કન્યા કેળવણીના પરિણામો
આપણા સમાજમાં વર્ષોથી કન્યા કેળવણીની ઝુંબેશ ચાલે છે. હજુ પણ એ ચાલુ જ છે. પહેલાના જમાનામાં યુવકો વધુ ભણેલા હતા અને યુવતીઓ ઓછું ભણેલી હતી. એનું એક કારણ એ પણ છે કે એ જમાનાની દીકરીઓને ભણવાની બહુ ઝંખના ન હતી. ત્યારે કંઈ વાંધો ન હતો કારણ કે સમાજે સ્વાભાવિક રીતે સ્વીકાર્યું હતું કે સાસરે ગયા પછી કન્યાનું મુખ્ય કામ તો ગૃહિણી તરીકેનું છે. બહુ ન ભણ્યા હોય તો ચાલે. પરંતુ પછી કન્યા કેળવણીને કારણે દીકરીઓ ભણવા લાગી અને એટલું ભણી કે આજે સમાજમાં દીકરીઓ બહુ ગૌરવપૂર્વક આગળ નીકળી ગઈ છે. છતાં સમાજમાં જ એક વર્ગ એવો છે ખરો કે જે હજુય એમ માને છે કે દીકરીઓને ભણાવવાની જરૂર નહીં, પરંતુ એ વર્ગની આવી માન્યતાને હવે કોઈ ધ્યાનમાં લેતું નથી. અત્યારે સમાજમાં સાવ જુદા જ પ્રકારની શૈક્ષણિક અસમતુલા જોવા મળે છે. ઘણા કુટુંબોમાં દીકરીઓ આગળ નીકળી ગઈ છે અને ખૂબ હોશિયાર છે અને એ જ પરિવારના દીકરાઓ ભણવામાં બહુ પાછળ છે. હવે જે દીકરીઓ વધુ ભણેલી છે તેઓ જ્યારે ઉંમરલાયક થાય ત્યારે યોગ્ય વર શોધવાનું કામ પણ આસાન નથી. આપણે એવા પણ કિસ્સા જોયા છે જેમાં બહુ ભણ્યા પછી કન્યાઓએ ઓછું ભણેલા ઉમેદવાર પસંદ કરવાના થાય છે.
એવા મુરતિયાઓ કે જેઓ મોટા બિઝનેસ ચલાવે છે તેઓ ભલે બહુ ભણ્યા ન હોય પણ ગણ્યા હોય સારી રીતે એટલે વાંધો આવતો નથી. ઘણીવાર તો વર પક્ષ જ બહુ ભણેલી કન્યા સ્વીકારવા તૈયાર હોતો નથી અને હવે તો એવો સમય છે કે ઓછું ભણેલી કન્યા મળવી પણ મુશ્કેલ છે. અત્યારે સમાજમાં યુવાનોના વેવિશાળ બહુ ઝડપથી થતા નથી એની પાછળનું એક કારણ એ પણ છે કે એને સમાન કોઈ કન્યાનું પાત્ર મળતું નથી. શૈક્ષણિક અસમાનતાએ દીકરીના માતા-પિતા માટે પણ ચિંતા વધારી છે. આમાં દીકરીના સ્વાભિમાનનો પણ પ્રશ્ન છે. છતાં હવે સહુએ સ્વીકારી લીધું છે કે ગુજરાતમાં દીકરીઓ થોડું વધુ ભણેલી હોય છે. પત્ની વધુ ભણેલી હોય એથી પતિદેવને હવે લઘુતાનો અનુભવ થતો નથી. તાત્ત્વિક રીતે જુઓ છો પિતાની તુલનામાં માતા વધુ ભણેલી હોય એ પરિવારો જલ્દી ઊંચા આવે છે. કારણ કે ઘરના બાળકોએ વધુમાં વધુ સમય એની માતા પાસે પસાર કરવાનો છે. જો માતાનો અભ્યાસ વધારે હશે તો એના માર્ગદર્શનનો લાભ સંતાનોને મળશે. ઉપરાંત હવે શ્રીમંત પરિવારોમાં પણ ઘરની પુત્રવધૂઓએ બિઝનેસ કે ઔદ્યોગિક કામકાજમાં રસ લેવો પડે છે.
સતત વિકાસ કરનારા પરિવારોનો પુરુષવર્ગ એકલે હાથે પહોંચી શકે નહિ. ઉપરાંત જે નોકરિયાત પરિવાર હોય એમાં પતિ-પત્ની બન્નેએ નોકરી કરવાની હોય. એનાથી ઘરની આવક સમર્થ બને છે. લગભગ તમામ સ્તરે ખર્ચ વધતા રહે છે અને હજુ વધવાનો અણસાર છે. આવા સંયોગોમાં જો બેવડી આવક હોય તો જીવનમાં સંઘર્ષ ઓછો કરવો પડે છે અને એને કારણે બાળકો માટે થતા ખર્ચમાં પણ મદદ રહે છે. બાળકો માટેનું બજેટ વધતું જાય છે. પરિવારના કુલ બજેટમાં બાળકો ઘણો હિસ્સો રોકવા લાગ્યા છે. જેમણે પોતાના સંતાનોને આવનારા યુગની સ્પર્ધામાં ટકાવવા છે એમણે એમની શૈક્ષણિક અને અન્ય આહાર-વિહારની પ્રવૃત્તિઓમાં વધુ રોકાણ કરવું પડે છે. આપણે ત્યાં પેરેન્ટિંગ અંગે બહુ માર્ગદર્શન મળતું નથી. વાલીઓ પાસે પોતાના સંતાનોના ભવિષ્ય અંગેનો કામચલાઉ રોડ મેપ પણ હોતો નથી. જે કેટલીક સંસ્થાઓ વાલીઓને માર્ગદર્શન આપવાના કાર્યક્રમો રાખે છે એ મહદ અંશે શૈક્ષણિક સંસ્થાઓ હોય છે અને એનો હેતુ માત્ર એડમિશન વધારવાનો કે જે છે એ વિદ્યાર્થીઓ જાળવવાનો હોય છે. એનો હેતુ કોમર્સિયલ હોય છે.
વાલીઓને માર્ગદર્શન આપવાનો તો હેતુ જ હોતો નથી. અમારી સંસ્થા મહાન છે એ એક જ રેકર્ડ એમાં વાગ્યા કરે છે. વાલીઓ પણ એનાથી સંતોષ માને છે. જ્યારે એ વાલીઓને ખ્યાલ આવે છે કે આપણા સંતાનો પાછળ રહી ગયા છે ત્યારે બહુ મોડું થઈ ગયું હોય છે. વાલીઓના અજ્ઞાાનનો સૌથી મોટો ગેરલાભ દીકરાઓને થાય છે એવું જોવા મળે છે. દીકરીઓ તો આપ આવડતથી ભણવામાં બહુ જ એકાગ્ર હોવાથી આગળ નીકળી જાય છે. જે કન્યા માટે એના ઉચ્ચ અભ્યાસ પછી યોગ્ય મુરતિયો મળતો નથી તો એમાં કન્યાનો શું વાંક ? શું પુરુષ પ્રધાન સમાજમાં સ્ત્રીને પુરુષ સમોવડી માનવાની માત્ર વાતો જ થાય છે ? બહુ પ્રતિભા સંપન્ન હોવું અને ભણવામાં તેજસ્વી હોવું એ દીકરીઓનો કોઈ અપરાધ છે ? દીકરાઓ રખડુ અને ઠોઠ થવા લાગ્યા છે અને નોકરી-ધંધાના ઠેકાણા નથી તો એમાં સમાજની યુવતીઓ શું કરે ? બધા દીકરાઓ ભલે એવા નથી પણ એની સંખ્યા નાનીસૂની પણ નથી ને !