હાલક ડોલક તાજમહેલ .
તાજમહેલમાં તિરાડો, પાણી લિકેજ અને એના પીલરમાંથી છોડ પણ ઉગતા હોવાની સાબિતીઓ સામે આવી છે. તાજેતરના અમુક બહાર આવેલા વીડિયોએ ૧૭મી સદીના આ મહાન સ્મારકની વર્તમાન સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી છે. ભારતના સૌથી પ્રતિકાત્મક સીમાચિહ્નોમાંનું એક એવો તાજમહેલ સદીઓથી સ્થાપત્યની ભવ્યતા અને પ્રેમનું પ્રતીક બનીને આખી દુનિયાને આકર્ષે છે. જો કે, તેની જાળવણી અંગેની ચિંતાઓ હવે મીડિયામાં હેડલાઇન્સ બની રહી છે, અને ઘણા લોકો તેને બચાવવા માટે લેવામાં આવતા પગલાઓ પર સવાલ ઉઠાવી રહ્યા છે. ગયા મહીને અને આ મહિનાના પણ ભારે વરસાદને કારણે તાજમહેલના આરસપહાણમાં તિરાડો દેખાય છે, પાણીનું લીકેજ અને પિલરની ટોચની સપાટી પર ઉગેલા છોડ પણ સ્પષ્ટપણે દેખાય છે. તાજમહાલની આવી હાલતે ચિંતા ઊભી કરી છે કે શું સ્મારકની જાળવણીની દેખરેખ રાખનાર આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (ASI) આ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટના રક્ષણ માટે પૂરતું કામ કરી રહ્યું છે કે નહિ?
સોશિયલ મીડિયા પર ફરતા થયેલા વીડિયોમાં આ શ્વેત સ્મારકની દિવાલો, ફ્લોર અને કોતરણી પર તિરાડો જોવા મળી હતી. મુખ્ય ગુંબજ પર અંકિત કુરાની શ્લોકોનું અદ્રશ્યય થવું એ સૌથી અવ્યવસ્થિત પાસાઓમાંનું એક છે. આ લંબચોરસ ભાગ જે તાજમહેલની જટિલ ડિઝાઇનનો એક મહત્વપૂર્ણ ભાગ છે, તેના અક્ષરો સમય જતાં ઓછા સુવાચ્ય બની રહ્યા છે. પિટ્રા ડયુરા તકનીકનો ઉપયોગ કરીને દિવાલોમાં ગોઠવાયેલા બેશકીમતી પથ્થરો જે ખરી રહ્યા છે તેને પણ ફરીથી જડી શકાય એમ છે. મુઘલ સમ્રાટ શાહજહાં દ્વારા તેની પ્રિય પત્ની મુમતાઝની યાદમાં બાંધવામાં આવેલા તાજમહેલ તેની સ્થાપત્ય સુંદરતા માટે વિશ્વ વિખ્યાત છે. હાથીદાંત સરીખા શ્વેત આરસપહાણથી બનેલું આ સ્મારક શાશ્વત પ્રેમનું પ્રતીક છે. સદીઓથી, તે સમય, અનેક ઋતુઓ અને જુદા જુદા સંજોગો હેઠળના માનવ હસ્તક્ષેપ સામે અડીખમ ઊભું રહ્યું છે. જો કે, તે હવે ગંભીર પર્યાવરણીય પડકારોનો સામનો કરે છે.
ઓનલાઈન શેર કરાયેલા વધુ આઘાતજનક દ્રશ્યો પૈકી એકમાં સ્મારકના સ્તંભોમાંથી એક છોડ બહાર નીકળ્યો હતો તે છે. નિષ્ણાતો ચેતવણી આપે છે કે જો તેને તાત્કાલિક દૂર કરવામાં ન આવે તો, મૂળ માળખામાં ઊંડે સુધી પ્રવેશી શકે છે, જે લાંબા ગાળાના નુકસાનનું કારણ બને છે. મુશળધાર વરસાદને કારણે શાહજહાં અને મુમતાઝ મહેલની કબરો જ્યાં છે તેના નીચલા ખંડોમાં પણ પાણી ઘૂસી ગયા છે, જેના કારણે માળખાની સ્થિરતા અંગે વધુ આશંકાઓ ઊભી થઈ છે. સ્મારકના સંરક્ષણ માટે જવાબદાર આર્કિયોલાજિકલ સર્વે ઓફ ઇન્ડિયા (ASI) સંસ્થા ચકાસણી માટે આવી છે પણ ઘણા લોકોએ તેના પ્રયાસોની અસરકારકતા પર પ્રશ્ન ઉઠાવ્યા છે. અખિલેશ યાદવે આ મુદ્દાને સંભાળવાની સરકારની રીતની ટીકા કરતા કહ્યું કે જો ઝડપથી ઉકેલ નહીં આવે તો પાણી લિકેજ અને છોડના વિકાસને કારણે ગંભીર નુકસાન થઈ શકે છે.
ટૂર ગાઇડ્સ અને ઓપરેટરોએ આ ચિંતાઓનો પડઘો પાડયો છે, કારણ કે તાજમહેલ વાર્ષિક અંદાજે એંશી લાખથી એક કરોડ મુલાકાતીઓને આકર્ષે છે, અને કોઈપણ કથિત બેદરકારી તેની વૈશ્વિક પ્રતિષ્ઠાને કલંકિત કરી શકે છે. આ ચિંતાઓ છતાં, ASI એ ખાતરી આપી છે કે તાજમહેલ માળખાકીય રીતે મજબૂત છે. તેઓએ મુખ્ય ગુંબજનું નિરીક્ષણ કરવા માટે ડ્રોન ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો છે અને ક્યાં ક્યાં મરમ્મતની જરૂર છે તેની યાદી બનાવી છે. તિરાડો ક્યાં પડી છે તે હવે ખ્યાલ આવી ગયો છે માટે પાણીના લીકેજનું કારણ સમજાયું છે. ASI વધુ નુકસાન અટકાવવા માટે ટૂંક સમયમાં સમારકામ હાથ ધરવાની યોજના ધરાવે છે. જો કે, ભ્રષ્ટાચાર અને ગેરવહીવટના પ્રશ્નો પણ ઊભા થયા છે, જેમાં કેટલાકે સંસ્થા પર સ્મારકની જાળવણી માટે ફાળવવામાં આવેલા ભંડોળનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે. જો કે, ASIએ આ આરોપોને નકારી કાઢયા છે અને કહ્યું છે કે ઓડિટ કરશો તો કઈ ગેરરીતિ નહિ મળે.
તાજમહેલ એ મોગલ ઇતિહાસનો માત્ર એક ભાગ નથી; આ ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનો સાક્ષી છે. પર્યાવરણીય પરિબળો અથવા નબળી જાળવણીને લીધે તાજમહેલને થઇ રહેલા નુકસાનની કોઈપણ નિશાની આપણા માટે કલંક ગણાશે. કારણ કે ભવિષ્યની પેઢીઓ આપણી જવાબદારી ઉપર શંકા કરશે કે આવા ખૂબસૂરત સ્થાપત્યને આપણે સાચવી ન શક્યા? ચિંતા ફક્ત તાજમહેલના સૌન્દર્ય માટે જ નથી પણ તાજમહેલના પાયા મજબુત છે અને તેનું માળખું નબળું નથી પડયું ને- એ પણ છે. સદીઓથી તાજમહેલે અનેક પડકારોનો સામનો કર્યો છે.