રદર્શન અન્ય દેશો, ખાસ કરીને અમેરિકાના બજારો કરતાં નબળું રહ્યું છે. આ નબળા દેખાવનું કારણ વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs) દ્વારા જંગી વેચાણ છે. સેન્સેક્સ સપ્ટેમ્બરમાં તેના સર્વકાલીન ઉચ્ચ સ્તરેથી ૮.૪૬ ટકા ઘટયો છે.
તે જ સમયે, નિફ્ટી રેકોર્ડ સ્તરથી ૯.૩૭ ટકા ઘટી ગયો છે. માત્ર ઓક્ટોબરમાં જ સેન્સેક્સ ૪,૯૧૦.૭૨ પોઈન્ટ અથવા ૫.૮૨ ટકા ડાઉન હતો. આ જ મહિનામાં નિફ્ટી ૧,૬૦૫.૫ પોઈન્ટ અથવા ૬.૨૨ ટકા ઘટયો હતો. ડિસેમ્બરમાં અત્યાર સુધીમાં સેન્સેક્સ ૧,૧૦૩.૭૨ પોઈન્ટ અથવા ૧.૩૮ ટકા ઘટયો છે. ઓક્ટોબરમાં ખૈંૈં એ ભારતીય બજારોમાંથી અંદાજે રૂપિયા એક લાખ કરોડ પાછા ખેંચ્યા હતા. ગયા વર્ષે એટલે કે ૨૦૨૩માં સેન્સેક્સ ૧૧,૩૯૯.૫૨ પોઈન્ટ અથવા ૧૮.૭૩ ટકા વધ્યો હતો. જ્યારે નિફ્ટીમાં ૩,૬૨૬.૧ પોઈન્ટ અથવા ૨૦ ટકાનો વધારો થયો હતો.ભારતીય અર્થવ્યવસ્થા ચાલુ નાણાંકીય વર્ષમાં ૬.૫ થી ૬.૮ ટકાના દરે વૃદ્ધિ પામશે, જ્યારે આગામી નાણાકીય વર્ષ (૨૦૨૫-૨૬)માં ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી)નો વૃદ્ધિ દર થોડો વધારે એટલે કે ૬.૭ થી ૭.૩ ટકાની વચ્ચે રહેશે. ડેલોઈટ ઈન્ડિયાએ આ અનુમાન લગાવ્યું છે.
નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૫ના પ્રથમ છ મહિનામાં વૃદ્ધિ અપેક્ષા કરતા ઓછી હતી કારણ કે સ્થાનિક ડિમાન્ડ અને નિકાસને ભારે વરસાદ અને ચૂંટણી પછીના ભૌગોલિક રાજકીય સંયોગોની અસર થઈ હતી. જો કે, એવા કેટલાક ક્ષેત્રો છે જેમાં ભારત નોંધપાત્ર લડાયક ક્ષમતા દર્શાવે છે. આમાં વપરાશના વલણો અથવા સેવાઓની વૃદ્ધિ, નિકાસ અને મૂડી બજારોમાં ઉચ્ચ-મૂલ્યના ઉત્પાદનનો હિસ્સો વધવાનો સમાવેશ થાય છે. સરકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, ડિજિટલાઇઝેશન અને ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (FDI)ને આકર્ષવાનાં પગલાં પર સતત ધ્યાન કેન્દ્રિત કરવાથી વૃદ્ધિને વેગ મળશે. ઈ. સ. ૨૦૨૪માં અમેરિકન ડોલર સામે રૂપિયો ત્રણ ટકા નબળો પડયો છે. અર્થવ્યવસ્થામાં મંદી અને વૈશ્વિક બજારોમાં ડોલરની મજબૂતીથી રૂપિયાને ઘણી અસર થઈ છે.