બજેટની તડામાર તૈયારી .
કાતિલ ઠંડીની વચ્ચે પાટનગર નવિ દિલ્હીમાં આવતા ફેબ્રુઆરીમાં રજુ થનારા બજેટનો ધમધમાટ ચાલી રહ્યો છે. સરકારના કરવેરા માળખાની મજાક કરતી પોપકોર્ન કથાઓ બહુ લોકપ્રિય થઈને કેન્દ્રની નીતિને અપ્રિય બનાવી રહી છે, એવા સંજોગોમાં જીએસટીના સમગ્ર કર માળખામાં આમૂલ પરિવર્તનની નોબત નાણાં પ્રધાન કઈ રીતે જુએ છે તે દેશની જિજ્ઞાાસાનો વિષય છે. પૂર્ણ બહુમતીથી થોડા અંતરે મળેલી સફળતાને કારણે ભાજપમાં કેટલાક નવા જ પ્રકારના આત્મભાન અને ભૂલ સુધારણાનાં અધ્યાયો ચાલુ થયાં છે. છતાં હજુ પણ લોકાભિમુખ વહીવટ સુધી પહોંચવાને સરકારને વાર છે.
છેલ્લા એક દાયકાથી કોઈને કોઈ કારણે દુનિયાના ઉપભોક્તા અને વ્યાપારી દેશો ચીનથી નારાજ હોવા છતાં એ પરિસ્થિતિનો લાભ ભારતીય ઉત્પાદકો લઈ શક્યા નથી. એનું એક માત્ર કારણ ભારત સરકારની આયાત નિકાસની નકારાત્મક નીતિ છે. ગયા સપ્તાહે વળી એમાં કેટલાક વધુ ફેરફારો સરકારે કર્યા હોવાને કારણે આગામી ત્રિમાસિક ગાળામાં આયાત નિકાસને બહુ મોટો ફટકો પડવાની સંભાવના છે. તેની સામે વિવિધ પ્રકારનાં વાણિજ્યલક્ષી ફેડરેશનોએ વિરોધ અને આંદોલનો શરૂ કર્યાં છે.
થોડા સમય માંટેના નાણાં ખાતાના ચાર્જમાં આવેલા તત્કાલીન નાણાં પ્રધાન પીયૂષ ગોયેલે જ્યારે એક વખત બજેટ રજુ કરવાનો પ્રસંગ આવ્યો ત્યારે તેમણે તેમના વ્યાખ્યાનમાં વિશેષ રીતે વફાદાર કરદાતાઓ અંગે ઈતિહાસમાં પહેલીવાર આભાર માન્યો હતો. અને એ કરદાતાઓનાં મહત યોગદાન વિશે ગંભીર સકારાત્મક નોંધ લીધી હતી. એ સિવાય દેશના કરદાતાઓનું બજેટ વ્યાખ્યાનોમાં ક્યાંય માધુર્યપૂર્વકનું નામ ઉલ્લેખાતું નથી. આગામી બજેટમાં કેન્દ્ર સરકાર વ્યક્તિગત કરદાતાઓની આવક મર્યાદા રૂપિયા ૧૫ લાખ સુધી લઈ જવા ચાહે છે. એટલે કે આટલી રકમ પર કરવેરા લાગશે નહીં. ભારતનાં કોર્પોરેટ સેકટર સિવાયનાં જે વ્યક્તિગત કરદાતાઓ છે, તે મુખ્યત્વે મધ્યમ અને ઉચ્ચ મધ્યમ વર્ગમાંથી આવે છે. તેમાં પણ પગારદાર કરદાતાઓનો સમૂહ ઘણો મોટો છે. ઘણા લાંબા સમયથી તેઓ કરવેરામાં રાહતની પ્રતિક્ષા કરી રહ્યાં છે. આવખતે સરકાર એમાં બંમ્પર રાહત આપવાની સત્તાવાર વિચારણાં કરી રહી છે.
જીએસટીનાં કરમાળખામાં એક જ ઉત્પાદનની ખરીદી પર અનેક લોકોએ વારંવાર કર ચૂકવવો પડતો હોવાનાં ઉદાહરણો શરૂઆતથી જ નિષ્ણાતો આપી રહ્યાં છે, પરંતુ એનું કોઈ સમાધાન સરકાર કરી શકતી નથી. દેશમાં ઘણા બધાં ઉત્પાદનો એવાં છે કે જે કોઈને કોઈ રીતે ટેકનિકલ પ્રયુક્તિઓ દ્વારા વિવિધ ભાગોને એસેમ્બલ કરે છે. આવાં ઉત્પાદનોમાં સાધનોનાં એસેમ્બલીગ સાથે ટેક્સનું પણ એસેમ્બલીંગ થાય છે. અને ન દેખાય એ રીતે ઘણો મોટો બોજ પ્રજાનાં શિર પર આવે છે. ખુદ તત્કાલીન નાણા પ્રધાન અરૂણ જેટલીએ જીએસટી જાહેર થયા પછી લગભગ નિયમિત રીતે સુધારાઓ પ્રગટ કર્યા હતાં. જીએસટી વેરો જે સ્વરૂપમાં જાહેર થયો હતો તેમાં આજ સુધીમાં ૭૦૦થી વધુ સુધારા કરવામાં આવ્યા છે. એનો બીજો અર્થ એ છે કે, મૂળભૂત જાહેરાત વખતે ૭૦૦થી વધુ છબરડાઓ કરવામા આવ્યા હતા. છતાં સરકારે આજ સુધી જીએસટી સુધારણા કમિટીની રચના કરી નથી, અને માત્ર થીગડાં મારવાની વૃત્તિથી કામ ચલાવ્યું છે. દેશનાં અનેક લઘુ ઉદ્યોગો પર એનો નકારાત્મક પ્રભાવ પડયો છે.
આગામી કેન્દ્રીય બજેટમાં સરકારે મોંઘવારી અને બેરોજગારી પર વિશેષ ધ્યાન આપવું પડે એવી સ્થિતિ છે. બેરોજગારીને કારણે દેશભરમાં એક અવ્યક્ત અજંપો છે. એની સામે સરકાર દ્વારા વધુને વધુ નોકરીઓ આપવામાં આવી રહી હોવાનો જે પ્રચાર કરવામાં આવે છે તે ગજની સામે માત્ર રજ જેવી છે. એનો કોઈ અર્થ નથી. જેમને નોકરી મળે છે તેઓ ધન્ય છે એની ના નથી. પરંતુ કુલ બેરોજગારોમાંથી નોકરી પ્રાપ્ત કરનાર લોકોની સંખ્યા સાવ નહિવત છે. આ ઊંડી ખાઈ કઈ રીતે દૂર કરવી તે વર્તમાન શાસકો સામેનો મુખ્ય પડકાર છે. જે રીતે ડોનાલ્ડ ટ્રમ્પનાં પુનઃ સત્તારોહણના સમાચારો પછી દુનિયાની શેરબજારો ગોથાં ખાઈ રહી છે અને એની સામે નાટયાત્મક રીતે ડોલર ફુંફાડા મારતા તેજીલા તોખારની જેમ ઉંચે જઈ રહ્યો છે તે જોતા વિશ્વભરનાં બજારોમાં મંદીનું હવામાન વધુ સઘન બનવાની સંભાવના છે. આ સંજોગો સામે પણ નિર્મલા સીતારામન કઈ રીતે કામ પાર પાડે છે તે જોવાનુ રહે છે.
ભારતીય જનતા પક્ષની નીતિ જે મુખ્યત્વે એકાધિકારવાદયુક્ત હતી તે હવે સર્વસમાવેશક બનાવ્યા સિવાય છુટકો નથી. એટલે સક્રિય વિરોધ પક્ષોને ધ્યાનમાં રાખીને સરકાર કઈક ઉદાર પગલાં ભરે અને પ્રજા હિતનાં વધુ સારા નિર્ણયો લે તેવી સંભાવના આગામી બજેટમાં છે. છેલ્લા ઘણા સમયથી શિક્ષણનાં બજેટમાં કાપ મુકવામાં આવી રહ્યો છે. આમ પણ વૈશ્વિક શિક્ષણ પ્રણાલિકામાં ભારતીય યુનિવર્સિટીઓનું રેંકીગ ખુબ જ ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. ત્યારે શૈક્ષણિક બજેટમાં વધુ ફાળવણી કરવાની સંભાવના છે. દુનિયામાં ચાલી રહેલી શસ્ત્ર દોડને કારણે અને યુધ્ધોન્માદક વાતાવરણને કારણે પણ સંરક્ષણ બજેટ નવી ઉંચાઈએ પહોંચી જશે એમાં કોઈ શંકા નથી.