અધિક ખિન્ન છે પ્રકૃતિ .
સાંભળવું ગમે નહિ તો ભલે પણ એ સત્ય છે કે પ્રકૃતિએ પડખું ફેરવ્યું છે. જાપાન અને યુરોપે આ વરસે કદી કલ્પના પણ કરી ન હતી એવા ઉકળાટનો અનુભવ કર્યો છે. ભારતમાં વરસાદ પડે ત્યાં આડેધડ પડે એ સંયોગો કાયમી થઈ ગયા છે. પૂર્વ ભારત માટે ચોમાસુ એક આપત્તિ છે. ખરેખર વ્યક્તિગત રીતે દરેક મનુષ્ય આત્મદર્શન કરે કે કોરોનાના આગમન પછી એણે પોતાની જીવનશૈલીને કેટલીક બદલાવી તો ખ્યાલ આવશે કે અભિજાત લક્ષણો એમ થોડાક ગોથા ખાવાથી બદલાતા નથી. મૃત્યુના ભયથી ડરતા ડરતા રોજ ઉકાળાઓ ગટગટાવ્યા એ કંઈ પ્રકૃતિ કે પર્યાવરણ સાથેની દોસ્તી ન હતી. શરીરને નુકસાનકારક જે કંઇ આહાર છે તે અટકાવવાની વાત બહુ શરૂઆતમાં વિશ્વ આરોગ્ય સંસ્થાએ કહી હતી. જો એવા ત્યાજ્ય આહારનો ઉપયોગ અટકે તો જ એના ઉત્પાદનો બંધ થાય. અનેક વસ્તુઓ એવી જે એની મર્યાદામાં શોભનીય છે.
મર્યાદા બહારના આહાર શરીરની ભીતર દુર્ઘટના નોંતરે છે જેે ડાક્ટર જ જોઈ શકે કે સાંભળી શકે. કોરોનાએ ઈમ્યુનિટીને પડકારેલી છે. ને સરેરાશ ભારતીય પ્રજાની ઈમ્યુનિટીને દુનિયા આજે વખાણે છે. જો કે જેટલા મૃત્યુ છેલ્લા બે-ત્રણ વરસમાં થયા એ દુઃખદ છે. જિંદગી અલ્પવયે સમેટાઇ જાય ત્યારે સપનાઓની એક લાંબી વણઝાર પણ દિવંગત થઈ જતી હોય છે. મૃત્યુ સંસારનો સૌથી કારમો ઘા છે. જેમણે કોરોનામાં સ્વજનો ગુમાવ્યા છે તેઓના પર હજુ પણ શોકના વાદળો છવાયેલા જોવા મળે છે.
આમ તો આ નવા દાયકાની શરૂઆત જ હજારો-લાખો એકરના સળગતા જંગલો વચ્ચે થઈ હતી. પચાસ હજાર ચોરસ કિલોમીટરની આગથી થયેલા નુકસાનનો હિસાબ કરતા ઓસ્ટ્રેલિયન સરકારને એક વરસ લાગ્યું. કચ્છના અને લાતૂરના ભૂકંપનો હિસાબ કરતા આપણને પણ એક વરસ લાગ્યું હતું. સહેજ પણ ચિંતા વિના લોકો જિંદગી પસાર કરે છે. જે ચિંતા છે તે પોતાની અંગત છે. પર્યાવરણની નથી. આપણી માનસિકતા એવી છે કે ઓસ્ટ્રેલિયન જંગલો સળગ્યા પણ એ આગ અહીં થોડી આવવાની છે ? પરંતુ એ આગ અહીં આવી શકે છે. કારણ કે આ આગ પૃથ્વી નામના આપણા સહિયારા ઘરમાં લાગેલી આગ છે. કોઈ બીજા ગ્રહ કે ઉપગ્રહ પરનો આ ધૂમાડો નથી. સંયુક્ત રાષ્ટ્રસંઘ અંતર્ગતના વિશ્વ મોસમ સંગઠનના નવા અહેવાલો આમ તો માણસ જાતની ઊંઘ ઉડાડવા માટે પૂરતા છે.
હવે પછી આવનારા તમામ વરસોમાં કુદરત રુઠેલી રહેવાની છે. એક વાત એ ધ્યાનમાં લેવા જેવી છે કે દરેક આપત્તિમાં હવે બચાવ કામગીરી ધીમી પડતી જાય છે. એટલે કે કુદરતી સંકટ આત્યંતિક હોય છે. હવે કુદરત આગાહીઓને વશ નથી. ભલે હવામાન ટેકનોલોજી વધી પરંતુ અંદાજ ખોટા પડે છે. પૂનાની વેધશાળાએ ગયા વખતે સ્પષ્ટ કહ્યું હતું કે આ વખતે શિયાળો હૂંફાળો રહેવાનો છે, બહુ ઠંડી તો પડવાની જ નથી ! એ વિધાનો સાવ અવૈજ્ઞાનિક સાબિત થયા અને શિયાળો નિયમસરનો કાતિલ નીવડયો. જો કે ગ્લોબલ વોર્મિંગનો તો અર્થ જ એ છે કે ખૂબ જ ઠંડી અને અસહ્ય ગરમી. આમ પણ મોસમનું ચક્ર જુઓ તો આ વરસે આખું ચોમાસુ ગરમીનું વાતાવરણ ચાલુ રહેવાનું છે. ગયા વખતે પહેલો એવો શિયાળો હતો જેણે રૂમ હિટરોનું માર્કેટિંગ કર્યું. કોઈ મોસમ એના અતિરેકને કારણે માણી શકાય નહિ. ઠંડા પવનના શોખીનો એવી મોસમમાં જો વનવગડે અલગારીની રખડપટ્ટી આરંભે તો તેઓએ આરોગ્યની પછડાટ જ વેઠવાની આવે. કુદરતને માણવાની મઝા પણ ઓછી થવા લાગી છે કારણ કે એ કુદરતના ઉછેર અને સંભાળમાં આપણું તો કોઈ યોગદાન નથી ! પ્રકૃતિ એને જ રમણીય અનુભવ અને આહલાદનો અનુભવ કરાવશે કે જે એના અભિમુખ હશે. આખી જિંદગી કુદરતી સંપદા સાથે માત્ર ભોગવાદી નીતિ રાખનારાઓએ એની સજા ભોગવવી પડશે.
ગત શિયાળે મધ્યમ વર્ગના અને ભાડાના મકાનમાં વસતા લોકો દોડી દોડીને રૂમ હિટર લઈ આવ્યા હતા. ગેસ ગિઝર અને ઈલેક્ટ્રિક ગિઝર સંબંધિત દુર્ઘટનાઓ અવાર નવાર વાયરલ થતી હોવા છતાંય એનું વેચાણ પણ મંદીમાં એકાએક વધી ગયું હતું. મોસમનો આહલાદ હવે બધા માણી શકે એમ નથી. કુદરતે તેના તમામ સર્જનોમાં મનુષ્યને મુઠી ઉંચેરુ સ્થાન આપતાં તેને બુદ્ધિરુપી વિશેષતા બક્ષી છે. આ જ બુદ્ધિને બળે મનુષ્ય પોતાને માટે, કુદરતના તમામ સર્જનોને માત્ર ને માત્ર પોતાની ભૌતિક સુખ-સુવિધાના સાધનો જ માની લીધા છે. તેને વિના મૂલ્યે મળેલી અમૂલ્ય પ્રાકૃતિક સંપદાના વપરાશમાં તે કોઈ પ્રમાણભાન જાળવી શક્યો નથી.
જેના કારણે કુદરતનું જે ચક્ર અત્યાર સુધી એક નિયત ગતિએ ચાલી રહ્યું હતુ, તેમાં હવે થોડા થોડા અંતરાયો આવવા લાગ્યા છે. રૌદ્ર એ પણ કુદરતનું એક સ્વરૂપ છે. પોષતું તે જ મારતું નું બ્રહ્મ-સનાતન-સત્ય જાણે આવનારા ભવિષ્યની વાસ્તવિકતા બનીને આજે સમસ્ત માનવ સમાજની સામે આવીને ઊભું છે. જે પ્રકારે ઘરવપરાશના યંત્રોની પણ સમયાંતરે જાળવણી કરવામાં ન આવે તો, જે સ્થિતિ સર્જાય છે, તેવી જ સ્થિતિ હાલ વૈશ્વિક વાતાવરણમાં જોવા મળી રહી છે. જાપાનના પર્યાવરણવિદોએ કહ્યું છે કે કુદરતને પોતાના સાવ સ્વાભાવિક ક્રમમાં આવવા માટે આ આખી સદીની જરૂર પડશે, એટલો બધો ઉપદ્રવ માણસે વસુંધરા પર આચરેલો છે.