Get The App

સંકટ કે બાદલ .

Updated: Nov 27th, 2024


Google NewsGoogle News
સંકટ કે બાદલ                                          . 1 - image


આખરે શિરોમણી અકાલી દળના પ્રમુખ સુખબીર સિંહ બાદલે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું. લગભગ અઢી મહિના પહેલા અકાલ તખ્ત દ્વારા તંખૈયા (ધાર્મિક ગેરવર્તણૂક માટે દોષિત) જાહેર કરવામાં આવ્યા ત્યારથી તેમના પર પદ છોડવાનું દબાણ હતું. ઘણા કારણોસર આ રાજીનામું પંજાબના રાજકારણમાં મહત્ત્વનો વળાંક સાબિત થઈ શકે છે. છેલ્લા ત્રણ દાયકામાં આવું પહેલીવાર બન્યું છે જ્યારે શિરોમણી અકાલી દળમાં બાદલ પરિવારનો કોઈ સભ્ય શિખરપદો પર નથી. ખુદ સુખબીર બાદલની વાત કરીએ તો તેમણે ઈ.સ. ૨૦૦૮માં પિતા પ્રકાશ સિંહ બાદલ પાસેથી પાર્ટીની કમાન સંભાળી હતી. આ દોઢ દાયકા દરમિયાન પાર્ટીનો ગ્રાફ ઢળતા ઢાળે ધીમે ધીમે નીચે જતો રહ્યો. તે ઈ.સ.૨૦૧૭ની ધારાસભા ચૂંટણીમાં સત્તામાંથી બહાર હતી અને ૨૦૨૨માં માત્ર ત્રણ વિધાનસભા બેઠકો પર જ એની હયાતી બચી હતી.

ઈ.સ. ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં, તેનો વોટ શેર ૨૦૧૯ વખતના ૨૭.૫% થી ઘટીને માત્ર ૧૩.૪% થઈ ગયો અને તેણે રાજ્યની કુલ ૧૩ લોકસભા બેઠકોમાંથી માત્ર એક જ બેઠક અને એય માંડમાંડ જીતી. દરમિયાન, આમ આદમી પાર્ર્ટીના રૂપમાં રાજ્યના રાજકારણમાં એક નવું પરિબળ પ્રગટ થયું જેણે રાજ્યના પરંપરાગત રાજકીય માળખાને બદલી નાખ્યું. સ્વાભાવિક છે કે અકાલી દળ સમક્ષ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવાનો પડકાર છે. આવી સ્થિતિમાં, તે અસ્વાભાવિક નથી કે બાદલના નેતૃત્વને પાર્ટીની અંદરથી પણ ગંભીર પડકારોનો સામનો કરવો પડી રહ્યો હતો. અકાલી દળના સુધારાની લહેરના રૂપમાં પાર્ટીમાં અસંતુષ્ટ લોકોનું એક જૂથ ઉભરી આવ્યું છે, જે તેમના માર્ગમાં સતત મુશ્કેલીઓ ઉભી કરી રહ્યું હતું.

જો કે, પક્ષમાં ચાલી રહેલો આ આંતરિક વિખવાદ હજુ કોઈ નિષ્કર્ષ પર પહોંચ્યો હોવાનું માની શકાય તેમ નથી. ટંકૈયાની જાહેરાત પહેલા જ બાદલે તેમના નજીકના સહયોગી બલવિંદર સિંહ ભૂંડરને કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા હતા. ગત ૧૮ નવેમ્બરે ભૂંડેરે વર્કિંગ કમિટીની બેઠક બોલાવી હતી જેમાં બાદલના રાજીનામા પર વિચાર કરવામાં આવ્યો. આ બેઠક પર બધાની નજર હતી એટલું જ નહીં, વિરોધીઓને પણ ડર હતો કે આવતા મહિને યોજાનારી આંતરિક ચૂંટણીમાં બાદલ ફરીથી પ્રમુખ તરીકે ચૂંટાઈ શકે છે. જો કે આ આંતરિક સંઘર્ષ પાર્ટીની સત્તા અને પ્રભાવ પર કેવી અસર કરે છે તેના પર સૌની નજર છે. તેના પરિણામો શીખ રાજકારણને હવે ગંભીર અસર કરી શકે છે. આ સિવાય આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને બીજેપી જેવા તમામ પક્ષો પણ આ સ્થિતિનો મહત્તમ લાભ લેવાનો પ્રયાસ કરશે. આનો અર્થ એ થયો કે આ સરહદી રાજ્ય માટે આવનારા કેટલાક અઠવાડિયા અને મહિનાઓ ખૂબ જ મહત્ત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

સુખબીરનું રાજીનામું એવા સમયે આવ્યું છે જ્યારે જીછઘ ઓળખ સંકટ અને સુસંગતતા સાથે સંઘર્ષ કરી રહ્યું છે. એક સમયે શીખ સમુદાયના એકમાત્ર રાજકીય પ્રતિનિધિ તરીકે ઓળખાતા પક્ષ માટે, આ ક્ષણ તેના પાયાના લોકો સાથે જોડાવા, તેની વ્યૂહરચનાઓને ફરીથી ગોઠવવાની અને વંશવાદી રાજકારણની છાયામાંથી બહાર આવવાની તક આપે છે. સુખબીર સિંહ બાદલે ધાર્મિક દુર્વ્યવહાર માટે અકાલ તખ્ળત દ્વારા નિંદા કર્યા બાદ શિરોમણી અકાલી દળ (SAD) ના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપ્યું તે સરેરાશ શીખ સમુદાયને અનુકૂળ નથી. અનેક નાની મોટી સંસ્થાઓએ આ ઘટનાક્રમો પર નારાજગી વ્યક્ત કરી છે. છેલ્લા ત્રણ દાયકામાં આ પહેલીવાર છે જ્યારે બાદલ પાર્ટીનું નેતૃત્વ નહીં કરે. જે તેમના વર્ચસ્વ દ્વારા નિર્ધારિત યુગનો અંત દર્શાવે છે.

શિરોમણી અકાલી દળના વડા સુખબીર સિંહ બાદલે હવેના દિવસોમાં શીખ ધાર્મિક નેતાઓને મળવા ખેવના દાખવી છે. તે 'ટંકૈયા' (ધાર્મિક દુરાચાર માટે દોષિત) જાહેર થયા પછી કેવી રીતે આગળ વધવું તે અંગે માર્ગદર્શન ચાહે છે. અકાલી દળના ભૂતપૂર્વ સભ્યોના આરોપો બાદ બાદલે અકાલ તખ્તને આ સ્પષ્ટતા આપી હતી. સુખબીરના સમર્થનમાં અન્ય અનેક નેતાઓના રાજીનામા પડવાનો ક્રમ અદ્યાપિ ચાલુ રહ્યો છે. આ ઈતર રાજીનામાઓ ડૂબતા જહાજને છોડવા માટે છે કે પક્ષ પર દબાણ લાવવા માટે છે એ નક્કી નથી.


Google NewsGoogle News