ચીની હસ્તક્ષેપ શરૂ .
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે પહેલગામના ગુનેગારોને ન્યાયના કઠેડામાં લાવવા હાકલ કરી છે. આ હાકલ સ્પોન્સર્ડ છે. એનું કહેવું એમ છે કે આતંકવાદીઓને પકડીને વીસ વરસ કેસ ચલાવો. એમને તરત મારશો નહીં. આ રીતે ચીન પાકિસ્તાનને બચાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. ભૂતકાળમાં, પાકિસ્તાન આતંકવાદના મુદ્દા પર સુધારો કરી શક્યું નથી. આતંકવાદ અંગે ચીનની કોઈ સ્પષ્ટ નીતિ નથી. ભારતે આ મુદ્દા પર ચીન સાથે સ્પષ્ટ વાત કરવી જોઈએ. ભારતને પડયા પર પાટુ મારવાની કોઈ તક ચીને જતી કરી નથી. બહારથી એમ દેખાય છે કે ભારત સાથે ઘણા દેશો છે, પણ વાસ્તવમાં હાથીઓના દાંત ચાવવાના અને પ્રદર્શનના જુદા-જુદા હોય છે. ભારત પર ગુપ્ત રીતે પાકિસ્તાન સાથે યુદ્ધ ન કરવાનું દબાણ હોય એવું દેખાય છે. ભારત સરકાર અત્યારે પ્રજાની ધીરજનો કસોટી કરી રહી હોય એમ લાગે છે જે યોગ્ય નથી.
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે પોતાના નિવેદનમાં પહેલગામના ગુનેગારો પર ન્યાય પ્રક્રિયાની હાકલ કરી છે, પરંતુ નિવેદન જોતાં એવું લાગે છે કે આ નિવેદન એક તો ચીન પ્રેરિત છે અને એ પણ માત્ર પ્રત્યાઘાત આપવા માટે છે. હકીકતમાં, જ્યાં સુધી ચીન, કાયમી સભ્ય તરીકે, આતંકવાદને સમર્થન આપતા પાકિસ્તાનનું રક્ષણ કરવાનું ચાલુ રાખે છે, ત્યાં સુધી યુનોના કોઈ પણ મંચ પર કોઈ પરિવર્તનની અપેક્ષા રાખવી નિરર્થક છે. પહેલગામ પર UNSCના નિવેદનની ભાષા અત્યંત શિથિલ છે, સન ૨૦૧૯ ના પુલવામા હુમલા પછી જારી કરાયેલા નિવેદન કરતાં પણ નબળી ભાષા છે. ત્યાર બાદ બધા દેશોને ભારત સરકાર સાથે સક્રિય રીતે સહયોગ કરવા હાકલ કરવામાં આવી છે. આ વખતે અપીલ છે કે તમામ સંબંધિત અધિકારીઓને સહકાર આપો. ભારત સરકાર એવા શબ્દો હોત તો પાકિસ્તાન પર વધુ દબાણ આવ્યું હોત. પરંતુ ફરી એકવાર ચીન તેમને બચાવવા આગળ આવ્યું.
આતંકવાદના મુદ્દા પર પાકિસ્તાનને સુધારી શકાતું નથી; ભૂતકાળે આપણને ઓછામાં ઓછું આટલું શીખવ્યું છે, પરંતુ ચીનનું વલણ પણ ઓછું શંકાસ્પદ નથી. કમનસીબે, તેની પાસે આતંકવાદ અંગે એક પણ નીતિ નથી. જ્યારે પાકિસ્તાનમાં ચીની નાગરિકોને નિશાન બનાવવામાં આવે છે, ત્યારે ચીન તેને આતંકવાદ તરીકે જુએ છે, પરંતુ જ્યારે તેને તક મળે છે, ત્યારે તે મસૂદ અઝહર જેવા આતંકવાદીઓને બચાવવાથી પણ શરમાતું નથી. ચીન હવે પાકિસ્તાનને પોતાની રીતે ચલાવવા ચાહે છે. ચીન સતત પાકને એ પ્રતીતિ કરાવે છે કે તમારા ગોડફાધર હવે અમે છીએ. અમેરિકાએ પાકિસ્તાનને પડતું મૂક્યા પછી પણ કેટલીક આંતરરાષ્ટ્રીય લોન માટે ભલામણ કરવાનું ચાલુ રાખ્યું છે. ચીન અને અમેરિકાના ચરિત્રમાં બહુ તફાવત હવે નથી. બન્ને દેશો પોતાના સ્વાર્થ માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે.
એવું નથી કે ચીન મુસ્લિમોનો નેતા છે. તેણે પોતાના શિનજિયાંગ પ્રાંતને વિશ્વની સૌથી મોટી જેલમાં પરિવર્તિત કરી દીધું છે. ચીની સંસ્કૃતિનું જ્ઞાાન આપવાના નામે ઉઇગુર મુસ્લિમોને ડિટેન્શન કેમ્પમાં રાખવામાં આવે છે. ઘણાં માનવાધિકાર સંગઠનોએ આની વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો છે, પરંતુ ચીન કહે છે કે તેની લડાઈ આતંકવાદ અને અલગતાવાદ સામે છે. કમનસીબે, ભારતની વાત આવે ત્યારે બેઇજિંગનો આતંકવાદ પ્રત્યેનો અભિગમ બદલાય છે. ભારત-ચીન સંબંધો ઉતાર-ચઢાવથી ભરેલા રહ્યા છે અને તેના મૂળમાં સરહદ વિવાદ છે. તે ભારતને મુશ્કેલીમાં મૂકવા માટે પાકિસ્તાનનો ઉપયોગ એક સાધન તરીકે કરી રહ્યું છે. જોકે, નવી દિલ્હીએ હવે આ મુદ્દા પર સ્પષ્ટપણે બોલવું જોઈએ. એક તરફ, કૈલાસ માનસરોવર યાત્રા ફરી શરૂ થવા જઈ રહી છે, જે સંબંધોમાં સુધારો દર્શાવે છે અને બીજી તરફ, પાકિસ્તાનનું સંરક્ષણ કરવાની ચીનની મુરાદ - એટલે કે ચીન બેવડી રમત રમે છે. દુનિયા ભારતના દ્રષ્ટિકોણને વધુ સારી રીતે સમજી રહી છે. ચીનને પણ આ જ વાત સમજાવવી પડશે.
ખરેખર ભારત સરકારની વિદેશ નીતિની આ કસોટીનો સમય છે. મોદી સરકાર ઘણા લાંબા સમયથી સત્તા ઉપર છે અને કાશ્મીરમાં એમણે ઘણું કામ કર્યું છે તેમ છતાં એ વાત જાહેર થઈ ગઈ છે કે કાશ્મીર અંગે ભારત સરકાર તેમની પ્રજાને હજુ પણ અભય વચન આપી શકે એમ નથી. જોકે રાજકીય વ્યાખ્યાનો અને જાહેર સભાઓમાં કાશ્મીર વિશે થતી વાતો અને તાજેતરનો ઘટનાક્રમ એકદમ વિરુદ્ધમાં છે. રાજનેતાઓનાં નિવેદનો સાથે કાશ્મીરના ધરાતલ પરની હકીકતોનો કંઈ મેળ બેસતો નથી.