કર-નાટકનો નવો અંક .
ભાજપે બી. એસ. યેદિયુરપ્પાને સન્માન સહિત કર્ણાટકના મુખ્યમંત્રીપદેથી વિદાયમાન આપ્યા પછી પણ રાજ્ય વિધાનસભાના ભાજપી ધારાસભ્યોમાં હજુ અસંતોષની જ્વાળા યથાવત્ રહી છે. નવા મુખ્યમંત્રી બસવરાજ બોમ્માઈએ હવે રાજ તો સંભાળી લીધું છે પરંતુ આંતર-કલહની ધૂમ્રસેરો હજુ દેખાય છે. નવોદિત બસવરાજ આમ પણ નંબર ટુ ગણાતા હતા.
તેઓ યેદિયુરપ્પાના સૌથી વધુ વિશ્વસનીય સાથીદાર છે. ઉપરાંત જે ભ્રષ્ટ આચરણને કારણે યેદિએ ઘરભેગા થવું પડયું એવી સર્વ ભ્રષ્ટતાઓથી બોમ્માઈ અદ્યાપિ મુક્ત છે. ભાજપે એક સ્વચ્છ પ્રતિભાને સુકાન સોંપીને કન્નડ પ્રજાને રાજી રાખવાની કોશિશ કરવી પડી છે. યેદિની જેમ જ બોમ્માઈ પણ લિંગાયત સમુદાયમાંથી આવે છે. દક્ષિણના ગઢમાં ભાજપને સુગમ પ્રવેશ અપાવનાર આ લિંગાયત સમાજ છે, એથી ભાજપ હજુ એની આમાન્યા જાળવે છે.
યેદિ આજથી બરાબર બે વરસ પહેલા કુમાર સ્વામીની સરકારને તોડીને જ્યારે મુખ્યમંત્રી બન્યા ત્યારે ભાજપ હાઈકમાન્ડે એમને સ્પષ્ટ ભાષામાં પારદર્શક અને બિન વિવાદાસ્પદ વહીવટ કરવા કહ્યું હતું. પરંતુ એમના રાજકીય ચરિત્રમાં કોઈ ફેરફાર ન હતો. તેઓ ખાણ અને ખનિજના વિવિધ પ્રકારના લાયસન્સની મિત્રલાબીમાં લ્હાણી કરતા રહ્યા જેનો હિસાબ એનો પુત્ર બી. વાય. વિજયેન્દ્ર રાખતો હતો.
આ એક ખાનગી છતાં જાહેર પ્રવૃત્તિ હતી અને ઢાંકી ઢંકાય એમ ન હતી. યેદિયુરપ્પાના પતનનું એક કારણ એમની ખાણલક્ષ્મી અને ખનિજલક્ષ્મી પ્રત્યેની ગાઢ પ્રીતિ પણ છે. મિસ્ટર મોદીનો રાષ્ટ્રીય ક્ષિતિજે અભ્યુદય થયો એ પહેલા યેદિયુરપ્પા એક કુખ્યાત ખનિજ પ્રકરણમાં ચાલીસ કરોડ લેવાના કેસમાં ફસાયેલા હતા.
કોંગ્રેસે નેતૃત્વ પરિવર્તનના આ ઘટનાક્રમમાં એવો કટાક્ષ કર્યો છે કે યેદિયુરપ્પા હવે ભાજપના રાજકીય વૃદ્ધાશ્રમમાં જોડાઈ ગયા છે, જ્યાં અનેક દિગ્ગજો સેવા નિવૃત્તિ ક્લબ ચલાવે છે ! પણ યેદિ શાન્ત બેસી રહે એમ નથી. કેન્દ્રમાં જ્યારે યુપીએની સરકાર હતી ત્યારે લાંચના ૪૦ કરોડ લેવાના કેસમાં યેદિ ફસાઈ ગયા હતા.
સીબીઆઈએ સકંજો કસતા અને પોતે સ્વતંત્ર નવા રાજકીય પક્ષનો પ્રયોગ કરવા જતાં નહિ ઘરના ને નહિ ઘાટના જેવા સંયોગોમાં તણાઈ ગયા હતા. ઈ. સ. ૨૦૧૪માં નરેન્દ્ર મોદીનો ચડતી કળાનો ચન્દ્ર જોઈને યેદિ ફરી ભાજપ તરફ વળ્યા હતા. જો કે ભાજપને પણ એ ખબર હતી કે કર્ણાટકમાં યેદિયુરપ્પા વિના રાજકાજમાં રંગ જામશે નહિ. છેવટે તેઓ સુબહ કા ભૂલાની જેમ જિંદગીની સાંજે ફરી ભાજપમાં જોડાઈ ગયા હતા અને અલિખિત નિયમ પ્રમાણે સીબીઆઈએ તેમને પછીથી દૂધે ધોયા ને ગંગાએ ન્હાયા જાહેર કર્યા હતા.
બસવરાજ બોમ્માઈ આપણા એક જમાનાના અમરસિંહ ચૌધરી જેવા મુખ્યમંત્રી છે. બહારથી સીધા સાદા અને સહુને રાજી રાખવાની ફોર્મ્યુલા ધરાવનારા છે. જો કે એ ભય તો હજુ રહેવાનો કે તેઓ માત્ર યેદિના હાથનું રમકડું બનીને ન રહી જાય. યેદિના બન્ને દીકરાઓ અને જમાઈ ખાણ-ખનિજના એક્કાઓ છે અને તેમની ઈચ્છા વિના કર્ણાટકમાં કોઈ ખનન થઈ શકતું નથી. પ્રાકૃતિક અને સરકારી સંપદા લૂંટવામાં તેમનો કોઈ જવાબ નથી.
હવે જોવાનું એ રહે છે કે નવોદિત બોમ્માઈ યેદિ પરિવારની કઠપૂતળી માત્ર બનીને ન રહી જાય. અમરસિંહ ચૌધરીએ જે સમયે હાલક-ડોલક ગુજરાતની ધુરા સંભાળી હતી ત્યારે એમને એક એવરેજ અથવા બિલૉ એવરેજ નેતા માનવામાં આવતા હતા. પરંતુ તેમણે ઉપરા ઉપરી ત્રણ દુષ્કાળ સામે ટક્કર ઝિલીને રાજ્યને પાટે ચડાવ્યું હતું.
કર્ણાટક બહુ જ પ્રાચીન માન્યતાઓ ધરાવતું રાજ્ય છે. અહીં કથાઓ, ધર્મકથાઓ અને દંતકથાઓ પારાવાર છે. એમાંથી જ ગિરીશ કર્નાડ જેવા મહાન લેખકે નાગમંડલા અને હયવદન જેવા અુત નાટકો આપ્યા છે. કર્ણાટકના તમામ રાજકીય પક્ષો પ્રજાની પ્રાચીન ધર્મશ્રદ્ધા અને અંધશ્રદ્ધા બન્નેને પરિપુષ્ટ કરે છે.
અહીંની પ્રજા કલાપ્રિય છે. હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતની એક વિશેષ શાખા કર્ણાટકી સંગીત છે. બોમ્માઈનું કામ ભાજપના આંતરિક વિખવાદને થાળે પાડીને ધારાસભ્યો સહિત પ્રજાના વિશ્વાસની પુન:સ્થાપનાનું છે. જે આરોપો યેદિ પરિવાર પર સમળીની જેમ ચકરાવા લઈ રહ્યા તેમાં હવે નવો ભ્રષ્ટાચાર ન થાય તે જોવાની જવાબદારી બોમ્માઈની છે કારણ કે બધાની નજર એમના પર રહેશે. પોતે યેદિના વફાદાર હોવા છતાં નીતિના રસ્તે ચાલવું નવા મુખ્ય પ્રધાન માટે આસાન નથી.