Get The App

સ્ત્રીઓનો સૈન્ય વિવાદ .

Updated: Nov 29th, 2024


Google NewsGoogle News
સ્ત્રીઓનો સૈન્ય વિવાદ                              . 1 - image


પુરુષ સમોવડી સ્ત્રી - આ શબ્દપ્રયોગ અને તેમાં છુપાયેલી ભાવના એ ભારતીય સમાજને છેલ્લી બે-ત્રણ સદીથી મળેલો અભિશાપ છે કે આશિષ છે? પહેલાં મુગલો અને ત્યાર બાદ આવેલા અંગ્રેજોએ ભારતના સમાજમાં પ્રવર્તતી મુક્તિ અને સ્ત્રી ઔદાર્યને મલિન કર્યું. નહિતર આપણે પુરુષોની સમકક્ષ સ્ત્રીઓને લાવવાની ઝુંબેશ ચલાવવી પડી ન હોત. ભારતની ભૂમિ શતાબ્દીઓથી સ્ત્રીને ઊંચા સ્થાને મૂકે છે. છેલ્લા અઢીસો - ત્રણસો વર્ષથી સ્ત્રીએ કરવાનાં કામ અને પુરુષે કરવાનાં કામમાં ભેદ પડયા અન ભેદરેખા સૂક્ષ્મ થવાના બદલે ઘેરી થતી ગઈ માટે વર્તમાન વિશ્વમાં ઘણા પ્રશ્નો ઉદભવ્યા. લગભગ દરેક સ્થાન પર અને દરેક હોદ્દા પર સ્ત્રીને જોવા માટે જનમાનસની આંખ ટેવાયેલી છે, પણ લશ્કરનો યુનિફોર્મ પહેરેલી સ્ત્રીનું દ્રશ્ય હજુ પણ માનસપટ ઉપર અંકિત થતું નથી, કારણ કે વાસ્તવમાં પણ આર્મીમાં બહુ ઓછી સ્ત્રીઓની ભરતી થાય છે. છેલ્લા અમુક દાયકાથી લશ્કરમાં બહુ ઓછી સંખ્યામાં પણ નોંધપાત્ર હોદ્દા ઉપર વુમન ઓફિસર હોય છે.

સમગ્ર દેશની સુરક્ષાનો ભાર લશ્કર ઉપર હોવાના કારણે લશ્કરની શિસ્ત અન લશ્કરની ગંભીરતા અનન્ય હોય છે. લશ્કરમાં ભલે સિનિયોરિટી મુજબ અલગ અલગ કેટેગરી હોય પણ તે કુશળતા અને અનુભવ મુજબ અપાયેલા રેન્કિંગ છે, વિભાજન નહી. કમનસીબે, ભારતીય લશ્કરમાં પુરુષ અફસરો અને મહિલા અફસરો એવા બે ભાગ પડયા છે. લશ્કરની મહિલા અફસરો કેન્દ્રમાં હોય એવા થોડા વિવાદાસ્પદ સમાચાર પણ ઇન્ડિયન આર્મીમાંથી મળતા રહેતા હોય છે. ભારતીય સેનાના ઉચ્ચ અધિકારી લેફ્ટનન્ટ જનરલ રાજીવ પુરીના તાજેતરના પત્રે સૈન્યના ઉચ્ચ હોદ્દાઓ પર રહેલી મહિલા અફસરોની ભૂમિકા અંગે ભારે ચર્ચા જગાવી છે. વરિષ્ઠ કમાન્ડરોને સંબોધિત થયેલા આ પાંચ પાનાંના પત્રમાં કેટલીક મહિલા કમાન્ડિંગ ઓફિસરો (COs)ની નેતૃત્વ શૈલીની ટીકા કરવામાં આવી છે.

એકબીજા સાથે સતત થઈ રહેતી ચડભડ, પોતાના હોદ્દાનો દુરુપયોગ કરીને ખોટી સેવાઓ લેવી અને જુનિયર ઓફિસર સાથેની ગેરવર્તણુક જેવા મુદ્દાઓ તે ટીકા-પત્રમાં વિગતવાર ટાંકવામાં આવ્યા છે. લેફ્ટનન્ટ જનરલનો પત્ર મીડિયામાં એવા સમયે લીક કરવામાં આવ્યો જ્યારે ભારતીય સેનામાં ઉચ્ચ સ્થાનો વીમેન ઓફિસરોને સોંપીને નેતૃત્વની ભૂમિકામાં મહિલાઓને આગળ લઇ જવાની ગંભીરતા સાથે વિચારણા ચાલી રહી છે. ૨૦૨૦માં, ભારતની સર્વોચ્ચ અદાલતે સૈન્યમાં કાયમી કમિશન અને કમાન્ડની ભૂમિકાઓ નિભાવવાની માટે મહિલા ઓફિસરો માટે દરવાજા ખોલ્યા હતા. આ સીમાચિહ્નરૂપ નિર્ણયને કારણે મહિલા ઓફિસરો પણ પ્રમોશન, રેન્ક અને લાભોના સંદર્ભમાં બીજા પુરૂષ મિલિટરી અફસરોની સાથે ખભેખભો મિલાવતી થઈ. 

કુલ મળીને ૧૦૮ મહિલા અફસરોને ૨૦૨૩માં કર્નલના પદ પર બઢતી આપવામાં આવી છે. મહિલાઓ હવે એર ડિફેન્સ, ઇન્ટેલિજન્સ, એન્જિનીયરિંગ અને લોજિસ્ટિક્સ સહિત અન્ય ક્ષેત્રોમાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે. લેફ્ટનન્ટ જનરલ પુરીના પત્રમાં તેમના કમાન્ડ હેઠળની આઠ મહિલા અધિકારીઓની કામગીરીની સમીક્ષા કરવામાં આવી છે. તે પત્ર પરથી એવું લાગે છે કે આ ચોક્કસ મહિલા ઓફિસરોની ડયુટીથી સેનાના સિનિયર અધિકારીઓ ખુશ નથી. પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે મહિલા COsમાં ઘણીવાર કુનેહ અને અમુક સંજોગોમાં જરૂરી એવી સહાનુભૂતિનો અભાવ હોય છે. તેના કારણે તેમના જુનિયર અધિકારીઓને પૂરતું માન મળતું નથી. 

પત્રમાં એક મહિલા અધિકારીનું ઉદાહરણ ટાંકવામાં આવ્યું છે જેમણે પોતાના જુનિયર પાસે પોતાની ગાડીનો દરવાજો ધરાર ખોલાવડાવ્યો હતો. ભારતીય લશ્કરમાં આવો કોઈ નિયમ નથી અને કોઈ મિલીટરી પર્સનેલ એવી ફરજ પાડી શકે નહીં. મહિલા ઓફિસરોના લઈને આવા અમુક વિવાદો ભારતીય લશ્કરના જુદા જુદા એકમોમાં થતાં રહે છે. માટે સિનિયર અધિકારીઓએ નિષ્કર્ષ કાઢયો છે કે સૈન્ય ફક્ત 'લિંગ સમાનતા' પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે 'લિંગ તટસ્થતા' તરફ આગળ વધે તો સારું રહેશે.  આદર્શ સ્થિતિ તો એ જ છે કે પસંદગી અને પોસ્ટિંગ લિંગના આધારે નહીં, પરંતુ યોગ્યતા અને ક્ષમતાના આધારે થવી જોઈએ. ૨૦૨૦માં સુપ્રીમ કોર્ટના નિર્ણયે ભારતીય સેનામાં મહિલાઓ માટે એક વળાંક ચિહ્નિત કર્યો, જેના કારણે ભારતીય લશ્કરમાં બધા નિયમો મેલ અને ફિમેલ માટે સરખા થયા. આજે ૭,૦૦૦થી વધુ મહિલાઓ ભારતીય લશ્કરમાં સેવા આપે છે. લશ્કરના જુદા જુદા એકમોમાં મહિલા ઓફિસરોની સંખ્યા વધતી રહે છે, જે ઈચ્છનીય પણ છે.


Google NewsGoogle News